Get The App

ગરમીથી કંટાળ્યા? હજુ તો 5 વર્ષ હાહાકાર મચાવશે 'સુપર અલ નીનો'! UNના રિપોર્ટથી સમગ્ર વિશ્વમાં ચિંતા

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
ગરમીથી કંટાળ્યા? હજુ તો 5 વર્ષ હાહાકાર મચાવશે 'સુપર અલ નીનો'! UNના રિપોર્ટથી સમગ્ર વિશ્વમાં ચિંતા 1 - image

UN Climate Projections 2026 to 2030: આગામી પાંચ વર્ષોમાં પૃથ્વી પર ગરમીનું એક નવું અને ભયાનક સ્વરૂપ જોવા મળી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની (UN) હવામાન સંસ્થા વર્લ્ડ મેટોરોલૉજીકલ ઑર્ગેનાઇઝેશન(WMO) અને યુકેના હવામાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નવા અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2026થી 2030 દરમિયાન વૈશ્વિક તાપમાન આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરાયેલી સલામત મર્યાદાને વારંવાર પાર કરી જશે. કોલસો, તેલ અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોના વધુ પડતા વપરાશને કારણે પૃથ્વી પર પૂર, દુષ્કાળ અને હીટ વેવ જેવી આત્યંતિક હવામાન ઘટનાઓ ઝડપથી વધશે.

પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની લક્ષ્મણ રેખા તૂટશે

વૈજ્ઞાનિકોના અહેવાલ મુજબ, 2026 અને 2030ની વચ્ચે સરેરાશ વૈશ્વિક તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના) સમયગાળા કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ(2.7 ડિગ્રી ફેરનહીટ)ને વટાવી જવાની 75% શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2015ના પેરિસ આબોહવા કરારમાં વૈશ્વિક તાપમાનને આ જ મર્યાદામાં રાખવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાંથી કોઈ એક વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ(વર્ષ 2024નો રૅકોર્ડ તોડીને) બને તેની 86% શક્યતા છે. 2027ના વર્ષમાં ગરમીનો અત્યાર સુધીનો નવો રૅકોર્ડ બને તેવી પ્રબળ આશંકા છે, કારણ કે પ્રશાંત મહાસાગરમાં કુદરતી રીતે તાપમાન વધારતી 'અલ નીનો'(El Nino)ની પ્રક્રિયા 2028 સુધી લંબાઈ શકે છે.

વિજ્ઞાનીનો અભિપ્રાય: "તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો પણ પૃથ્વી પર ગંભીર અસરો લાવે છે. 1.5 ડિગ્રીની મર્યાદા વટાવી જવાનો અર્થ એ છે કે શહેરી આયોજન અને કૃષિ ક્ષેત્ર જેની કલ્પના પણ નથી કરી તેવા અતિશય ગરમ, ભીના કે સૂકા હવામાનનો સામનો કરવો પડશે. આનાથી લોકોના જીવ જશે, અન્ન સંકટને કારણે મોંઘવારી વધશે અને જંગલોમાં આગની ઘટનાઓ તીવ્ર બનશે."

- ફ્રિડેરિક ઓટ્ટો, આબોહવા વૈજ્ઞાનિક (ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડન)

આ પણ વાંચો : 'પેપર લીક થાય પણ મેયરના નામ નહીં...', સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

આર્કટિક અને એમેઝોનના જંગલો પર મોટું સંકટ

કોમ્પ્યુટર સિમ્યુલેશન અને 13 અલગ-અલગ ક્લાઇમેટ મોડલ્સના આધારે તૈયાર કરાયેલા આ અહેવાલમાં બે સૌથી ચિંતાજનક બાબતો સામે આવી છે. 

1. આર્કટિકમાં બરફ પીગળવાની સ્પીડ વધી: આર્કટિક વિસ્તાર બાકીની દુનિયા કરતાં 3.5 ગણી ઝડપથી ગરમ થઈ રહ્યો છે. સૂર્યના કિરણોને પરાવર્તિત કરતો બરફ પીગળી રહ્યો હોવાથી ત્યાં તાપમાન સતત વધી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં ત્યાં શિયાળાનું તાપમાન સામાન્ય કરતાં 5.1 ડિગ્રી ફેરનહીટ (2.8 ડિગ્રી સેલ્સિયસ) વધુ ગરમ રહેવાની ધારણા છે.

2. કાર્બન સોષતું એમેઝોન પોતે જ ઝેર ઓકશે!: પૃથ્વીના ફેફસાં ગણાતા એમેઝોનના જંગલોના વિસ્તારમાં ભયાનક દુષ્કાળ અને અસામાન્ય ગરમી પડશે. ગરમીને કારણે ત્યાં જંગલોમાં લાગતી આગ(Wildfires)નું જોખમ વધી જશે. પરિણામે, જે એમેઝોન અત્યાર સુધી પૃથ્વીના ઝેરી કાર્બન ડાયોક્સાઇડને શોષવાનું કામ કરતું હતું, તે પોતે જ કાર્બન બહાર ફેંકીને સમસ્યાને વધુ ગંભીર બનાવી દેશે.

માનવજીવન પર ખૂબ જ ક્રૂર અસર 

યુએનના ક્લાઇમેટ ચીફ સાયમન સ્ટીલે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને રોકવાના વૈશ્વિક પ્રયાસો પૂરતા સાબિત થઈ રહ્યા નથી. યુરોપ અને ભારત સહિત વિશ્વભરમાં પડી રહેલી અસહ્ય ગરમી એ માનવજાત દ્વારા સતત સળગાવવામાં આવી રહેલા કોલસા અને તેલનું જ ઘાતક પરિણામ છે, જેની આર્થિક અને માનવજીવન પર ખૂબ જ ક્રૂર અસર પડી રહી છે.