ફ્રાન્સમાં વિદ્રોહ : 10 લાખ લોકો રસ્તા પર-શટડાઉન

- સરકારે ખર્ચમાં કાપ મુકતા આક્રોશ ચરમસીમાએ
- જાહેર સેવાઓ પર પ્રતિબંધના બદલે અમીરો પર વધુ ટેક્સ નાંખવા ટ્રેડ યુનિયનોની માગ, હિંસા રોકવા 76,000 પોલીસ જવાનો તૈનાત
પેરિસ : ફ્રાન્સમાં બજેટમાં કાપ અને સામાજિક યોજનાઓ રદ કરવાના વિરોધમાં એક મહિનાથી ચાલતા સરકાર વિરોધી દેખાવો હજુ પણ અટક્યા નથી. સરકારની આર્થિક કટોકટી અને આકરી નીતિઓના વિરોધમાં ગુરુવારે ૨૦૦થી વધુ શહેરોમાં લાખો લોકો દેખાવોમાં જોડાયા હતા. ટ્રેડ યુનિયનોએ હડતાળની જાહેરાત કરતા યુવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, નિવૃત્ત લોકો અને નાગરિકો રસ્તા પર ઉતર્યા હતા. દેખાવોના કારણે એફિલ ટાવર પર પણ તાળુ મારવું પડયું હતું અને ફ્રાન્સમાં 'શટડાઉન' જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ફ્રાન્સના ગૃહમંત્રાલય મુજબ સમગ્ર દેશમાં ૨૦૦ શહેરોમાં અંદાજે ૧.૯૫ લાખ લોકો રસ્તા પર હતા, જેમાં એકલા પેરિસમાં જ ૨૪,૦૦૦થી વધુ લોકો રસ્તા પર દેખાવો કરી રહ્યા હતા. ટ્રેડ યુનિયનોએ દાવો કર્યો કે સરકારે સંખ્યા કહે છે તેના કરતાં ઘણી વધુ છે. અંદાજે ૧૦ લાખથી વધુ લોકો રસ્તા પર આવ્યા છે. જોકે, કેટલાક સૂત્રોએ દાવો કર્યો હતો કે, છેલ્લા એક મહિનાથી ચાલતા દેખાવોમાં ગુરુવારે અગાઉ કરતાં ઓછા દેખાવકારો જોડાયા હતા.
ફ્રાન્સના શહેરો અને ટાઉનમાં લાખો કામદારો, નિવૃત્ત લોકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો રસ્તા પર ઉતર્યા હતા. પેરિસમાં દેખાવકારોએ પ્લેસ દ'ઈટલીથી રેલી શરૂ કરી હતી. દેખાવકારોએ 'ધનિકો પર વધુ ટેક્સ લગાવો, જાહેર સેવાઓ પર કાપ બંધ કરો'નો સૂત્રોચ્ચાર કર્યો હતો. દેખાવકારોએ ફ્લેયર્સ સળગાવ્યા, બેનરો ફરકાવ્યા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. હડતાળ વચ્ચે દેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સરકારે ૭૬,૦૦૦થી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કરવા પડયા હતા.
ફ્રાન્સના મુખ્ય ટ્રેડ યુનિયનો સીજીટી, એફડીપી અને સીએફડીટીએ જાહેર કરેલી રાષ્ટ્રવ્યાપી હડતાળના ભાગરૂપે આ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ટ્રેડ યુનિયનો અને દેખાવકારોએ ૨૦૨૬ના બજેટમાં ખર્ચ કાપનો વિરોધ કરતા અમીરો પર વધુ ટેક્સ લગાવવાની માગ કરી છે. દેખાવોના પગલે રાજધાની પેરિસમાં વિશ્વવિખ્યાત એફિલ ટાવર પ્રવાસીઓ માટે પણ બંધ રાખવો પડયો હતો. એફિલ ટાવરના પ્રવેશ દ્વાર પર બોર્ડ માર્યું હતું કે, 'હડતાળના કારણે એફિલ ટાવર બંધ છે. અમે ક્ષમા માગીએ છીએ.' છેલ્લા પખવાડિયામાં બીજી વખત એફિલ ટાવર બંધ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન ફ્રાંસ્વા બાયરુના બજેટ પ્રસ્તાવોને રદ કરી દેવા જોઈએ, જેમાં સામાજિક કલ્યાણ યોજનાઓ પર પ્રતિબંધ અને ખર્ચમાં કાપ જેવી બાબતો સામેલ છે. યુનિયનોએ ચેતવણી આપી છે કે સરકારના ખર્ચ કાપનાં પગલાં ઓછી અને મધ્યમ આવકવાળા પરિવારોની ખર્ચ શક્તિ વધુ ઘટાડશે. સરકારે અમીરો પર ટેક્સ વધારવો જોઈએ.
દેખાવકારોએ આક્ષેપ કર્યો છે કે બજેટમાં કાપથી અમીરોને લાભ થશે જ્યારે મોંઘવારી અને જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધવાથી સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાશે. દેખાવકારોએ એલવીએમએચના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટ જેવા અબજોપતિઓ વિરુદ્ધ પોસ્ટરો લહેરાવ્યા હતા. આ અબજોપતિઓ પર ટેક્સ હેવન્સનો ઉપયોગ કરવાના આક્ષેપો છે. વિપક્ષ અને જમીની સ્તરના સંગઠનો પણ આ આંદોલનમાં જોડાઈ જતા પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે.








