World

ટ્રમ્પે ઈરાન યુદ્ધ પાછળ 48.3 અબજ ડોલર ખર્ચ્યા : પેન્ટાગોનનો ઘટસ્ફોટ

By GS Team
21 Nov 20263 mins read
TukuTouch Logo
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ ૪-૫ સપ્તાહમાં પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ 9 મહિના પછી પણ યુદ્ધ ચાલુ છે. યુએસએ 48.3 અબજ ડોલર ખર્ચ્યા છે, જ્યારે ઇરાનના હુમલાથી થયેલા નુકસાનનો અંદાજ નથી. ટ્રમ્પે 1.5 લાખ કરોડ ડોલરના સંરક્ષણ બજેટની માંગ કરી છે. સાઉદી સમર્થિત યમન સેનાએ 715 હુમલામાં 144 હુથી બળવાખોરોને માર્યાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે ઈરાન યુદ્ધ પાછળ 48.3 અબજ ડોલર ખર્ચ્યા : પેન્ટાગોનનો ઘટસ્ફોટ
  • ટ્રમ્પની ૧.૫ લાખ કરોડ ડોલરનું સંરક્ષણ બજેટ પાસ કરવા માગ
  • ૭૧૫ હુમલા અને સૈન્ય ઓપરેશનમાં ૧૪૪ હુથી બળવાખોરોનો ખાત્મો બોલાવાયો : સાઉદી સમર્થિત યમન સેનાનો દાવો

