Get The App

અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટ્રમ્પની ટેરિફની નીતિ અવઢવમાં

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટ્રમ્પની ટેરિફની નીતિ અવઢવમાં 1 - image

- અમેરિકામાં ભારતીય નિકાસ પર 10 ટકા ટેરિફ લાગુ, ૧૫ ટકા અંગે આશંકા

- નવા ટેરિફ નાંખવાના ટ્રમ્પના અધિકાર, રદ થયેલા ટેરિફની સ્થિતિ, આયાતકારોને ટેરિફના રિફન્ડ જેવા અનેક સવાલોના જવાબ વણઉકલ્યા

- ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફથી ચીન સહિત એશિયા-પ્રશાંત ક્ષેત્રના દેશોને વધારે લાભ થશે : મૂડીઝ

વોશિંગ્ટન : અમેરિકન સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવીને તેમની સત્તાઓ પર લગામ નાંખી હતી અને ઠરાવ્યું હતું કે, પ્રમુખ પોતાની મરજી મુજબ નવા ટેરિફ નાંખી શકે નહીં. જોકે, સુપ્રીમના આ ચુકાદા બાદ ટ્રમ્પની વેપાર નીતિ અંગેની અનિશ્ચિતતામાં વધારો થઈ ગયો છે. સુપ્રીમના ચુકાદાએ અનેક સવાલ ઊભા કર્યા છે, જેના જવાબ મળી રહ્યા નથી. બીજીબાજુ અમેરિકન બજારમાં ભારતીય નિકાસ પર ૨૪ ફેબુ્રઆરીને મંગળવારથી ૧૫૦ દિવસ માટે ૧૦ ટકા ગ્લોબલ ટેરિફ લાગુ થઈ ગયો છે, પરંતુ ટ્રમ્પે આ ટેરિફને પાછળથી વધારીને ૧૫ ટકા કર્યો હતો, જેના  અમલ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. 

અમેરિકન સુપ્રીમ કોર્ટે પ્રમુખ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના આદેશને ગેરકાયદે ઠેરવીને ટેરિફ નાંખવાના અધિકાર અંગે પ્રમુખની સત્તાઓ નિશ્ચિત કરી દીધી છે. જોકે, સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાએ ટ્રમ્પની વેપાર નીતિની અનિશ્ચિતતામાં વધારો કર્યો છે અને દરેક વ્યક્તિ માટે તેને વધુ જટીલ બનાવી દીધી છે.

અમેરિકન નિષ્ણાતોએ જણાવ્યું કે, ટ્રમ્પના ટેરિફ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પ ટેરિફ નાંખવા અન્ય કાયદાઓનો કેવી રીતે ઉપયોગ કરશે અને તે પ્રયત્નો કાયદાકીય પડકારોનો સામનો કરી શકશે કે કેમ? ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિ સ્વીકારવા અન્ય દેશો તૈયાર થયા છે ત્યારે હવે રદ થઈ ગયેલા ટેરિફના નિર્ણયનો અર્થ શું છે? શું આયાતકારોને ગયા વર્ષે ચૂકવાયેલા ટેરિફનું રીફન્ડ મળશે ? આવા અનેક સવાલોના જવાબ હજુ સુધી મળી શક્યા નથી.

આટલું ઓછું હોય તેમ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કર્યા પછી તુરંત ટ્રમ્પે ૧૦ ટકા ટેરિફ નાંખ્યા, જેને વધારીને ૧૫ ટકા કરી દીધા છે. ત્યારે તેમના આ નિર્ણયનો શું અર્થ થાય તેનો જવાબ પણ શોધવાનો બાકી છે. વધુમાં ટ્રમ્પે અન્ય દેશોને ધમકી આપી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો લાભ લેવાનો પ્રયત્ન કરનારા દેશો પર અન્ય કાયદાઓ મારફત તે વધુ ભારે ટેરિફ નાંખશે. ટ્રમ્પ આ ટેરિફ કેવી રીતે નાંખશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે નીચા ટેરિફથી અર્થતંત્રને આંશિક ફાયદો થશે તેમ મનાતું હતું, પરંતુ ટેરિફના મોરચે હાલ પ્રવર્તતી અનિશ્ચિતતાની નકારાત્મક્તાના કારણે જે લાભ મળવાનો હતો તેનો હવે કોઈ અર્થ સરતો નથી.  દરમિયાન સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પે અન્ય કલમ ૧૨૨ હેઠળ નાંખેલા ૧૦ ટકા ટેરિફનો મંગળવારથી અમલ શરૂ થઈ ગયો છે. આ અંગેના એક્ઝિક્યુટિવ કાયદા પર ટ્રમ્પે હસ્તાક્ષર કરી દીધા હતા. જોકે, આ ગ્લોબલ ટેરિફને ટ્રમ્પે બીજા દિવસે વધારીને ૧૫ ટકા કર્યા હતા, જેના અમલ અંગે હજુ અનિશ્ચિતતા જોવા મળી રહી છે, કારણ કે ટ્રમ્પની આ જાહેરાત અંગે હજુ સુધી કોઈ ઔપચારિક આદેશ જાહેર કરાયો નથી. ટ્રમ્પના આ નવા ટેરિફ હેઠળ અમેરિકામાં નિકાસ થતા ભારતીય સામાનો પર ૧૦ ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે.સુપ્રીમના ચુકાદા પછી ટ્રમ્પની ટેરિફ નીતિના સંદર્ભમાં હાલ અનેક અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાનું ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું. મૂડીઝે કહ્યું કે, અમેરિકાએ ભારત અને ઈન્ડોનેશિયા સાથે વેપાર કરાર કર્યા પછી હવે તેમના પર કેટલો ટેરિફ લાગુ થશે તે અંગે હજુ અસમંજસની સ્થિતિ છે.

 વધુમાં ટ્રમ્પના સૂચિત એકસમાન ૧૫ ટકા ટેરિફથી એશિયા-પ્રશાંત ક્ષેત્રના અનેક અર્થતંત્રોને રાહત મળવાની શક્યતા છે. આ દેશો પર અગાઉથી વધુ ટેરિફ લાગુ હતા, જેમાં ચીન સહિત અનેક દેશોનો સમાવેશ થાય છે. જોકે, ટ્રમ્પના સૂચિત ૧૫ ટકા ટેરિફથી ભારત કરતાં ચીનને વધુ લાભ થવાની શક્યતા છે.