Get The App

LPG-LNG આયાત : ખાડી દેશો સાથે ભારતનો સંપર્ક તૂટ્યો તો અમેરિકાથી આવવા લાગ્યા ગેસ ટેન્કર્સ, સપ્લાયમાં US બન્યું નંબર વન

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
LPG-LNG આયાત : ખાડી દેશો સાથે ભારતનો સંપર્ક તૂટ્યો તો અમેરિકાથી આવવા લાગ્યા ગેસ ટેન્કર્સ, સપ્લાયમાં US બન્યું નંબર વન 1 - image

US Becomes India's Top LPG & LNG Supplier  : પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ(Strait of Hormuz)માં ચાલી રહેલી સૈન્ય નાકાબંધીના કારણે ભારતના ખાડી દેશોના (Gulf Countries) પરંપરાગત ગેસ નિકાસકારો સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો છે. જો કે, આ કટોકટીની વચ્ચે અમેરિકા(USA)થી ગેસની ખરીદીમાં અભૂતપૂર્વ વધારો થયો છે. મે 2026ના મહિનામાં અમેરિકા ભારતને એલએનજી(LNG - લિક્વિફાઇડ નેચરલ ગેસ) અને એલપીજી(LPG - લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)ની સપ્લાય કરનારો દુનિયાનો સૌથી મોટો દેશ બનીને ઉભર્યો છે.

વૈશ્વિક અહેવાલો અનુસાર, હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવ અને વ્યાપારી જહાજોની અવરજવર ખોરવાઈ જવાથી કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોમાંથી ભારત આવતી ગેસની ખેપમાં મોટો ઘટાડો નોંધાયો છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદથી જ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. સીએનબીસી(CNBC)ના રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરિયાતનો 60% એલએનજી અને લગભગ આખો એલપીજી ગેસ આ જ હોર્મુઝના રસ્તેથી આયાત કરતું હતું. ઉલ્લેખનીય છે કે ભારત એલપીજીનો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો, ક્રૂડ ઓઇલનો ત્રીજો અને એલએનજીનો ચોથો સૌથી મોટો આયાતકાર દેશ છે.

આંકડાકીય માપદંડમાં અમેરિકાની મોટી સરસાઈ

ગ્લોબલ એનર્જી ઇન્ટેલિજન્સ ફર્મ 'કેપ્લર' (Kpler) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, ભારતે ખાડી દેશોના બદલે અમેરિકાથી ગેસની આયાત રોકેટ ગતિએ વધારી દીધી છે

LPG (રાંધણ ગેસ) સપ્લાય : અમેરિકાએ એકલા મે મહિનામાં ભારતને 6,30,000 ટન એલપીજી ગેસ મોકલ્યો છે. જે ખાડીના તમામ દેશો તરફથી મળેલા કુલ 3,80,000 ટન ગેસ સપ્લાય કરતા અંદાજે 60 ટકા વધુ છે. નિષ્ણાતોના મતે જૂન 2026ના અંત સુધીમાં આ આંકડો 10 લાખ ટનને પાર કરી જશે.

LNG સપ્લાય : અમેરિકાએ મે મહિનામાં ભારતને 9,00,000 ટન એલએનજી ગેસની નિકાસ કરી છે, જે ભારતની કુલ રાષ્ટ્રીય જરૂરિયાતના 40% કરતાં પણ વધુ છે. એપ્રિલ મહિનાની સરખામણીએ આ આયાતમાં સીધો 3 ગણો મોટો ઉછાળો આવ્યો છે.

