World

ટ્રમ્પના બે ખાસ સામસામે : ઈઝરાયલના સૈન્ય અભિયાન પર જેડી વેન્સ અને રુબિયો વચ્ચે મતભેદ

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોના ઈઝરાયેલ-લેબનાન યુદ્ધ તથા ઈરાન શાંતિ સમજૂતી અંગે અલગ-અલગ નિવેદનોથી ટ્રમ્પ સરકારની વિદેશ નીતિ પર સવાલો ઉઠ્યા છે. વેન્સે બેરૂતમાં ઈઝરાયેલના હુમલાને અયોગ્ય ગણાવ્યા, જ્યારે રુબિયોએ ઈઝરાયેલનો બચાવ કર્યો. બંને નેતા 2028ના રાષ્ટ્રપ્રમુખ પદના દાવેદાર મનાય છે, જેથી વૈચારિક ખેંચતાણ જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના બે ખાસ સામસામે : ઈઝરાયલના સૈન્ય અભિયાન પર જેડી વેન્સ અને રુબિયો વચ્ચે મતભેદ

JD Vance And Marco Rubio Controversial Statement : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દાવો કરે છે કે ઈરાન અને મધ્ય-પૂર્વના દેશોના મુદ્દે તેમની આખી ટીમ એકસાથે છે. જોકે, છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોના અલગ-અલગ નિવેદનોએ આ દાવા પર સવાલો ઊભા કર્યા છે. ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે બંને મોટા નેતાઓના વિચારોમાં મોટો તફાવત જોવા મળ્યો છે, જેના કારણે સરકારની વિદેશ નીતિ સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે.

ઈઝરાયેલના હુમલા મામલે વેન્સ અને રુબિયોના જુદા જુદા નિવેદન

એક અહેવાલ અનુસાર, જેડી વેન્સે ચિંતા વ્યક્ત કરી હતી કે, લેબનાનની રાજધાની બેરૂતમાં સામાન્ય લોકોની ઈમારતો પર ઈઝરાયેલના હુમલા અયોગ્ય છે અને તેનાથી શાંતિના પ્રયાસો બગડશે તેમજ તણાવ વધશે. બીજી તરફ, વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈઝરાયેલનો બચાવ કરતા કહ્યું કે, આ હુમલા હિઝબુલ્લાહના આતંકી હુમલાનો જવાબ છે અને ઈઝરાયેલની સુરક્ષા માટે જરૂરી છે.

આ પણ વાંચો : VIDEO : ચીનમાં 109 માળની બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું, ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા

અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી મામલે પણ જુદા જુદા નિવેદન

અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલી પ્રારંભિક શાંતિ સમજૂતી અંગે પણ બંને નેતાઓનો અભિપ્રાય જુદો છે. વિદેશ પ્રવાસ દરમિયાન જેડી વેન્સે ઈરાન સાથેની વાતચીતને હકારાત્મક ગણાવી હતી. તો વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સાથી દેશોને ખાતરી આપી કે અમેરિકા પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરે. રુબિયોએ સ્પષ્ટ કહ્યું કે, 'આપણે સમજૂતી ઈચ્છીએ છીએ, પરંતુ કોઈ પણ કિંમતે નહીં. કોઈ પણ સમજૂતીમાં અમેરિકા અને તેના સહયોગીઓના હિત સંપૂર્ણ સુરક્ષિત હોવા જોઈએ.'

આ પણ વાંચો : એપલ પછી માઈક્રોસોફ્ટનો ઝટકો: Xbox ગેમિંગ કન્સોલની કિંમતોમાં ધરખમ વધારો, ઈટાલીમાં કંપની સામે તપાસ શરૂ

વ્હાઈટ હાઉસે વિખવાદની વાતો નકારી

સરકારના સત્તાવાર પ્રવક્તાઓએ આ આંતરિક મતભેદોની વાતોને ખોટી ગણાવી છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, આખી ટીમ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના નેતૃત્વમાં એક થઈને કામ કરી રહી છે અને તેમનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવાનો છે.

બંને નેતા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પ્રબળ દાવેદાર

રાજકીય નિષ્ણાતોના મતે, જેડી વેન્સ હંમેશાથી વિદેશી યુદ્ધોમાં અમેરિકાના પૈસા વેડફવાના વિરોધી રહ્યા છે, જ્યારે માર્કો રુબિયો ઈરાન અને રશિયા જેવા દેશો સામે કડક વલણ રાખવાના પક્ષધર છે. આ બંને નેતાઓ વર્ષ 2028ની આગામી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, તેથી અત્યારથી જ તેમની વચ્ચે વૈચારિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. જોકે, બંને નેતાઓ જાહેરમાં એવું જ કહી રહ્યા છે કે તેઓ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના નિર્ણય સાથે જ ઊભા છે.