Biggest Attack on Iran : અમેરિકાના રક્ષા સચિવ પીટ હેગસેથે ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનને લઈને એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ઈરાન પર થઈ રહેલા અમેરિકી હુમલાઓ યોગ્ય દિશામાં છે અને તમામ ઓપરેશન પૂર્વ નિર્ધારિત યોજના મુજબ આગળ વધી રહ્યા છે.
7000 સ્થળો પર હુમલાનો દાવો
રક્ષા સચિવના જણાવ્યા અનુસાર અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનમાં અંદાજે 7000 જેટલા સ્થળોને નિશાન બનાવ્યા છે. તેમણે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં હુમલાઓ વધુ તેજ કરવામાં આવશે અને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : હજુ તો અમે વેર વાળ્યું જ નથી! ઓઈલ-ગેસ પ્લાન્ટ્સ પર હુમલા બાદ પણ ઈરાનની ખતરનાક ચેતવણી
ઈરાનની 11 સબમરીન પણ નષ્ટ
પીટ હેગસેથે દાવો કર્યો છે કે અમેરિકી હુમલાઓમાં ઈરાનની નૌકાદળને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેમના મતે અંદાજે 120 જેટલા જહાજોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અથવા તો તેને ડુબાડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈરાનની 11 સબમરીન પણ નષ્ટ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. અમેરિકી કાર્યવાહીમાં ઈરાનનો સરફેસ ફ્લીટ અને અનેક સૈન્ય બંદરો પણ તબાહ કરી દેવામાં આવ્યા છે.
મધ્ય-પૂર્વના દેશોમાં તણાવ વધુ વધવાની આશંકા
અમેરિકાના આ આક્રમક વલણથી મધ્ય-પૂર્વના દેશોમાં તણાવ વધુ વધવાની આશંકા સેવાઈ રહી છે. નિષ્ણાતો માને છે કે આ પ્રકારની સૈન્ય કાર્યવાહીની અસર વૈશ્વિક સુરક્ષા અને ઉર્જા બજાર બંને પર પડી શકે છે. જોકે આ દાવાઓની હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર આ સમગ્ર ઘટનાક્રમ પર ટકેલી છે.
આ પણ વાંચો : ખાડી દેશોમાં ‘એનર્જી વોર’ : ઈરાને કતારના ગેસ પ્લાન્ટ ફૂંક્યા, 12 દેશોએ આપી ગંભીર ચેતવણી


