US and Iran Reject Ceasefire Talks | મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો અત્યારે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ઈરાન અને અમેરિકા બંને આરપારના મૂડમાં છે અને સીઝફાયર (યુદ્ધવિરામ) માટેની મંત્રણાના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટના સહયોગી દેશો દ્વારા યુદ્ધ રોકવા માટે કરવામાં આવેલા રાજદ્વારી પ્રયાસોને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઠુકરાવી દીધા છે. ઓમાન અને ઇજિપ્ત (Egypt) જેવા દેશોએ મધ્યસ્થી કરવાની કોશિશ કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસનું માનવું છે કે અત્યારે વાતચીતનો સમય નથી, પણ ઈરાનની સૈન્ય ક્ષમતાને વધુ નબળી પાડવાનો સમય છે.
ઈરાન પણ નમતું જોખવા તૈયાર નથી
બીજી તરફ ઈરાને પણ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલા બંધ નહીં થાય, ત્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારના યુદ્ધવિરામ માટે તૈયાર નથી. ઈરાનના સૂત્રોના જણાવ્યા મુજબ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માને છે કે જો તેઓ હોર્મુઝ સ્ટ્રેટ પરથી અંકુશ ગુમાવશે તો તેઓ યુદ્ધ હારી જશે, તેથી તેઓ લડત ચાલુ રાખવા મક્કમ છે.
યુદ્ધની ગંભીર અસરો
તેલના ભાવમાં ભડકો: ખર્ગ આઈલેન્ડ પર અમેરિકાના હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વૈશ્વિક બજારમાં તેલની કિંમતો આસમાને પહોંચી છે.
2000 થી વધુના મોત: છેલ્લા બે અઠવાડિયામાં ચાલેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટાભાગના ઈરાની નાગરિકો છે.
ઓપરેશન એપિક ફ્યુરી: અમેરિકાનું આ સૈન્ય અભિયાન કોઈ પણ અડચણ વગર ચાલુ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "વાતચીત માટે હવે ઘણી મોડું થઈ ગયું છે."
અમેરિકાની અંદર વિરોધાભાસ
એક તરફ ટ્રમ્પ અને તેમના સલાહકારો ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને જડમૂળથી ખતમ કરવા માંગે છે, તો બીજી તરફ અમેરિકામાં વધતા પેટ્રોલના ભાવ રિપબ્લિકન પાર્ટી માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ આર્થિક દબાણ છતાં, હાલમાં સૈન્ય કાર્યવાહી રોકવાના કોઈ સંકેત નથી.


