World

બે વર્ષ પહેલાં મફત લોટ લેવા માટે લોકો પડાપડી કરતા હતા, હવે તો રેઝર-શેમ્પુનાં ફાંફાં પડે છે

By GS TEAM
4 Oct 20252 mins read
બે વર્ષ પહેલાં મફત લોટ લેવા માટે લોકો પડાપડી કરતા હતા, હવે તો રેઝર-શેમ્પુનાં ફાંફાં પડે છે

- બે વર્ષથી ચાલતી આર્થિક કટોકટીનો પાક.માં અંત દેખાતો નથી

- કેટલીએ વિદેશી કંપનીઓ પાક. છોડી રહી છે તેથી અનેક ચીજોની અછત ઊભી થઈ છે : છેલ્લે P & Gપણ છેડો ફાડયો શરીફ શું કરશે ?

નવી દિલ્હી : બે વર્ષ પહેલાના વિડિયોમાં પાકિસ્તાનમાં કેટલાયે શહેરોમાં મફત લોટ મેળવવા માટે પડાપડી કરતા લોકો દર્શાવતા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. દેશનાં અર્થતંત્રનું જહાજ ખરાવા સાથે અથડાઈ લગભગ ભાંગી પડયાં જેવું બની રહ્યું હોય તેમ દેખાતું હતું. ત્યારથી શરૂ કરી આજ દિવસ સુધી દેશનાં અર્થતંત્રમાં કોઈ સુધારો થયો હોય તેમ દેખાતું નથી.

અનેક વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓ પાકિસ્તાન છોડી ગઈ છે, તે પૈકી તાજેતરમાં જ રોજીંદા વપરાશની ચીજોની ઉત્પાદક જાયન્ટ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ પાકિસ્તાન સાથેથી છેડો ફાડી નાખ્યો છે. બીજી તરફ પાકિસ્તાનની જ કેટલીયે કંપનીઓ દેવાળું ફૂંકી બંધ થઈ ગઈ છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (પી એન્ડ જી) જેવી કંપનીએ વિદાય લેતાં પાકિસ્તાનમાં રેઝર બ્લેડ અને શેમ્પુની ખેંચ ઊભી થઈ છે. કેટલાક મોલ કે સ્ટોરમાં તો 'નો-શેમ્પુ'નાં બોર્ડ મુકાઈ ગયા છે.

પાકિસ્તાનની આ સ્થિતિ અંગે અહીં રજૂ કરાયેલી વિગતો કંઈ અધ્ધરતાલ આપવામાં આવી નથી. છેલ્લાં બે વર્ષમાં શેલ, ફાઇઝર, ટોટલ એનર્જીમાં માઇક્રોસોફ્ટ અને ટેલેનોરે પાકિસ્તાન છોડી દીધું છે. છેલ્લે પ્રોક્ટર ગેમ્બલે પણ પાકિસ્તાનથી છેડો ફાડી નાખ્યો છે. આ કંપની માત્ર શેમ્પુ કે રેઝર જ બનાવતી નથી તે ઓટોમોબાઈલસ અને મશીનરી, ઈલેકટ્રોનિક ઉપકરણો તથા સોફ્ટવેર તથા પેકેટ ફૂડ અને લીબરેજીઝ પણ બનાવે છે તથા ઘર વપરાશની ચીજો અને વ્યક્તિ માટે જરૂરી તેવી અનેક આઈટેમ્સ બનાવે છે.

પાકિસ્તાનમાં ઉદ્યોગો પૂરા વિકસ્યા જ નથી તેવામાં આ બહુરાષ્ટ્રીય કંપનીઓ પાકિસ્તાન છોડતી રહેશે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટતું રહેશે.