ઈઝરાયલને ટ્રમ્પનો સૌથી મોટો ઝટકો, 4 અબજ ડૉલરની વાર્ષિક મદદ બંધ કરવાનું એલાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel and USA News : અમેરિકામાં યોજાઈ રહેલી મધ્યાવધિ ચૂંટણીઓ (Midterm Elections) ના ઘમાસાણ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારી અને ઐતિહાસિક જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષ (2026) ના અંત પછી અમેરિકા દ્વારા ઈઝરાયલને દર વર્ષે આપવામાં આવતી 4 અબજ ડોલરની આર્થિક સહાય સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે આ વાર્ષિક ફંડિંગ અટકાવવા અંગે સહમતિ બની હોવાનો દાવો કરતા ટ્રમ્પે ઉમેર્યું હતું કે ઈઝરાયલને હવે આર્થિક મદદની કોઈ જરૂર નથી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા ઈઝરાયલને શસ્ત્રોનું વેચાણ ચાલુ રાખશે અને જો ભવિષ્યમાં કોઈ મોટી જરૂરિયાત ઊભી થશે તો અમેરિકા તેની પડખે ઊભું રહેશે.
મિડટર્મ ઈલેક્શન અને રાજકીય ગણિત
ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે દાયકાઓ જૂના સૈન્ય સંબંધોમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પના મતે આ નિર્ણયથી ઈઝરાયલને અપાતી અંધાધૂંધ મદદ મામલે રિપબ્લિકન પાર્ટી પર પ્રહારો કરતા વામપંથી ડેમોક્રેટ્સના તર્કો નબળા પડી જશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મિડટર્મ ચૂંટણીઓમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના હાથમાંથી 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' (પ્રતિનિધિ સભા) નું નિયંત્રણ છીનવાઈ જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
2028 સુધીનો કરાર છતાં વહેલી બ્રેક?
'ફોક્સ એન્ડ ફ્રેન્ડ્સ' શો માં વાતચીત દરમિયાન ટ્રમ્પે આ જાહેરાત કરી હતી, પરંતુ ડિસેમ્બર સુધીમાં આ ફંડિંગ કેવી રીતે રોકવામાં આવશે તેની કોઈ ટેકનિકલ વિગતો આપી નહોતી. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે હાલનો સૈન્ય કરાર સપ્ટેમ્બર 2028 સુધી અમલી છે, જેના અંતર્ગત અમેરિકા દર વર્ષે ઈઝરાયલને 3.8 અબજ ડોલરની સૈન્ય મદદ આપવા બંધાયેલું છે.
ગાઝા યુદ્ધ બાદ અમેરિકામાં વધી રહેલો વિરોધ
ગાઝામાં ઈઝરાયલના સૈન્ય અભિયાનો બાદ અમેરિકન નાગરિકો અને રાજકારણીઓમાં ઈઝરાયલ પ્રત્યેની સહાનુભૂતિ ઘટી છે. તાજેતરના ક્વાનિપિયાક યુનિવર્સિટીના એક સર્વે મુજબ 48% અમેરિકન મતદાતાઓ અને 66% ડેમોક્રેટ્સ માને છે કે અમેરિકા મધ્ય પૂર્વમાં ઈઝરાયલને જરૂર કરતાં વધુ સમર્થન આપી રહ્યું છે. આ બદલાતા જનમાનસને ધ્યાનમાં રાખીને જ ટ્રમ્પે ચૂંટણી ટાણે આ માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાનું માનવામાં આવે છે.




