Israel Lebanon Ceasefire: લેબનોનમાં યુદ્ધ વિરામના મુદ્દા પર અમેરિકા અને ઈઝરાયલ હવે સામ સામે આવી ગયા છે. ઈઝરાયલી PM નેતન્યાહૂ સમગ્ર મામલે ટ્રમ્પથી નારાજ દેખાઈ રહ્યા છે. કારણ કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોનમાં યુદ્ધ વિરામ અંગે શુક્રવારે નવી જાહેરાત કરતા પહેલા ઈઝરાયલને વિશ્વાસમાં લીધું ન હતું. જ્યારે ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પર લેબનોનમાં યુદ્ધવિરામ અંગેની જાહેરાત કરવામાં આવી ત્યારે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઈઝરાયલ સરકારે કથિત રીતે તેને અમેરિકન રાષ્ટ્રપતિનું 'સારું પગલું' માન્યું નથી. એટલું જ નહીં, ઈઝરાયલે આ અંગે અમેરિકા પાસે સ્પષ્ટતા માંગી છે. અમેરિકન ન્યૂઝ વેબસાઇટ એક્સિયોસે તેના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
હવે આ બધું ઘણું થઈ ગયું છે: ટ્રમ્પ
એક્સિયોસના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરીને બેન્જામિન નેતન્યાહૂને ચોંકાવી દીધા હતા કે અમેરિકાએ ઈઝરાયલને લેબનોનમાં હવાઈ હુમલા કરતા અટકાવ્યું છે. શુક્રવારે ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે ઈઝરાયલ હવે લેબનોન પર બોમ્બમારો નહીં કરે. અમેરિકાએ તેમને તેમ કરવાની ના પાડી દીધી છે કારણ કે હવે આ બધું ઘણું થઈ ગયું છે.
ઈઝરાયલ કેમ ખુશ નથી?
ટ્રમ્પની પોસ્ટથી નેતન્યાહૂ અને તેમના સલાહકારો હેરાન રહી ગયા હતા કારણ કે ગુરુવારે અમેરિકન વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યુદ્ધવિરામની શરતોમાં ઈઝરાયલના 'આત્મરક્ષાના અધિકાર'ને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પની ટિપ્પણીઓ પર સ્પષ્ટતા માટે ઈઝરાયલના અધિકારીઓએ વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે.
નિવેદનોમાં તફાવત
વોશિંગ્ટનમાં ઈઝરાયલના રાજદૂત યેચિએલ લેટર અને અન્ય અધિકારીઓએ વ્હાઇટ હાઉસનો સંપર્ક સાધીને જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું વોશિંગ્ટને લેબનોનના મુદ્દે પોતાનું વલણ બદલી નાખ્યું છે. ઈઝરાયલના અધિકારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે અમેરિકા તરફથી ગુરુવાર અને શુક્રવારના નિવેદનોમાં આટલો તફાવત કેમ છે.
ઈઝરાયલ પક્ષ નારાજ!
લેબનોન સાથે ગુરુવારે જાહેર કરવામાં આવેલા યુદ્ધવિરામ કરારમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલ પાસે આયોજિત અથવા હુમલાઓ સામે આત્મરક્ષાનો અધિકાર છે. બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું કે ઈઝરાયલને હુમલા ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં. આ જ બાબતથી ઈઝરાયલ પક્ષ નારાજ છે.
ટ્રમ્પના નિવેદનથી વધી હલચલ
એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'લેબનોનના યુદ્ધવિરામ કરારમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ઈઝરાયલનો આયોજિત, તોળાઈ રહેલા અથવા ચાલુ હુમલાઓ સામે આત્મરક્ષાનો અધિકાર સુરક્ષિત છે. તેના થોડા કલાકો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહી દીધું કે ઈઝરાયલે અટકવું પડશે. તેઓ લેબનોનમાં ઈમારતો ઉડાવવાનું ચાલુ રાખી શકતા નથી. હું તેની પરવાનગી નહીં આપું.'
અમેરિકાને અવગણીને ઈઝરાયલે હુમલા કર્યા?
લેબનોનમાં ઈઝરાયલ અને અમેરિકાના વલણમાં તાલમેલ દેખાતો નથી. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત છતાં ઈઝરાયલના હુમલા ચાલુ છે. લેબનોન સરકારી મીડિયાએ શનિવારે જણાવ્યું હતું કે ટ્રમ્પના નિવેદનના થોડા સમય બાદ દક્ષિણ શહેર કુનીનમાં ઈઝરાયલના ડ્રોન હુમલામાં એક મોટરસાઈકલ સવારનું મોત થયું હતું.
લેબનોનમાં સાત અઠવાડિયાથી ચાલી રહી છે લડાઈ
અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાનમાં હુમલા શરૂ કર્યા હતા. તેના થોડા દિવસો બાદ ઈઝરાયલે લેબનોનમાં બોમ્બમારો શરૂ કર્યો હતો. ઈરાનનો અમેરિકા અને ઈઝરાયલ સાથે 8 એપ્રિલે યુદ્ધ વિરામ થઈ ગયું હતું. ઈરાનનું કહેવું છે કે યુદ્ધ વિરામ કરાર માટે લેબનોનમાં હુમલા રોકવા જરૂરી છે. ઈરાને લેબનોનમાં ઈઝરાયલના હુમલા બંધ કરવા પર ભાર મૂક્યો છે. અમેરિકાએ શરૂઆતમાં તેનાથી અંતર જાળવ્યા બાદ હવે લેબનોનમાં યુદ્ધ વિરામની વાત કરી છે. બીજી તરફ, અમેરિકન દબાણ છતાં ઈઝરાયલ ઈચ્છે છે કે યુદ્ધ વિરામને ઈરાન સુધી મર્યાદિત રાખવામાં આવે અને તેને લેબનોનમાં હુમલા કરતા રોકવામાં ન આવે.


