World

'મારી પણ તસવીરો છે...', એપસ્ટિન ફાઇલ્સ જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટિન સાથે જોડાયેલી તપાસ ફાઈલો જાહેર થવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે 22 ડિસેમ્બરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભૂતકાળમાં જે નિર્દોષ લોકો એપસ્ટિન ને મળ્યા હતા, આ ફાઈલોના કારણે તેમની પ્રતિષ્ઠા ખોટી રીતે ખરાબ થવાનું જોખમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મારી પણ તસવીરો છે...', એપસ્ટિન ફાઇલ્સ જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા
(IMAGE - IANS)

Trump On Jeffrey Epstein Files: અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટિન સાથે જોડાયેલી તપાસ ફાઇલો જાહેર થવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે 22 ડિસેમ્બરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભૂતકાળમાં જે નિર્દોષ લોકો એપસ્ટિનને મળ્યા હતા, આ ફાઇલોના કારણે તેમની પ્રતિષ્ઠા ખોટી રીતે ખરાબ થવાનું જોખમ છે.

'રિપબ્લિકન પાર્ટીની સફળતાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ'

અમેરિકન ન્યાય વિભાગ(DOJ) દ્વારા શુક્રવારથી આ ગુપ્ત ફાઇલો જાહેર કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ મુદ્દે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, 'એપસ્ટિન સાથે જોડાયેલો આ સમગ્ર મામલો રિપબ્લિકન પાર્ટીની જબરદસ્ત સફળતા પરથી લોકોનું ધ્યાન હટાવવાની એક ચાલ છે.'

બિલ ક્લિન્ટનની તસવીરો પર ટ્રમ્પનું નિવેદન

ન્યાય વિભાગે જાહેર કરેલી તસવીરોના પ્રથમ બેચમાં મુખ્યત્વે પૂર્વ અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટન જોવા મળ્યા છે. આ અંગે સવાલ કરતા ટ્રમ્પે કહ્યું કે, 'મને બિલ ક્લિન્ટન પસંદ છે અને તેમની સાથે મારા હંમેશા સારા સંબંધો રહ્યા છે. તેમની તસવીરો આ રીતે સામે આવતા મને દુઃખ થાય છે.'

ટ્રમ્પે વધુમાં સ્વીકાર્યું કે, 'મારી પોતાની પણ એપસ્ટિન સાથેની તસવીરો છે. તે સમયે દરેક વ્યક્તિ આ માણસ (એપસ્ટિન ) સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતી હતી.' ટ્રમ્પે ક્લિન્ટન અને અન્ય હસ્તીઓની તસવીરો જાહેર કરવા સામે વાંધો ઉઠાવતા તેને 'ભયાનક બાબત' ગણાવી હતી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ક્લિન્ટન એક મોટા ગજાના નેતા છે અને તેઓ આ સ્થિતિને સંભાળી લેશે.

નિર્દોષ લોકો ફસાશે તેવી ભીતિ

ડોનાલ્ડ ટ્રમ્પે આ ફાઇલો જાહેર થવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ દસ્તાવેજોમાં એવા અનેક પ્રતિષ્ઠિત બૅન્કરો, નામાંકિત વકીલો અને અન્ય મહાનુભાવોની તસવીરો હોઈ શકે છે, જેઓ વર્ષો પહેલા માત્ર એક સામાજિક શિષ્ટાચારના ભાગરુપે અથવા નિર્દોષ ભાવે જેફરી એપસ્ટિનને મળ્યા હતા. ટ્રમ્પના મતે, કોઈ વ્યક્તિ માત્ર કોઈ પાર્ટીમાં સાથે જોવા મળે અથવા તસવીરમાં સાથે હોય તેના આધારે તેની વર્ષોની કમાયેલી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું એ ઘોર અન્યાય છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે લોકોનો એપસ્ટિન ના ગુનાહિત કૃત્યો સાથે વાસ્તવમાં કોઈ જ લેવાદેવા નથી, તેમની છબી પણ આ વિવાદને કારણે ખોટી રીતે ખરડાઈ રહી છે.  

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં તણાવથી અમેરિકાની ચિંતા કેમ વધી? ટ્રમ્પની શરણમાં યુનુસ

શું હતો એપસ્ટિન કેસ? 

નોંધનીય છે કે ધનાઢ્ય ફાયનાન્સર જેફરી એપસ્ટિન પર સગીરાઓની જાતીય તસ્કરીના ગંભીર આરોપો હતા. 2019માં ન્યુયોર્કની જેલમાં ટ્રાયલની રાહ જોતી વખતે તેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.