વોશિંગ્ટન/દુબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ચારથી પાંચ સપ્તાહમાં તેને ખતમ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ આજે લગભગ નવ મહિના પૂરા થવા આવ્યા છતાં ઈરાન યુદ્ધ પૂરું થયું નથી અને આ યુદ્ધમાં ટ્રમ્પે પાણીની જેમ નાણાં વહાવ્યા છે. પેન્ટાગોને સેનેટની સશસ્ત્ર સેવા સમિતિ સમક્ષ કબૂલાત કરી છે કે ૧૩ નવેમ્બર સુધીમાં અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં અંદાજે ૪૮.૩ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. પરંતુ તેમાં પશ્ચિમ એશિયામાં ઈરાનના હુમલામાં અમેરિકન સૈન્ય સ્થળોને થયેલા નુકસાનના ખર્ચનો સમાવેશ નથી કરાયો. બીજીબાજુ હુથી બળવાખોરોએ સાઉદી અરબની રાજધાની રિયાધના સૌથી ઊંચા ટાવર પર મિસાઈલ હુમલો કરી ભારે નુકસાન પહોંચાડયું છે જ્યારે યમન આર્મીએ ૧૪૪ હુથીનો ખાત્મો બોલાવ્યાનો દાવો કર્યો હતો.
અમેરિકન સૈન્ય સ્થળો પર ઈરાનના હુમલાથી વિમાનોના હેંગર, રડાર સિસ્ટમ, સહિત સૈન્ય સુવિધાઓને થયેલા નુકસાનનો સમાવેશ નહીં
અમેરિકન સંસદમાં હવે ડેમોક્રેટ્સ બહુમતીમાં છે ત્યારે તેમણે ઈરાન સામેના યુદ્ધમાં ટ્રમ્પ સરકારના ખર્ચાઓની તપાસ શરૂ કરી છે. અમેરિકન સાંસદોએ સંરક્ષણ ંમત્રાલયના મુખ્યાલય પેન્ટાગોન પાસેથી ઈરાન યુદ્ધના વાસ્તવિક ખર્ચની વિગતો માગી હતી. બીજાબાજુ ટ્રમ્પ સરકારે સંસદ સમક્ષ ૧.૫ લાખ કરોડના સંરક્ષણ બેજટને મંજૂરી કરવાની માગણી કરી હતી, જેના પગલે ઈરાન સામેના યુદ્ધ ખર્ચ પર ચર્ચા વધુ તિવ્ર બની ગઈ છે.
પેન્ટાગોનના બજેટ અધિકારી આર્થર મિલરે સેનેટની સશસ્ત્ર સેવા સમિતિને જણાવ્યું કે, ૧૩ નવેમ્બર સુધીમાં ઈરાન સામેના યુદ્ધનો અંદાજિત ખર્ચ ૪૮.૩ અબજ ડોલર આંકવામાં આવ્યો છે, જેમાં સૈન્ય અભિયાનો પર થયેલા ખર્ચ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. જોકે, આ ખર્ચમાં પશ્ચિમ એશિયામાં અમેરિકન સૈન્ય સ્થળોને થયેલા નુકસાનનો ખર્ચ સામેલ નથી. ઈરાનના દાવા મુજબ અમેરિકાને બે અબજ ડોલરનો ખર્ચ થયો છે.
સમિતિના અધ્યક્ષ અને મિસિસિપ્પીથી રિપબ્લિકન સાંસદ રોજર વિકરે મિલરને વહેલી તકે આ માહિતી સંસદને પૂરી પાડવા નિર્દેશ આપ્યા હતા. એક વિશ્લેષણમાં જણાયું કે, ઈરાને અમેરિકન સૈન્ય સ્થળો પર હુમલા કરીને વિમાનોના હેંગર, રડાર સિસ્ટમ, ગોદામો અને સૈનિકોના આવાસ સહિત અનેક સૈન્ય સુવિધાઓનો નાશ કરીને અબજો ડોલરનું નુકસાન કર્યું છે. ઈરાના દાવા મુજબ તેણે અમેરિકાને બે અબજ ડોલરનું નુકસાન પહોંચાડયું છે.
મેસાચ્યુસેટ્સથી ડેમોક્રેટિક સાંસદ એલિઝાબેથ વોરેને સ્વતંત્ર નિરીક્ષણો અને મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ઈરાનના જહાજોનું પરિવહન રોકવા અમેરિકન નેવીની નાકાબંધી પર દૈનિક અંદાજે ૩.૨૫ કરોડ ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે. બહરીનમાં નેવીના પ્રાદેશિક મુખ્યાલય પર ઈરાનના હુમલાથી ઓછામાં ઓછું ૪૦ કરોડ ડોલરનું નુકસાન થયું છે.
દરમિયાન પશ્ચિમ એશિયામાં સાઉદી અરબ અને હુથી બળવાખોરોનું યુદ્ધ વકરી રહ્યું છે. હુથી બળવાખોરોએ સાઉદી રાજધાની રિયાધના સૌથી ઊંચા ટાવરને નિશાન બનાવ્યું હતું. સાઉદી અરબે પુષ્ટી કરી કે ૮૦ માળના પીઆઈએફ ટાવરના સાત-આઠ માળને ભારે નુકસાન થયું છે. સાથે ઈમારતની નજીકના મકાનોને પણ નુકસાન થયું છે.
આ યુદ્ધમાં હુથી બળવાખોરોને પણ ભારે નુકસાન થયું છે. સાઉદી અરબનું પીઠબળ ધરાવતી યમન સેનાએ દાવો કર્યો હતો કે, તેના ૭૧૫ હુમલા અને સૈન્ય ઓપરેશનોમાં કુલ ૧૪૪ હુથી બળવાખોરો માર્યા ગયા છે અથવા તેમને ઈજા થઈ છે તેમજ ૯૬ સૈન્ય વાહનો અને વેપન સિમ્મ્સને નુકસાન પહોંચાડાયું છે. આ સૈન્ય ઓપરેશનમાં ફાઈટર જેટથી ૧૫ હવાઈ હુમલા, ૩૬ ડ્રોન હુમલા, ૩૩ રોકેટ આર્ટિલરી હુમલા અને ૬૩૧ જમીની આર્ટીલરી હુમલાનો સમાવેશ થાય છે.