શારીરિક શોષણ મામલે ટ્રમ્પને અમેરિકન કોર્ટે આપ્યો મોટો ઝટકો, 50 લાખ ડૉલરનો દંડ ફટકાર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump sexual abuse verdict: અમેરિકાની એક કોર્ટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાતીય શોષણના એક જૂના કેસમાં મોટો ઝટકો આપ્યો છે. અદાલતે ટ્રમ્પને લેખિકા ઈ. જીન કેરોલની જાતીય સતામણી કરવા અને ખોટા નિવેદનો આપીને તેમને બદનામ કરવાના દોષિત ઠેરવ્યા છે, જેના બદલામાં ટ્રમ્પને પીડિત લેખિકાને 50 લાખ ડૉલર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
82 વર્ષના ઈ. જીન કેરોલ અમેરિકાના પૂર્વ પત્રકાર અને કૉલમિસ્ટ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 1996માં ન્યૂયૉર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સાથે જાતીય સતામણી કરી હતી. જ્યારે વર્ષ 2019માં એક પુસ્તકમાં આ આરોપો સામે આવ્યા હતા, ત્યારે ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે લેખિકાને 'પાગલ' કહીને આખો મામલો મનઘડંત હોવાનો દાવો કર્યો હતો. લેખિકાના આ જ આરોપો ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ભારે ચર્ચામાં રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની અપીલ ફગાવી
વર્ષ 2023માં ન્યૂયૉર્કની ફેડરલ જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ અને લેખિકાને બદનામ કરવાના મામલે દોષિત જાહેર કર્યા હતા. જ્યુરીએ કેરોલને વળતર પેટે 50 લાખ ડૉલર આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ મૂળ ચુકાદા સામે ટ્રમ્પે અમેરિકન સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ અપીલ પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે 2023નો આ ચુકાદો આખરી બની ગયો છે.
વ્યાજ સાથે ચૂકવવા પડશે 58 લાખ ડૉલર
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફેડરલ જજ લુઈસ કપલાને આ અંગેનો અંતિમ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર, ટ્રમ્પે અદાલતમાં નક્કી કરેલી 50 લાખ ડૉલરની રકમ જમા કરાવવી પડશે. આ રકમમાં હવે વ્યાજ પણ ઉમેરવામાં આવ્યું છે, જેનો અર્થ એ થાય છે કે લેખિકા ઈ. જીન કેરોલને હવે કુલ મળીને અંદાજે 58 લાખ ડૉલર મળશે.









