World

ચૂંટણી પહેલા ટ્રમ્પને ઝટકો, 36 વર્ષમાં પહેલીવાર કોઈ પ્રમુખનું એપ્રૂવલ રેટિંગ તળિયે

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચિંતાજનક અહેવાલ છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના સર્વે મુજબ, ટ્રમ્પની એપ્રૂવલ રેટિંગ ઘટીને 37% થઈ ગઈ છે, જે છેલ્લા 36 વર્ષમાં સૌથી ઓછી છે. મોંઘવારી, આર્થિક ચિંતા અને ઈરાન સાથેના તણાવને કારણે આ ઘટાડો થયો છે. ટ્રમ્પ હવે રિપબ્લિકન ગઢ ગણાતા રાજ્યોમાં આક્રમક પ્રચાર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પહેલા ટ્રમ્પને ઝટકો, 36 વર્ષમાં પહેલીવાર કોઈ પ્રમુખનું એપ્રૂવલ રેટિંગ તળિયે

Donald Trump aproval Rating : અમેરિકામાં યોજાનારી આગામી 'મિડટર્મ' (મધ્યસત્ર) ચૂંટણીઓ પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના તાજેતરના અહેવાલ અને પોલિંગ સર્વે મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પની પોપ્યુલરિટી એટલે કે એપ્રૂવલ રેટિંગ ઘટીને માંડ 37 ટકા પર આવી ગઈ છે.

સાલ 1990 પછી એટલે કે છેલ્લા 36 વર્ષમાં મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં કોઈપણ અમેરિકન પ્રમુખની આ સૌથી ઓછી રેટિંગ નોંધાઈ છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની જીતના દાવા કરી રહેલા ટ્રમ્પ માટે આ આંકડા મોટો આંચકો માનવામાં આવી રહ્યા છે.

રેટિંગમાં કડાકા પાછળના મુખ્ય કારણો

ટ્રમ્પ પ્રશાસન સામે હાલમાં અનેક આંતરિક અને આંતરરાષ્ટ્રીય પડકારો ઊભા થયા છે, જેના કારણે જનતામાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

મોંઘવારી અને આર્થિક ચિંતા: મોંઘવારીમાં સતત વધારો અને ઈંધણ/તેલની વધતી કિંમતોથી સામાન્ય અમેરિકનો પર આર્થિક બોજ વધ્યો છે.

મધ્ય પૂર્વમાં તણાવ: ઈરાન સાથે વધી રહેલા લશ્કરી તણાવ અને યુદ્ધની શક્યતાઓને કારણે નાગરિકોમાં અસુરક્ષાની ભાવના વધી છે.

ટ્રમ્પનો ઇરાન પર હુમલાનો ઈશારો અને UN માં ધમકી

હાલમાં જ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને પરમાણુ વાટાઘાટો પુનઃ શરૂ કરવા માટે 7 દિવસનો સીઝફાયર પ્રસ્તાવ આપ્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્રસ્તાવ ફગાવી દીધો છે.

અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે નવેમ્બરમાં મિડટર્મ ચૂંટણી પૂરી થતાં જ ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરવામાં આવી શકે છે. આ પહેલા 22 સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલી (UNGA) ને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે ખુલ્લેઆમ ઈરાનને તબાહ કરવાની ધમકી આપતાં કહ્યું હતું કે, "મારી પાસે બે વિકલ્પ છે જેમાં એક છે ઈરાન સાથે સમજૂતી કરવી અથવા તો ઈસ્લામિક રિપબ્લિકનો ઝડપથી સંપૂર્ણ સફાયો કરી દેવો. જોકે મને ખાતરી છે કે ચૂંટણી પછી તેઓ આપોઆપ સમજૂતી કરવા તૈયાર થઈ જશે."

ચૂંટણી જીતવા ટ્રમ્પનું પ્રચાર અભિયાન

એપ્રૂવલ રેટિંગમાં મોટો કડાકો બોલાયા બાદ, 'પોલિટિકો'ના અહેવાલ મુજબ ટ્રમ્પ હવે રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા રાજ્યોમાં આક્રમક પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પ ટૂંક સમયમાં જ આયોવા, ફ્લોરિડા, ટેક્સાસ, અલાસ્કા અને ઓક્લાહોમા જેવા રાજ્યોની મુલાકાત લઈને પોતાની પક્ષના ઉમેદવારો માટે સમર્થન માંગશે. અમેરિકામાં 3 નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પહેલાં ટ્રમ્પ પોતાની રેટિંગ સુધારી શકે છે કે કેમ.