World

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પની એક પોસ્ટે દુનિયાના ધબકારાં વધાર્યા, હવે ગ્રીનલેન્ડમાં કરશે તેલનો ખેલ!

By GS Team
23 May 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ જગાવી છે. ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાની એક અનોખી તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ગ્રીનલેન્ડને ઉપરથી જોતા નજરે પડે છે. આ ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, 'Hello, Greenland!'. આ ઉપરાંત, ટ્રમ્પના એક વિશેષ દૂતે ગ્રીનલેન્ડને ઈરાનના ઓઇલ સપ્લાયના વિકલ્પ તરીકે રજૂ કરતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પની એક પોસ્ટે દુનિયાના ધબકારાં વધાર્યા, હવે ગ્રીનલેન્ડમાં કરશે તેલનો ખેલ!

Donald Trump Greenland post: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ જગાવી છે. ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાની એક અનોખી તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ગ્રીનલેન્ડને ઉપરથી જોતા નજરે પડે છે. આ ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, 'Hello, Greenland!'. આ ઉપરાંત, ટ્રમ્પના એક વિશેષ દૂતે ગ્રીનલેન્ડને ઈરાનના ઓઇલ સપ્લાયના વિકલ્પ તરીકે રજૂ કરતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અમેરિકા અને ગ્રીનલેન્ડ વચ્ચે વધતી નિકટતા

ટ્રમ્પની આ સોશિયલ મીડિયા પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ગ્રીનલેન્ડમાં અમેરિકાની હાજરી વધારવાને લઈને વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં જ લુઇસિયાનાના એટર્ની જનરલ અને ગ્રીનલેન્ડ માટેના અમેરિકન વિશેષ દૂત જેફ લેનડરીએ ત્યાંની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રીનલેન્ડના રાજકીય નેતાઓ અને અગ્રણી વ્યાપારી પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. લેનડરીએ એક્સ પર જણાવ્યું કે તેમણે સુરક્ષા, આર્થિક વિકાસ અને આર્કટિક ક્ષેત્રમાં પરસ્પરના વ્યૂહાત્મક હિતો પર ચર્ચા કરી છે અને આગામી મહિનાઓમાં અમેરિકા ગ્રીનલેન્ડ સાથે સહયોગ વધુ મજબૂત કરશે.

ગ્રીનલેન્ડમાં અમેરિકાનો ભારે વિરોધ

બીજી તરફ, ગ્રીનલેન્ડમાં અમેરિકાની આ વધતી સક્રિયતાનો સ્થાનિક લોકો દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે ગ્રીનલેન્ડની રાજધાની નૂકમાં સેંકડો લોકોએ નવા અમેરિકન વાણિજ્ય દૂતાવાસ (કોન્સ્યુલેટ) ભવનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોના હાથમાં 'અમારે તમારા પૈસા નથી જોઈતા' અને 'ગ્રીનલેન્ડના લોકો MAGA ટ્રોઝન હોર્સને જોતા જ ઓળખી જાય છે' તેવા પોસ્ટરો હતા. લોકો રસ્તા પર 'Go away!'ના નારા લગાવી રહ્યા હતા. તેમનો આરોપ છે કે અમેરિકા આર્થિક મદદ અને સુરક્ષાના બહાને ગ્રીનલેન્ડ પર પોતાનો પ્રભાવ જમાવવા માંગે છે.

ગ્રીનલેન્ડ ખરીદવાનો ટ્રમ્પનો જૂનો પ્રસ્તાવ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું ગણાવતા આવ્યા છે. તેમણે પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ ગ્રીનલેન્ડને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો વિવાદ થયો હતો. આર્કટિક ક્ષેત્રમાં રશિયા, ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલી ખેંચતાણને કારણે ખનિજ સંસાધનો, ઓઇલનો ભંડાર અને દરિયાઈ માર્ગોની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ હવે ગ્લોબલ જિયોપોલિટિક્સનું મોટું કેન્દ્ર બની ગયું છે.

આ પણ વાંચો: ગ્રીન કાર્ડની રાહ જોતાં ભારતીયોનો મોટો ઝટકો, નિયમ બદલીને ટ્રમ્પ સરકારે કર્યો મોટો ખેલ

ઈરાન સંકટ વચ્ચે ઓઇલ સપ્લાયનો નવો વિકલ્પ

હાલમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ સંકટ વચ્ચે અમેરિકા ગ્રીનલેન્ડને ઉર્જા સપ્લાયના નવા કેન્દ્ર તરીકે જોઈ રહ્યું છે. વિશેષ દૂત જેફ લેનડરીએ દાવો કર્યો છે કે ગ્રીનલેન્ડ દૈનિક 20 લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન કરી શકે તેમ છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ પરનું વૈશ્વિક દબાણ ઘટી જશે. તેમણે ઉમેર્યું કે જો ઝડપથી કામ કરવામાં આવે તો આગામી 10 મહિનાની અંદર જ ગ્રીનલેન્ડમાં ઓઇલનું ઉત્પાદન શરૂ થઈ શકે છે. લેનડરીએ ટ્રમ્પના વખાણ કરતા કહ્યું કે છેલ્લા 30-40 વર્ષમાં તેઓ પહેલા એવા અમેરિકન પ્રમુખ છે જેમણે ગ્રીનલેન્ડને આટલી ગંભીરતાથી લીધું છે.