US-Iran War Update : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ભયંકર તબાહી સર્જાઈ રહી છે. સ્થિતિ એવી છે કે, ઈરાનના પડોશી દેશો પણ યુદ્ધની ઝપેટમાં આવી ગયા છે. ઈઝરાયલે ગઈકાલે ઈરાનના સૌથી મોટા ઓઇલ-ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર હુમલો કર્યો હતો, ત્યારબાદ ઈરાને પણ કતાર અને સંયુક્ત આરબ અમીરાતના ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ તબાહી બાદ 12 અરબ અને ઇસ્લામિક દેશોએ રોષ ઠાલવ્યો છે અને ઈરાનના હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આ દેશોએ ઈરાનને હુમલા રોકીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવા કહ્યું છે.
ઈરાન હુમલા રોકે : 12 દેશોનું સંયુક્ત નિવેદન
સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં ગુરુવારે યોજાયેલી બેઠક આ 12 દેશોની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ અજરબૈજાન, બેહરીન, ઈજિપ્ત, જોર્ડન, કુવૈત, લેબેનૉન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, તુર્કેઈ અને સંયુક્ત આરબ અમીરાતના મંત્રીઓએ સંયુક્ત નિવેદન જાહેર કરી ઈરાનને તાત્કાલીક હુમલાઓ રોકવા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા કહ્યું છે.
આ પણ વાંચો : ઈરાનના એક હુમલાથી વિશ્વભરમાં હાહાકાર! યુરોપિયન ગેસના ભાવમાં એકઝાટકે 35 ટકાનો ઉછાળો
ઈરાન પર રહેણાંક વિસ્તારોમાં હુમલા કરવાનો આરોપ
સંયુક્ત નિવેદનમાં જોર્ડન, અજરબૈજાન અને તુર્કેઈએ ઈરાની હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રીઓએ કહ્યું કે, ઈરાને રહેણાંક વિસ્તારો, ઓઇલ પ્લાન્ટ, ઍરપૉર્ટ, રહેણાંક બિલ્ડીંગો અને ડિપ્લોમેટિક સ્થળોને ટાર્ગેટ કર્યા હતા.
કતાર છોડી દેવા ઈરાની રાજદ્વારીઓ-અધિકારીઓને આદેશ
ઈરાને રાસ લફ્ફાન ઔદ્યોગિક શહેરને ટાર્ગેટ કર્યું હોવાનો કતારે આક્ષેપ કર્યો છે. કતારે કહ્યું કે, ઈરાને કરેલા હુમલાઓ સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રસ્તાવ 2817નું ઉલ્લંઘન છે. હુમલા બાદ કતારે ઈરાની દુતાવાસ, સૈન્ય સ્થળો, ઑફિસો ખાલી કરવાનો અને તેના સ્ટાફને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપી દીધો છે.
આ પણ વાંચો : હોર્મુઝ બંધ થયા બાદ ઓઈલ પુરવઠાની 'છેલ્લી આશા' પર પણ સંકટ! યાનબૂ પર ઈરાનનો હુમલો


