Get The App

અમે ઈરાનનું કાયમી સમાધાન કરીશું, અમે તેનું એટલું નુકસાન કર્યું છે કે ભરપાઈમાં 10 વર્ષ વીતી જશે : ટ્રમ્પ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
Trump Signals Intense Iran Strikes

Trump Signals Intense Iran Strikes: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ઈરાન પરના હુમલાઓ હાલ અટકશે નહીં. વ્હાઇટ હાઉસથી સંબોધન કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે જલદી જ યુદ્ધમેદાનથી પાછા ફરીશું પણ એના પહેલા ઈરાનને થયેલું નુકસાન વધુ અસરકારક હોવું જોઈએ. અમે આજે જ ત્યાંથી પાછા હટી શકીએ છીએ અને અત્યાર સુધી જે નુકસાન થયું છે તેને સરખું કરતાં જ 10 વર્ષ લાગી જશે. પણ મને લાગે છે કે અમારે આ હુમલાઓને હજુ થોડા વધુ અસરકારક બનાવવા પડશે, જેથી ભવિષ્યમાં બીજા કોઈ પણ પ્રમુખે આવા દિવસો જોવાનો વારો ન આવે.

'પાગલો'ના હાથમાં ઘાતક હથિયાર જોખમી: અમેરિકન પ્રમુખ

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં, કારણ કે પાગલોના હાથમાં આવા ઘાતક હથિયારો હોવા જોખમી છે. ટ્રમ્પના મતે જો અમેરિકાએ સમયસર સૈન્ય કાર્યવાહી ન કરી હોત તો ઈરાન માત્ર બે અઠવાડિયામાં જ પરમાણુ ક્ષમતા હાંસલ કરી લેત.

ઈરાનને કોઈ પણ કાળે પરમાણુ હથિયાર બનાવવા નહીં દઈએ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે જંગની સ્થિતિ એકદમ ધાર્યા મુજબ આગળ વધી રહી છે અને અમેરિકા તેમજ તેના સાથી દેશોના હુમલાઓએ ઈરાનની તાકાતને ઘણી નબળી પાડી દીધી છે. યુદ્ધમાં અમે ઘણું સારું કામ કર્યું છે અને તે યોગ્ય દિશામાં છે. ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર બનાવવા દેવા જોઈએ નહીં. 

આ સાથે જ તેમણે એવો સંકેત પણ આપ્યો કે અત્યારે સ્થિતિ વોશિંગ્ટનના પક્ષમાં છે. હાલમાં થયેલા હુમલાઓથી એવા અકલ્પનીય પરિણામો મળ્યા છે, જે શક્ય બનશે તેવું અગાઉ કોઈએ ધાર્યું પણ નહોતું.

માત્ર થોડા અઠવાડિયાની વાત, જંગ જલ્દી ખતમ થશે: ડોનાલ્ડ ટ્રમ્પ

યુદ્ધની સ્થિતિ અંગે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે જંગ વોશિંગ્ટનના પક્ષમાં જઈ રહી છે અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓએ ઈરાનની શક્તિને નબળી પાડી દીધી છે. જોકે, તેમણે સેનાની વાપસી માટે કોઈ ચોક્કસ સમયસીમા જાહેર કરી નથી, પરંતુ એટલું ચોક્કસ કહ્યું છે કે અમેરિકા ખૂબ જ ટૂંક સમયમાં ત્યાંથી પરત ફરશે. ટ્રમ્પે આ સંઘર્ષને એક નાનું અભિયાન ગણાવતા કહ્યું કે આ માત્ર થોડા અઠવાડિયાની વાત છે અને તે લાંબો સમય નહીં ચાલે.

આ પણ વાંચો: ઈરાન પર અમેરિકાએ 5000 પાઉન્ડનો ‘મહાબોમ્બ’ ઝીંક્યો, હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પ એકલા હાથે મેદાને!

મદદની ના પાડતા NATO દેશો પર ટ્રમ્પની નારાજગી

બીજી તરફ, ઈરાનના અનેક વરિષ્ઠ અધિકારીઓના મોતના સંદર્ભમાં ટ્રમ્પે અનિશ્ચિતતા વ્યક્ત કરતા કહ્યું કે હાલમાં ઈરાનમાં વાતચીત કોની સાથે કરવી તે જ ખબર નથી. આ તકે તેમણે NATO સહયોગી દેશોની પણ આકરી ટીકા કરી હતી. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવા માટે અમેરિકાએ મદદ માંગી ત્યારે NATO દેશોએ આ વિનંતીને ફગાવી દીધી હતી.

અમે ઈરાનનું કાયમી સમાધાન કરીશું, અમે તેનું એટલું નુકસાન કર્યું છે કે ભરપાઈમાં 10 વર્ષ વીતી જશે : ટ્રમ્પ 2 - image