ટ્રમ્પની હમાસને આખરી ચેતવણી : 'જો હુમલા ચાલુ રહેશે તો, તમને ખતમ કરી નાખીશું'

- 'મૃતદેહોને પાછા લાવવાનું કામ ઘણું ગંભીર અને શોકપ્રદ છે. ઓળખવામાં પણ મુશ્કેલી પડે છે : હજી ઘણા ખંડેરો નીચે દટાયેલા છે'
વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે હમાસને આખરી ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો હુમલા ચાલુ રહેશે તો અમે તમને ખતમ કરી નાખીશું. અમેરિકાને લશ્કરી પગલા લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહીં રહે.
ટ્રુથ શોશ્યલ ઉપર તેમણે કરેલા પોસ્ટમાં લખ્યું હતું કે, 'સમજૂતીમાં સ્પષ્ટ છે કે, હવે કોઇને મારવા નહીં છતાં પણ જો તમે લોકોની હત્યા કરતા જ રહેશો તો અમારી પાસે તમોને ખતમ કરવા સિવાય અન્ય વિકલ્પ નહીં રહે.'
ગાઝામાં પરિસ્થિતિ વિષે માહિતી મળ્યાના બીજા દિવસે, તેઓએ જણાવ્યું કે, અપહ્યતોના મૃતદેહોને બહાર કાઢવાનું કાર્ય ઘણું ગંભીર અને શોકપ્રદ છે. મૃતદેહો ઓળખવામાં પણ મુશ્કેલી છે. હજી ઘણા ખંડેરોની નીચે દબાયેલા છે.
તેઓએ આગળ લખ્યું હતું કે, મૃતદેહો કાઢવાની કાર્યવાહી ઘણી કલુષિત છે. ઘણા મૃતદેહો તો ત્યાં લાંબા સમયથી પડી રહ્યા છે. કેટલાક મલબા નીચે દટાયેલા છે. પહેલા તે મલબા દૂર કરવા પડે છે. કેટલાક મૃતદેહો ટનલમાં પડયા છે. જમીનની અંદર પણ રહેલા છે.
શસ્ત્રો અંગે તેમણે કહ્યું, જો હમાસ ખરેખર શાંતિ ઇચ્છતા જ હોય તો તેમણે સૌથી પહેલા તેમના શસ્ત્રો સોંપી દેવા જોઈએ. જો તેઓ શસ્ત્રો નહીં છોડે તો અમે છોડાવીશું.
તેઓ જાણે જ છે કે, હું કંઈ રમત રમી રહ્યો નથી. હું ઘણી ગંભીરતાથી કહી રહ્યો છું.
આર્જેન્ટીનાના પ્રમુખ જેશીયર મીલીની ઉપસ્થિતિમાં પ્રમુખ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને પણ આ પ્રમાણે કહ્યું હતું.
અમેરિકા આર્જેન્ટિનાને તેનું અર્થતંત્ર સ્થિર કરવા ૨૦ બિલિયન ડોલર્સ આપવાનું છે.