ઊર્જા ક્ષેત્રે અમેરિકાનું વધતું વર્ચસ્વ

આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે, પશ્ચિમ એશિયાના આ ભયાનક યુદ્ધે અમેરિકાના ઊર્જા ઉદ્યોગને બૂસ્ટર ડોઝ આપ્યો છે. આ ભારતને વધુ પ્રમાણમાં અમેરિકી ઊર્જા અને ક્રૂડ પ્રોડક્ટ્સ વેચવાની વોશિંગ્ટનની એક લાંબા ગાળાની વ્યાપારિક વ્યૂહરચનાનો પણ ભાગ છે. જો કે, યુદ્ધ શરૂ થયું તે પહેલા પણ ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રે વ્યાપાર સતત મજબૂત થઈ રહ્યો હતો, પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિસ્થિતિએ અમેરિકાને ભારત માટે અનિવાર્ય ભાગીદાર બનાવી દીધું છે.

1. અમેરિકાને બમ્પર ફાયદો : નિકાસ 8 ગણી વધી

યુદ્ધ અને હોર્મુઝની નાકાબંધીના કારણે ભારતે પોતાની ગેસ સપ્લાય ચેઇનને તાત્કાલિક અમેરિકા તરફ ડાયવર્ટ કરવી પડી છે. આ સોર્સિંગ શિફ્ટનો સૌથી મોટો આર્થિક ફાયદો વાશિંગ્ટનને મળ્યો છે. યુદ્ધ પહેલાની સામાન્ય સ્થિતિની સરખામણીએ વર્તમાન સમયમાં ભારતને થનારી અમેરિકી ઊર્જા નિકાસમાં સીધો 8 ગણો મોટો ઉછાળો આવ્યો છે.

2. ટ્રેડ સરપ્લસ (વ્યાપારી નફો) સંતુલિત કરવાની રણનીતિ

નિષ્ણાતોના મતે, 'અમેરિકા લાંબા સમયથી ભારત પર એ વાતનું દબાણ બનાવી રહ્યું હતું કે, ભારત અમેરિકા સાથેના પોતાના 'ટ્રેડ સરપ્લસ'(જેમાં ભારત અમેરિકાને નિકાસ વધુ કરે છે અને આયાત ઓછી)ને ઘટાડે. ભારત માટે આ વ્યાપારી ખાધ કે સંતુલનને સરભર કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તે અમેરિકા પાસેથી મોટા પાયે ઊર્જા અને ક્રૂડ પ્રોડક્ટ્સની આયાત વધારી દે. આ રીતે બંને દેશો વચ્ચેનું વ્યાપારિક સંતુલન જળવાઈ રહેશે અને અમેરિકાની નારાજગી પણ દૂર થશે.'

3. મોંઘો સોદો, પણ મજબૂરી

અમેરિકાથી ભારત સુધી LNG અને LPG લાવવી એ ખાડી દેશો(Gulf Countries)ની સરખામણીએ ઘણી વધુ ખર્ચાળ પ્રક્રિયા છે, કારણ કે દરિયાઈ અંતર ખૂબ વધારે છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધવાના કારણે આ ગેસ ભારતને મોંઘો પડી રહ્યો છે, પરંતુ યુદ્ધની વર્તમાન સ્થિતિમાં દેશમાં ગેસની અછત ન સર્જાય તે માટે ભારત પાસે અત્યારે અન્ય કોઈ મજબૂત વિકલ્પ ઉપલબ્ધ નથી.

4. શેલ ગેસના દમ પર લાંબા ગાળાનું ફોકસ

એનાલિસ્ટના મતે, 'આગામી સમયમાં ભારત અને અમેરિકા વચ્ચેના બિઝનેસનું મુખ્ય કેન્દ્રબિંદુ ગેસ સેક્ટર જ રહેશે. અમેરિકા પાસે પોતાના વિપુલ પ્રમાણમાં રહેલા 'શેલ રિસોર્સિસ' (Shale Gas - પથ્થરોમાંથી નીકળતો કુદરતી ગેસ) અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે તે ભારતની ઊર્જા સુરક્ષાની જરૂરિયાતોનો પૂરેપૂરો વ્યાપારિક લાભ ઉઠાવવા માટે સક્ષમ છે.'