World

અમેરિકન કોર્ટે 10 ટકા ટેરિફ પણ ગેરકાયદેસર ગણાવતા ટ્રમ્પને ઝાટકો

By GS Team
9 May 20262 mins read
અમેરિકન કોર્ટે 10 ટકા ટેરિફ પણ ગેરકાયદેસર ગણાવતા ટ્રમ્પને ઝાટકો

- પાંચ દિવસમાં નાણાં પરત કરવાનું શરૂ કરવું પડશે

- ટ્રમ્પ સરકાર પાસે અમેરિકન કોર્ટના નિર્ણયને યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં પડકારવાનો વિકલ્પ હજી બાકી

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પની બરોબરની માઠી દશા બેઠી છે. ઇરાન સામેના યુદ્ધમાં નામોશી પછી તેમણે હવે ટેરિફના મોરચે કોર્ટમાં પણ ફરીથી ફટકો  સહન કરવાનો આવ્યો છે. ગુરુવારે અમેરિકન કોર્ટે ટ્રમ્પે લગાવેલા ૧૦ ટકા વૈશ્વિક વેરાને ગેરકાયદેસર ગણાવી રદ કરી દીધો. કોર્ટે જણાવ્યું હતું કે ૧૯૭૦ના દશકાના વેપાર કાયદાનો હવાલો દઈને લગાવવામાં આવેલો વેરો તર્કસંગત નથી. 

ટ્રમ્પ વહીવટીતંત્રએ ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ સમગ્ર વિશ્વમાંથી આવતા સામાનો પર ૧૦ ટકા નવો આયાતવેરો લાગુ કર્યો હતો. તેની સામે ૨૪ રાજ્યો અને કેટલાય નાના વેપારીઓએ કેસ કર્યો હતો. રાજ્યોની દલીલ હતી કે ટ્રમ્પે આ પગલું સુપ્રીમ કોર્ટના તે ચુકાદાથી બચવા માટે લીધું છે, જેમા ૨૦૨૫માં લગાવવામાં આવેલા ભારે ભરખમ વેરાને ગેરબંધારણીય ગણાવી રદ કરી દેવાયો હતો. આંતરરાષ્ટ્રીય કોર્ટે ૨-૧થી ચુકાદો સંભળાવતા જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટે ૧૯૭૪ના વેપાર કાયદાની જોગવાઈ ૧૨૨નો ખોટો ઉપયોગ કર્યો છે.

ધારા ૧૨૨ પ્રેસિડેન્ટને ફક્ત ત્યારે જ વેરો લગાવવાની છૂટ આપે છે જ્યારે દેશ ચૂકવણીના મોરચે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો હોય અથવા ડોલરની કિંમતમાં ભારે ઘટાડો રોકવાની જરૂર હોય. કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે તે પાંચ દિવસને અંદર આ ચુકાદાનું પાલન કરે અને તે આયાતકારોને રૂપિયા પરત કરે જેણે ટેક્સ ભર્યો હતો. 

જો કે અહીં મહત્ત્વની વાત એ છે કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાલિ સેક્ટર પર લાગેલા ટેરિફ જારી રહેશે. તેનું કારણ એ છે કે આ કાયદાકીય પડકાર કે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાના પરિઘમાં આવતા નથી. 

ટ્રમ્પ તંત્રે આ વેરાનો બચાવમાં જણાવ્યું હતું કે અમેરિકાની ખાધ ૧.૨ ટ્રિલિયન ડોલરે પહોંચી ગઈ છે અને ચાલુ ખાતાની ખાધ જીડીપીના ચાર ટકા છે. જો કે અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા કોઈપણ પ્રકારની ચૂકવણી સંકટનો સામનો કરી રહ્યું નથી. તેથી આ વેરાનો કોઈ કાયદાકીય આધાર ન હતો. 

ટ્રમ્પ તંત્ર અમેરિકન ન્યાય વિભાગના આ ચુકાદાને યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં પડકારી શકે છે. હાલમાં લગાવવામાં આવેલા ૧૦ ટકા વૈશ્વિક ટેરિફ ૨૪ જુલાઈના રોજ ખતમ થવાના હતા, પરંતુ કોર્ટના ચુકાદાએ વહીવટીતંત્રની વ્યાપારી રણનીતિને સમય પહેલાં જ સંકટમાં મૂકી દીધી છે.