World

ઈઝરાયલે અમેરિકાને ‘પૂછ્યા વિના’ ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો કરતાં ટ્રમ્પ નારાજ, નેતેન્યાહૂને આપી ચેતવણી

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
Trump Warns Netanyahu : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનના ગેસ ફિલ્ડ પર ઇઝરાયલે હુમલો કર્યા બાદ અમેરિકા-ઇઝરાયલ વચ્ચે સર્જાયેલો તણાવ ફરી એકવાર સપાટી પર આવી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ‘આ હુમલાની અમને અગાઉથી જાણ નહોતી.’ બીજી તરફ, ઇઝરાયલનો દાવો છે કે, ‘આ હુમલો કરવા માટે બંને દેશે વાતચીત કરી હતી.’ આ મુદ્દે બંને દેશના વડા વચ્ચે થયેલી શાબ્દિક ખેંચતાણ ચર્ચાને ચકડોળે ચઢી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલે અમેરિકાને ‘પૂછ્યા વિના’ ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો કરતાં ટ્રમ્પ નારાજ, નેતેન્યાહૂને આપી ચેતવણી

Trump Warns Netanyahu : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનના ગેસ ફિલ્ડ પર ઈઝરાયલે હુમલો કર્યા બાદ અમેરિકા-ઈઝરાયલ વચ્ચે સર્જાયેલો તણાવ ફરી એકવાર સપાટી પર આવી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ‘આ હુમલાની અમને અગાઉથી જાણ નહોતી.’ બીજી તરફ, ઈઝરાયલનો દાવો છે કે, ‘આ હુમલો કરવા માટે બંને દેશે વાતચીત કરી હતી.’ આ મુદ્દે બંને દેશના વડા વચ્ચે થયેલી શાબ્દિક ખેંચતાણ ચર્ચાને ચકડોળે ચઢી છે.

ગેસ ફિલ્ડ પર હુમલો થવા નહીં દઈએ: ટ્રમ્પ 

વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ એવા ઈરાનના દક્ષિણ પાર્સ પરના હુમલા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘અમેરિકા આ કાર્યવાહી વિશે ચોક્કસ કશું જાણતું ન હતું.’ ત્યાર પછી  તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સીધી ચેતવણી આપતા કહ્યું કે, ‘ઈરાનના ગેસ ફિલ્ડ પર વધુ હુમલા ના થવા જોઈએ. હું તમને આવું નહીં કરવાની સલાહ આપું છું. અને હવે આવું નહીં કરતા.’ 

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે ‘અમેરિકા અને ઈઝરાયલ સ્વતંત્ર છે, પરંતુ સારી રીતે હળીમળીને રહે છે.’

નેતેન્યાહૂએ ટ્રમ્પને શું જવાબ આપ્યો? 

ઈરાનના ગેસ ક્ષેત્ર પર ઈઝરાયલે એકલા હાથે હુમલો કર્યો હોવાથી એવી ચર્ચા શરૂ થઈ છે કે ઈઝરાયલે અમેરિકાને જણાવ્યા વિના આ પગલું ભરીને અમેરિકાને વધુ આકરા સંઘર્ષમાં ખેંચવાનો પ્રયાસ કર્યો છે. આ ચર્ચાના સંદર્ભમાં નેતન્યાહૂએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘અમેરિકાને ઈઝરાયલ દ્વારા યુદ્ધમાં ખેંચવાના આરોપો ખોટા છે, અમેરિકાએ શું કરવું જોઈએ તે તો કોઈ પણ કહી ન શકે.’ 

નેતન્યાહૂએ સ્વીકાર્યું હતું કે ‘ટ્રમ્પે ભવિષ્યમાં હુમલા ન કરવાનું કહ્યું છે અને અમે તેનું પાલન કરીશું.’

યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલના લક્ષ્યાંકો જુદા

યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડે જણાવ્યું છે કે ‘બંને દેશોના યુદ્ધ લક્ષ્યાંકો અલગ છે. ઈઝરાયલ ઈરાની નેતૃત્વને નિષ્ક્રિય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જ્યારે અમેરિકા ઈરાનની મિસાઇલ ક્ષમતા અને નૌકાદળનો નાશ કરવા માંગે છે.’ 

ઈઝરાયલ અમેરિકાનો ‘મિત્ર દેશ’નું રટણ 

ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાના મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે કડવાશ વધી હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે અમેરિકાના વૉર સેક્રેટરી પીટ હેગસેથે ઈઝરાયલને સૌથી નજીકનો અને ઉત્તમ મિત્ર દેશ ગણાવીને બંને દેશ વચ્ચે સર્જાયેલા મતભેદના દાવાને નકારવાનો પ્રયાસ કર્યો છે.