ટ્રમ્પનો યુ-ટર્ન, હોર્મુઝમાં જહાજો પાસેથી 20% ટેરિફ વસૂલવાનો પ્લાન કેન્સલ, કરી નવી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump On Strait Of Hormuz Tariff : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા માલવાહક જહાજો પર 20% સુરક્ષા શુલ્ક લગાવવાના પોતાના વિવાદાસ્પદ પ્રસ્તાવ પર મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે આ વસૂલાતનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ‘હવે આ ફી વસૂલવાને બદલે ખાડી દેશો સાથે વ્યાપાર અને રોકાણના મોટા કરારોને પ્રાથમિકતા આપવામાં આવશે. પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે થયેલી સકારાત્મક અને ઉપયોગી વાતચીત બાદ આ પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો છે.’
ટ્રમ્પના અગાઉના કડક વલણથી મચી હતી સનસનાટી
આ અગાઉ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમેરિકા હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા કરી રહ્યું હોવાથી અન્ય સમૃદ્ધ દેશોએ તેનો બોજો ઉઠાવવો પડશે. તેમણે અમેરિકાને 'ગાર્ડિયન ઓફ ધ સ્ટ્રેઈટ' ગણાવીને દરેક કાર્ગો શિપ પર 20% ટોલ ટેક્સ લેવાનું એલાન કર્યું હતું, જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવવાનો ખતરો ઊભો થયો હતો. ઈરાને અમેરિકાના આ દાવાને ફગાવીને હોર્મુઝ પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનું કહી આ જળમાર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ ભીષણ બન્યું હતું. અમેરિકાએ ઈરાન પર 140થી વધુ સ્થળોએ એરસ્ટ્રાઈક કરી હતી, તો ઈરાને भी મધ્ય-પૂર્વમાં અમેરિકી લશ્કરી થાણાને નિશાન બનાવ્યા હતા.

ટ્રમ્પનું સત્તાવાર ટ્વિટ, સેનાના વખાણ કર્યા
આ સમગ્ર વિવાદ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા લખ્યું કે, ‘અમેરિકી સૈન્યની અદભુત તાકાતના કારણે આજે ક્રૂડ ઓઈલનો પ્રવાહ પહેલા ક્યારેય નહોતો તેવો વહી રહ્યો છે. વિશ્વની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી સેનાના કારણે હોર્મુઝ જળમાર્ગ ઈરાન સિવાયના તમામ જહાજોની અવરજવર માટે ખુલ્લો છે. ઈરાનનું હિંસક અને દૂષિત નેતૃત્વ તેમને સંપૂર્ણ વિનાશના માર્ગે લઈ જઈ રહ્યું હોવાથી અમે ઈરાનના બંદરો પર આવતા-જતા અથવા ઈરાની કાર્ગો સાથે સંકળાયેલા જહાજો પર સંપૂર્ણ નાકેબંધી (FULL Blockade) લગાવીશું.’
20% ટેક્સ પ્રસ્તાવ કેન્સલ, ટ્રમ્પે નવો નિર્ણય લીધો
ટ્રમ્પે રોકાણ અંગે વધુમાં જણાવ્યું કે, ‘પશ્ચિમ એશિયાના નેતૃત્વ સાથે થયેલી અત્યંત સકારાત્મક વાતચીતના આધારે, મેં 20% યુનાઈટેડ સ્ટેટ્સ રિઇમ્બર્સમેન્ટ ફીના પ્રસ્તાવને બદલે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ ડીલ લાવવાનો નિર્ણય કર્યો છે, જે વિવિધ ખાડી દેશો અમેરિકામાં કરશે. આ રોકાણ ખૂબ મોટું હશે અને તેનાથી અમેરિકામાં ઐતિહાસિક સ્તરે ફેક્ટરીઓ અને પ્લાન્ટ્સ આવશે, જે લાખો નવી અને વધુ પગારવાળી અમેરિકન નોકરીઓ ઊભી કરશે.’
ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી
ઈરાનને કડક ચેતવણી આપતા ટ્રમ્પે અંતમાં ઉમેર્યું કે, ‘અમેરિકા ફરીથી જીતી રહ્યું છે, પહેલા ક્યારેય ન જીત્યું હોય તેમ જીતી રહ્યું છે. ઈરાન દ્વારા 52,000 પ્રદર્શનકારીઓ સહિત લાખો લોકોની હત્યા કરવાના દિવસો હવે પૂરા થઈ ગયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે, ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય!’
ઈરાન-અમેરિકા જંગમાં રશિયાની એન્ટ્રી
દરમિયાન, આ યુદ્ધમાં રશિયાની એન્ટ્રી થતાં વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આદેશથી રશિયાએ તેનું અત્યાધુનિક અને પ્રલયકારી કમાન્ડ એરક્રાફ્ટ 'ટીયુ-214 પીયુ' (Tu-214PU) તહેરાન મોકલી દીધું છે. આ વિમાન પરમાણુ યુદ્ધ દરમિયાન પણ સુરક્ષિત સંચાર પ્રણાલી જાળવી રાખવા માટે સક્ષમ છે અને તેને રશિયા માટે ઉડતી કમાન્ડ પોસ્ટ માનવામાં આવે છે. આ પગલા દ્વારા મોસ્કોએ વોશિંગ્ટનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે આ જંગમાં તહેરાનને એકલું નહીં છોડે. રશિયા અને ઈરાન વચ્ચે રિયલ-ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ અને સંયુક્ત ઈમર્જન્સી પ્લાનિંગ પણ શરૂ થઈ ગયું છે.









