World

ટ્રમ્પની ટેરિફ નીતિથી અમેરિકનો જ આકરી મોંઘવારીના ચક્કરમાં ફસાયા

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિઓ હવે તેમને જ ભારે પડી રહી છે. વોશિંગ્ટનમાં મોંઘવારી, મોંઘા ઋણ અને બજારમાં સુસ્તીનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકન બજારનું દેવું GDPના 120% થી વધુ થયું છે. રોજ સવારે અમેરિકન ઉદ્યોગો અને ગ્રાહકો ટ્રમ્પ કોના પર ટેરિફ નાખશે તેની ચિંતામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની ટેરિફ નીતિથી અમેરિકનો જ આકરી મોંઘવારીના ચક્કરમાં ફસાયા
  • બીજા દેશોને દબાવવા નીકળેલા ટ્રમ્પ પોતે જ સાણસામાં
  • ''આજે ટ્રમ્પ કોના પર કેટલો ટેરિફ નાખશે'' : અમેરિકન ઉદ્યોગો અને ગ્રાહકોની રોજ સવાર પડે ત્યારે એક જ ચિંતા !
  • અમેરિકન બજારનું દેવું વધીને જીડીપીના ૧૨૦ ટકાથી વધુ થઈ ગયું છે

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ટેરિફનો દાવ ઊંધો પડયો છે. આક્રમક નાણાકીય નીતિના જોરે બીજા દેશોને દબાવવા નીકળેલા ટ્રમ્પ તેના કારણે ઘરઆંગણે જ ફસાયા છે. તેમની આ નીતિઓના કારણે ટ્રમ્પે હવે ઘરઆંગણે જ ભારે મોંઘવારી, મોંઘા ઋણ અને બજારમાં સુસ્તીનો સામનો કરવાનો આવ્યો છે. અમેરિકન બજારને તેમણે ઠપ કરી દીધો છે. બેરોજગારીના આંકડા દિનપ્રતિદિન વધતા જાય છે.
અમેરિકાનું અર્થતંત્ર આજે બધી બાજુથી મંદીમાં સપડાઈ ગયું છે. અમેરિકન અર્થતંત્રએ ચાર-ચાર મોરચે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાએ વિશ્વને બચાવવાના નામે યુરોપ, ભારત અને ચીન પર ભારે ટેરિફ નાખ્યા. અમેરિકાનું ધ્યેય બીજા દેશોને આર્થિક ફટકો મારવાનું હતું, પરંતુ હવે તેનો સીધો બોજ અમેરિકન કંપનીઓ અને તેના ગ્રાહકો પર આવી રહ્યો છે. અમેરિકન કંપનીઓ પાસે જમા સ્ટોક ખતમ થવાની સાથે જ તેણે હવે ટેરિફના લીધે મોંઘી આયાત કરવી પડી રહી છે. તેના કારણે અમેરિકામાં મોંઘવારી ફરીથી બેકાબૂ થઈ રહી છે.
અમેરિકાનો રિટેલ ફુગાવો હાલમાં ૩.૪ ટકાની આસપાસ છે. યુએસ ફેડ રિઝર્વનું લક્ષ્ય ૨.૦ છે. આ સંદર્ભમાં જોઈએ તો મોંઘવારીનો દર બે ટકાથી ઘણો વધારે છે. મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૯૬ ડોલરને સ્પર્શી ગયો છે. વાસ્તવમાં અમેરિકન લશ્કરે ઇરાનેના લારક દ્વીપ પર કરેલા હુમલાના જવાબમાં ઇરાને અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કરતાં તણાવ ખાસ્સો વધી ગયો છે. અમેરિકા ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ઉત્પાદક કેસ હોવા છતાં સ્થાનિક માંગ અને ઉર્જા પરિવહનમાં વૃદ્ધિના લીધે ખર્ચવૃદ્ધિને રોકી શકતો નથી. તેના લીધે આખી સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે.
ક્રૂડ ઓઇલમાં તેજી રહેવાના કારણે મોંઘવારીનો દર લાંબા સમય સુધી ઊંચો રહેવાની ચિંતાએ બજારને હચમચાવી નાખ્યું છે. દસ વર્ષના અમેરિકન બોન્ડની ઊપજ વધીને ૪.૮૦ ટકાને સ્પર્શી ચૂકી છે અને તે પાંચ ટકાને સ્પર્શી જાય તેમ મનાય છે. બીજી બાજુએ ૩૦ વર્ષના બોન્ડની ઊપજ ૫.૨૫ ટકાના ઉપર પહોંચી ગઈ છે. તેનું કારણ એ છે કે અમેરિકન બજારનું દેવું વધીને જીડીપીના ૧૨૦ ટકાથી વધુ થઈ ગયું છે. ઊંચી બોન્ડ ઊપજનો સીધો અર્થ એવો થાય કે અમેરિકન સરકારે જૂના ઋણ પર ભારે વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. તેના કારણે તેની બજેટ ખાધ સતત વધી રહી છે.ટ્રમ્પે કેનેડા જેવા ગાઢ સહયોગી દેશ પર પણ ટેરિફ નાખતા અમેરિકન ઉદ્યોગોની સ્થિતિ કફોડી થઈ છે. હવે તો રોજ સવાર પડેને અમેરિકન ઉદ્યોગો અને ગ્રાહકો એક જ વિચાર કરે છે ટ્રમ્પ ક્યાં અને કોના પર ટેરિફ નાખવાના છે
આ સમયે ફેડ રિઝર્વના ચેરમેન કેવિન વાર્શે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો મોંઘવારી બે ટકાની અંદર નહીં આવે તો યુએસ ફેડ રિઝર્વએ આકરા પગલાં લેવા પડશે. આમ થોડા મહિના પહેલાં જ્યાં વ્યાજદર ઘટાડવાની વાત ચાલતી હતી હવે ત્યાં હવે સ્થિતિ બિલકુલ વિપરીત છે. વ્યાજદર વૃદ્ધિની સંભાવના વધી ગઈ છે. વ્યાજદર ઊંચી રહેતા હોમ લોન, કાર લોન અને કોર્પોરેટ ઋણ અત્યંત મોંઘા થવા લાગ્યા છે. અમેરિકન ગ્રાહક તેમા પીસાઈ રહ્યો છે.
અમેરિકાએ ભારત જેવા ઉભરતા અર્થતંત્રો પર પ્રતિબંધોથી દબાણ સર્જયુ તો ભારત, ચીન, રશિયા અને તેના સંગઠન બ્રિક્સે પારસ્પરિક ચલણો એટલે કે રુપિયા, યુઆન, દિરહામમાં કારોબાર કરવાની પ્રક્રિયા વધુ તેજ કરી. તેથી વિશ્વમાં અમેરિકન ડોલર પરની નિર્ભરતા ઘટતા તે વધુ નબળો પડી રહ્યો છે. આમ ડીડોલરાઇઝેશનને વેગ મળ્યો છે. આમ અમેરિકાએ ટેરિફની વોલ જે બીજા અર્થતંત્રો માટે રચી હતી તે હવે તેના અમેરિકન ગ્રાહકો પર જ પડી રહી છે.