ટ્રમ્પની 'બર્થ ડે બોય' મોદીને 100 ટકા ટેરિફની ગિફ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારત વિરોધી બિલને અમેરિકન સંસદની મંજૂરી : હવે માત્ર ટ્રમ્પની સહી જ બાકી!
- રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રખાશે, અમેરિકાને ટેરિફથી દ્વિપક્ષીય સંબંધો પર અસર થવાની ભારતની ચેતવણી
- ત્રીજા દેશ સાથે વ્યાપાર બદલ ટેરિફ કે પ્રતિબંધો નાંખવાની અમેરિકાને કોઈ સત્તા નથી : ચીન
વોશિંગ્ટન : યુક્રેન સામે યુદ્ધે ચઢેલા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા ભારત, ચીન સહિતના દેશોની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકન સંસદમાં રશિયા પર સેકન્ડરી પ્રતિબંધો લગાવતું બિલ પસાર થઈ ગયું છે. આ બિલ અમેરિકન પ્રમુખને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા ટોચના પાંચ દેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લગાવવાની સત્તા આપે છે. જોકે, અમેરિકાએ હજુ સુધી ભારત, ચીન સહિતના દેશો પર ટેરિફ નાંખ્યો નથી. તેનો નિર્ણય પ્રમુખ ટ્રમ્પ પર રહેશે. જોકે, અમેરિકાના આ બિલનો ભારત અને ચીને પૂરજોરથી વિરોધ કર્યો છે. ભારતે ચેતવણી આપી છે કે અમેરિકાના આ પગલાંની બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી શકે છે. ચીને પણ રશિયા પાસેથી ખરીદી બદલ દુનિયાના બીજા છેડાના દેશ પર ટેરિફ લાદવાના અમેરિકાના અધિકાર ક્ષેત્રના દાવા સામે સવાલ ઉઠાવ્યો છે.
રશિયા અને ઈરાન પર આર્થિક દબાણ વધારવા માટે અમેરિકાએ રશિયા પર સેકન્ડરી પ્રતિબંધો નાંખવાની તૈયારી કરી છે, જેના ભાગરૂપે અમેરિકન સંસદમાં લિન્ડસે ગ્રાહન સેકન્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ નામનું બિલ ૨૬૨ વિરુદ્ધ ૧૫૯ મતોથી પસાર કરાયું છે. આ પહેલાં આ બિલ અમેરિકન સેનેટમાં ૮૬-૧૧ના મતોથી પસાર થઈ ગયું છે. હવે આ બિલ પ્રમુખ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે જશે.
આ બિલ હેઠળ અમેરિકન સંસદે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા ટોચના પાંચ દેશો પર અમેરિકામાં સામાન વેચવા પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની સત્તા આપી છે. આ બિલમાં રશિયાના નેતાઓ, એનર્જી સેક્ટર, બેન્કો અને પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોથી બચવામાં રશિયાને મદદ કરનારા જહાજો પર પ્રતિબંધો નાંખવાની પણ જોગવાઈ છે.
આ બિલ હેઠળ હવે માત્ર રશિયા જ નહીં તેની પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા ભારત, ચીન સહિતના દેશો પર પણ અમેરિકાના ટેરિફના દાયરામાં આવી શકે છે. રશિયાને ક્રૂડ ઓઈલ અને ગેસના વેચાણથી થતી કમાણી પર આર્થિક પ્રહાર કરવાનો અમેરિકાનો પ્રયાસ છે. અમેરિકન સંસદમાં આ બિલ પસાર થયા પછી હવે ટ્રમ્પ તેના પર હસ્તાક્ષર કરશે તો તેને કાયદાનું રૂપ મળી જશે. ત્યાર પછી ટ્રમ્પ સરકાર કયા દેશો પર ટેરિફ નાંખવામાં આવે અને તેનો દર કેટલો રહેશે તે નક્કી કરશે.
અમેરિકન સંસદમાં આ બિલના પસાર થયા પછી ભારતે આ મુદ્દે ઉગ્ર પ્રતિસાદ આપ્યો છે. ભારતે ચેતવણી આપી છે કે ભારત પર ૧૦૦ ટકા ટેરિફની બંને દેશના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી શકે છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, ભારત પોતાની ૧૪૦ કરોડની વસતીની ઊર્જા સુરક્ષાને સૌથી ઉપર રાખશે અને ટેરિફની ધમકી સામે ઝુકશે નહીં. તે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે. અમેરિકા પહેલાથી જ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખી ચૂક્યું છે. ભારતે અમેરિકન અધિકારીઓને સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના વ્યાપારિક અને આર્થિક હિતોને બચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ચીને પણ આ બિલનો વિરોધ કરતાં દુનિયાના બીજા છેડાના દેશ પર ત્રીજા દેશ સાથે વ્યાપાર બદલ ટેરિફ નાંખવાની અમેરિકાની સત્તાને નકારી કાઢી છે. ચીને કહ્યું કે અમેરિકાના દબાણ છતાં અન્ય દેશો સાથે તેનો સામાન્ય વેપાર અને આર્થિક સહકાર અગાઉની જેમ જ ચાલુ રહેશે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલના ઓથોરાઈઝેશન વિનાના કોઈપણ પગલાંનો તે વિરોધ કરે છે. આંતરરાષ્ટ્રીય કાયદામાં એકપક્ષીય પ્રતિબંધોને કોઈ સ્થાન નથી.




