Get The App

કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
Keir Starmer leadership challenge


UK Political Crisis: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે પોતાની જ પાર્ટીના સભ્યોને ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો તેમના નેતૃત્વ સામે કોઈ પડકાર ફેંકવામાં આવશે, તો લેબર પાર્ટી 'અરાજકતા'માં ધકેલાઈ જશે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના નબળા દેખાવ બાદ સ્ટારમરને હટાવવાની અટકળો તેજ બની છે. આ અસ્થિરતા વચ્ચે સ્ટારમરે મંત્રીઓને અપીલ કરી છે કે તેઓ પાર્ટીને વધુ અસ્થિર ન કરે.

વેસ સ્ટ્રીટિંગ આપી શકે છે રાજીનામું

બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ વડાપ્રધાન સામે બળવો કરવાની અને નેતૃત્વ માટે પોતાનો દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમને 81 લેબર સાંસદોના સમર્થનની જરૂર પડશે. બુધવારે સવારે તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટ (વડાપ્રધાનનું નિવાસસ્થાન) ખાતે પણ જોવા મળ્યા હતા, પરંતુ 20 મિનિટમાં જ ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમ બાદ સ્ટારમર પરનું દબાણ સતત વધી રહ્યું છે.

પાર્ટી અને યુનિયનોમાં વધતો રોષ

સ્થાનિક ચૂંટણીમાં ભારે હાર બાદ મંગળવારે અનેક જુનિયર મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં, લેબર પાર્ટી સાથે જોડાયેલા 11 યુનિયનોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને નેતૃત્વ પરિવર્તનની માંગ કરી છે. યુનિયનોનું કહેવું છે કે કીર સ્ટારમર આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરી શકશે નહીં, તેથી નવા નેતાની પસંદગી માટે અત્યારથી જ પ્લાન તૈયાર કરવો જોઈએ. બીજી તરફ, સ્કોટિશ નેશનલ પાર્ટીએ પણ સ્ટારમર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ધમકી આપી છે.

આ પણ વાંચો: અમેરિકાના કારણે આ દેશમાં ડીઝલનું એક ટીપું પણ નથી! દિવસમાં માંડ બે કલાક વીજળી મળે છે

કિંગના સંબોધન પર રાજકીય સંકટનો પડછાયો

બુધવારે બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીયએ સંસદના નવા સત્રની શરૂઆતમાં 'કિંગ્સ સ્પીચ' આપી હતી, જેમાં કીર સ્ટારમર સરકારના 34 સૂચિત બિલ અને ભવિષ્યના એજન્ડાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. જોકે, સરકારની આ નીતિઓ અને યોજનાઓ કરતા વડાપ્રધાનના રાજકીય ભવિષ્ય પરના સંકટની ચર્ચા વધુ જોવા મળી હતી. હાલની સ્થિતિ જોતા બ્રિટિશ રાજકારણ એક મોટા વળાંક તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.