India-US trade deal: ભારત અમેરિકા ટ્રેડ ડીલ બાદ રશિયામાં ભારત તેલ ખરીદશે કે નહીં તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. ત્યારે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવએ સ્પષ્ટ જણાવ્યું છે કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય કોઈએ પણ એ ઘોષણા નથી કરી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. ભારત તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તે રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરશે. અમેરિકા ટૅરિફ લગાવીને ભારત સહિત અન્ય દેશો પર દબાણ ઊભું કરી રહ્યું છે. અને જે તે દેશો રશિયા પાસેથી તેલની ખરીદી ન કરે તેના માટેના ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે.'
રશિયાની સંસદમાં ટ્રેડ ડીલનો મુદ્દો ગાજ્યો
રશિયાની સ્ટેટ ડયૂમાં(રશિયાની સંસદનું નીચલું ગૃહ)માં પણ ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર એક સાંસદે સવાલ કર્યો હતો, જેના જવાબમાં વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ કહ્યું હતું કે, 'તમે કહી રહ્યા છો કે ડોનાલ્ડ ટ્રમ્પએ ઘોષણા કરી છે કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ન કરવા પર સંમત થઈ ગયું છે. મેં આવું નિવેદન ટ્રમ્પ સિવાય કોઈના મોઢેથી સાંભળ્યું નથી, ન તો વડાપ્રધાન મોદી ન તો સત્તા પક્ષના કોઈ પણ ભારતીય નેતા'
બ્રિક્સ શેરપાની બેઠકનો ઉલ્લેખ
સ્ટેટ ડયૂમાંમાં સેર્ગેઈ લાવરોવએ એ પણ ઉલ્લેખ કર્યો કે, 'વિદેશ મંત્રી એસ જયશંકરે નવી દિલ્હીમાં બ્રિક્સ શેરપાની પહેલી બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે એનર્જી, બ્રિક્સ શિખર સંમલેનનો પ્રમુખ મુદ્દો હશે. આ વર્ષે તેની યજમાની ભારત કરી રહ્યું છે ત્યારે આશા છે કે રાષ્ટ્ર પ્રમુખ પુતિન તેમાં ભાગ લેશે. છેલ્લે વર્ષ 2025માં પુતિન ભારત ગયા હતા અને જેનાથી ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. બંને દેશોએ સાથે મળીને જોઇન્ટ દસ્તાવેજો પર સહી કરી હતી. આ યાત્રાથી ભારત અને રશિયા વચ્ચે રણનૈતિક ભાગીદારીને નવી ઊર્જા મળી છે. બંને દેશના પ્રમુખ નેતાઓ ફરી વખત બ્રિક્સ શિખર સંમલેનમાં મળી શકે છે.'
'ભારત રશિયાના સંબંધની કોઈ સીમા જ નથી'
'રશિયા ભારત સાથે તેના સંબંધો દૂર સુધી લઈ જવા તૈયાર છે, જેટલું નવી દિલ્હી ઇચ્છે, બંને દેશોના સંબંધો વચ્ચેની સીમા આકાશ છે, એટલે કે તેની કોઈ સીમા જ નથી', મહત્ત્વનું છે કે ભારતે 1 જાન્યુઆરી 2026થી ઔપચારિક રૂપથી બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. આ 10 દેશોનો સમૂહ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત પાંચ નવા દેશ પણ સામેલ છે.


