World

ટ્વિટર હવે બ્લૂ ટિક માટે યુઝર્સ પાસેથી દર મહિને રૂ.1600 વસૂલશે

By GS Team
31 Oct 20222 mins read
This article was originally published on 31 Oct 2022
ટ્વિટર હવે બ્લૂ ટિક માટે યુઝર્સ પાસેથી દર મહિને રૂ.1600 વસૂલશે

- આવતા સપ્તાહથી નવો પ્લાન જાહેર થાય તેવી શક્યતા

- એક યુઝરના ટ્વીટનો જવાબ આપતા ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે કહ્યું : આખી પ્રક્રિયામાં ફેરફાર કરાશે

વૉશિંગ્ટન : ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું હતું એ પ્રમાણે હવે બ્લૂ ટિક માટે યુઝર્સે ચાર્જ આપવો પડશે. બ્લૂ ટિકની પ્રક્રિયામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જે યુઝર્સનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે તેમણે મહિને ૨૦ ડોલર એટલે કે અંદાજે ૧૬૦૦ રૂપિયા ટ્વિટરને ચૂકવવા પડશે.

ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે એક ટ્વિટર યુઝરની ટ્વીટનો જવાબ આપ્યો હતો. ટ્વિટર યુઝરે લખ્યું હતું કે સ્પેસક્રાફ્ટના સારામાં સારા ફોટોગ્રાફ્સ પાડયા હોવા છતાં એનું વેરિફિકેશન ચાર-ચાર વખત રદ્ થયું છે. તે સંદર્ભમાં ઈલોન મસ્કે લખ્યું હતુંઃ ટૂંક સમયમાં બ્લૂ ટિક માર્કની આખી પ્રક્રિયામાં ફેરફાર થઈ રહ્યો છે. તેની શરૂઆત પણ થઈ ચૂકી છે.

અહેવાલોમાં તો ત્યાં સુધી દાવો કરાયો હતો કે ઈલોન મસ્ક ટ્વિટરના બ્લૂ માર્ક યુઝર્સ માટે ખાસ પ્લાન લાવશે. એ પ્રમાણે દરેક બ્લૂ ટિક માર્ક યુઝરે ૨૦ ડોલરનો ચાર્જ આપવો પડશે. બ્લૂ ટિક માટે દર મહિને ઓછામાં ઓછાં ૧૬૦૦ રૂપિયાનો ખર્ચ કરવાનો થશે. દાવો તો ત્યાં સુધી થયો હતો કે ટ્વિટરના કર્મચારીઓને આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે. કર્મચારીઓએ પ્લાન તૈયાર કરીને રજૂ કરવા માટે ૭મી નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અગાઉ એવી અટકળો હતી કે ટ્વિટર દર મહિને બ્લૂ સબસ્ક્રાઈબર્સ પાસેથી પાંચ ડોલરની ફી વસૂલશે.

ટ્વિટરની બ્લૂ ટિકની પ્રક્રિયામાં ખરેખર કેટલો ફેરફાર થશે અને બ્લૂ ટિક મેળવવાની ઈચ્છા ધરાવતા નવા યુઝર્સ માટે કેવા નિયમો અને પ્લાન હશે તે બાબતે પણ કંઈ કહેવાયું ન હતું. પરંતુ હવે એના માટે પૈસા ચૂકવવા પડશે એવું મનાઈ રહ્યું છે.

ઈલોન મસ્કે ટ્વિટર ખરીદી લીધા બાદ ટ્વિટરમાં બ્લૂ ટિક હટાવવાનો ટ્રેન્ડ બન્યો હતો. અસંખ્ય યુઝર્સે બ્લૂ ટિકની સુવિધા બંધ કરવાની માગણી કરી હતી. અગાઉ પણ બધા જ યુઝર્સના એકાઉન્ટ એક સરખા રાખવાની હિમાયત થઈ ચૂકી છે.