Get The App

એક્ઝિટ પ્લાન વગર જ ટ્રમ્પ યુદ્ધમાં કૂદી પડ્યાં? ઘણી વાર વ્યૂહનીતિ બદલાતા ઊઠ્યાં સવાલ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
એક્ઝિટ પ્લાન વગર જ ટ્રમ્પ યુદ્ધમાં કૂદી પડ્યાં? ઘણી વાર વ્યૂહનીતિ બદલાતા ઊઠ્યાં સવાલ 1 - image

America-Iran War: ઈરાન સામે જંગ છેડતી વખતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આશા હતી કે, આ સંઘર્ષ ટૂંકા ગાળામાં જ પૂરો થઈ જશે. જોકે, સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે. હોર્મુઝની ખાડી બંધ હોવાને કારણે વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે. ખુદ અમેરિકામાં પણ પેટ્રોલના ભાવ વધતા સામાન્ય જનતા પર બોજ વધ્યો છે. આગામી વર્ષે યોજાનારી મિડટર્મ ચૂંટણીમાં હવે મોંઘવારી ટ્રમ્પ સરકાર માટે સૌથી મોટો પડકાર અને મુખ્ય રાજકીય મુદ્દો બની શકે છે.

એક અઠવાડિયામાં ટ્રમ્પે શું-શું કર્યું?

પ્રમુખ ટ્રમ્પ હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ વિવાદને ઉકેલવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. એક બાદ એક તમામ દાવ નિષ્ફળ ગયા બાદ હવે તેમણે આક્રમક વલણ અપનાવ્યું. શરૂઆતમાં તેમણે અન્ય દેશોને સાથે મળીને યુદ્ધ જહાજો મોકલવા વિનંતી કરી હતી, જેનો તમામ દેશોએ ઈનકાર કરી દીધો. ત્યારબાદ તેમણે અમેરિકા એકલું લડશે તેવી વાત કરી અને પછી થોડા જ કલાકોમાં પલટવાર કરતા કહ્યું કે, 'હોર્મુઝ આપ મેળે જ ખુલી જશે.'

શુક્રવારે ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવ્યા જેથી બજારમાં તેલના ભાવમાં ઘટાડો નોંધાયો. હવે શનિવારે ટ્રમ્પે સીધી અને મોટી ધમકી આપી દીધી છે.

શું છે ટ્રમ્પની તાજી ધમકી?

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કેપિટલ લેટર્સમાં (Capital Letters) 51 શબ્દોની એક પોસ્ટ શેર લખી, જેનો સ્પષ્ટ અર્થ હતો કે, '48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ખોલ, નહીંતર ઈરાનના પાવર પ્લાન્ટ્સ (વીજળી મથકો)ને તબાહ કરી દઈશું, જેની શરૂઆત સૌથી મોટા વીજ મથકથી થશે.' આનો અર્થ એ કે, હવે સૈન્ય ઠેકાણા નહીં પરંતુ એ વીજળી મથકોન ટાર્ગેટ કરવામાં આવશે, જેનાથી ઈરાનના ઘર, હોસ્પિટલ અને કારખાના ચાલે છે.

આ ધમકી આટલી ખતરનાક કેમ છે?

વીજળી મથકો પર હુમલો કરવો એટલે સામાન્ય નાગરિકોના જીવન પર હુમલો કરવો. હોસ્પિટલ બંધ થઈ જશે. પાણીની સપ્લાય અટકી જશે. ઘરોમાં અંધારપટ છવાઈ જશે. 

ટેક્સાસ ટેક યુનિવર્સિટીના કાયદાના પ્રોફેસર અને પૂર્વ લશ્કરી વકીલ જેફરી કોર્ને કહ્યું કે, 'આ યુદ્ધ ગુનો હશે. ટ્રમ્પની વ્યૂહરચના 'પહેલા ગોળીબાર કરો, પછી વિચારો' જેવી લાગી રહી છે. તેમણે હિંસાનું તોફાન તો ઉઠાવ્યું, પરંતુ તેને નિયંત્રિત કરવાનો કોઈ રસ્તો નહોતો.'

ટ્રમ્પ હવે ગભરાઈ રહ્યા

યુએસ સેનેટર એડ માર્કીએ પણ કહ્યું કે, 'આ યુદ્ધ ગુનો હશે. ટ્રમ્પે યુદ્ધ પરનો કાબૂ ગુમાવી દીધો છે અને હવે તેઓ ગભરાઈ રહ્યા છે.'

UNમાં યુએસ એમ્બેસેડર માઈક વોલ્ટ્ઝે સ્પષ્ટતા કરી છે કે, 'ઈરાનની IRGC દેશના મોટાભાગના માળખાગત સુવિધાઓને નિયંત્રિત કરે છે અને તેનો ઉપયોગ યુદ્ધ માટે કરી રહી છે. તેથી, તે એક કાયદેસર લક્ષ્ય છે. પ્રમુખ મજાક નથી કરી રહ્યા.'

ઈઝરાયલે પણ રોક્યા

રસપ્રદ વાત એ છે કે, અમેરિકાના સૌથી નજીકના મિત્ર ઈઝરાયલના રાજદૂતે પણ આ ધમકી પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, 'અમે નથી ઈચ્છતા કે ઇરાન સંપૂર્ણપણે તબાહ થઈ જાય. આ સરકાર પછી જે લોકો સત્તામાં આવશે તેમને દેશને ફરીથી બનાવવા માટે કંઈક તો જોઈશે ને.'

ઈરાને શું કહ્યું?

ઈરાને પલટવાર કરતા કહ્યું કે, 'જો પાવર પ્લાન્ટ પર હુમલો થશે તો અમે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દઈશું અને યુએસ-ઈઝરાયલી માળખા પર હુમલો કરીશું.' એટલે કે આ ધમકીથી હોર્મુઝ વધુ બંધ થઈ શકે છે.

આ પણ વાંચો: સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ

NATOએ શું કહ્યું?

NATO પ્રમુખ માર્ક રુટે પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, 20થી વધુ દેશો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

અસલી વાત શું છે?

એક સેનેટરે ખૂબ જ યોગ્ય કહ્યું છે કે, જ્યારે તમે પોતે આ સંઘર્ષ શરૂ કર્યો છે તો તમે અચાનક તમારા હાથ પાછા ન ખેંચી શકો અને એવી આશા પણ ન કરી શકો કે, આ પરિસ્થિતિને બીજા લોકો સંભાળી લેશે. ટ્રમ્પે યુદ્ધ તો શરૂ કરી દીધું પરંતુ એ નહીં વિચાર્યું કે, તેનો અંત કેવી રીતે થશે. હવે તેઓ દર અઠવાડિયે નવી-નવી વ્યૂહરચના અજમાવી રહ્યા છે. ક્યારેક રાજદ્વારી, ક્યારેક પ્રતિબંધ હટાવવો તો ક્યારેક ધમકી આપવી. અને દરેક વખતે લાગે છે કે તેમની પાસે કોઈ ઠોસ યોજના નથી.