મેક્સિકોને ટ્રમ્પનું આખરીનામું : 'જો પાણી નહીં આપો તો 5 ટકા ટેરિફ લગાડવામાં આવશે'

- અમે જ દુષ્કાળનો સામનો કરીએ છીએ : મેક્સિકો
- ટ્રુથ સોશ્યલ પર અમેરિકી પ્રમુખે લખ્યું : મેક્સિકો 1944માં કરેલા જળ-આપૂર્તિ કરારોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યું છે
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા કે ચાયના સિવાયના તમામ દેશોને આખરીનામા આપવાનું વ્યસન થઈ ગયું છે. મેક્સિકોને સીધી ધમકી આપતાં તેણે કહી દીધું છે કે જો તમે તત્કાળ ટેકસાસ અને ન્યૂયોર્કને સિંચાઈ માટેનું પાણી નહીં આપો તો, તમારી ઉપર વધારાનો ૫ ટકા ટેરિફ લગાડાશે.
પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશ્યલ ઉપર ટ્રમ્પે લખ્યું હતું કે ૧૯૪૪ના કરારો પ્રમાણે મેક્સિકોએ બે લાખ એકર ફીટ પાણી ૩૧ ડિસે. પહેલા પહોંચાડવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે આટલું જળ નહીં અપાતા ટેક્ષાસનો સુંદર પાક તેમજ પશુધન પાણી વીનાના રહે તેમ છે. ૩૧ ડિસે. ૨૦૨૫ સુધીમાં મેક્સિકોએ ૨ લાખ એકર ફૂટ પાણી આપવું જ જોઈએ.
બીજી તરફ મેક્સિકોએ જણાવ્યું હતું કે, 'અમારા ઉત્તરના વિસ્તારોમાં તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. તેથી અમારે અમારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું પડે તેમ છે. તેથી તમોને (યુએસને) જળ આપી શકાય તેમ નથી. આંતરરાષ્ટ્રીય દબાણો હોય તેમ છતાં અમે અમેરિકાને જળ આપી શકીએ તેમ નથી.








