Get The App

ટ્રમ્પનો ઈરાનના ક્રૂડની ખરીદી બદલ બે ભારતીય કંપનીઓ, બે વેપારી પર પ્રતિબંધ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનો ઈરાનના ક્રૂડની ખરીદી બદલ બે ભારતીય કંપનીઓ, બે વેપારી પર પ્રતિબંધ 1 - image

- દુનિયામાં કુલ 17 કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર તવાઈ

- પ્રતિબંધિત કંપનીઓ, વ્યક્તિ, જહાજો ઈરાનના ઓઈલની ગેરકાયદે ખરીદી-વેચાણમાં સંડોવાયેલી છે : અમેરિકાનો દાવો

- ઈરાનનું 'શેડો ઓઈલ નેટવર્ક' તોડી પાડવા માટે ટ્રમ્પ સરકારની આકરી કાર્યવાહી

વોશિંગ્ટન : અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર દંડ સ્વરૂપે વધારાનો ૨૫ ટકા ટેરિફ નાંખેલો છે ત્યારે હવે અમેરિકાએ ઈરાન પાસેથી ગેરકાયદે રીતે પેટ્રોલિયમનો વેપાર કરવાનો આક્ષેપ કરતા ભારતની બે કંપનીઓ અને બે ઉદ્યોગપતિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કંપનીઓમાં ટીઆર-૬ પેટ્રો, આરએન શિપ મેનેજમેન્ટ પ્રા. લિ. જ્યારે બે ભારતીયો ઉદ્યોગપતિઓમાં જૈર હુસૈન ઇકબાર હુસૈન સઈદ અને ઝુલ્ફિકાર હુસૈન રિઝવી સઈદનો સમાવેશ થાય છે.

અમેરિકાએ ઈરાન સાથે ક્રૂડ ઓઈલના કથિત ગેરકાયદે વેપારથી મુસ્લિમ દેશને થતી આવકનો ઉપયોગ તહેરાનની પ્રાદેશિક પરોક્ષ આતંકી પ્રવૃત્તિઓ અને હથિયારો ખરીદવા માટે થતો હોવાનો અને તે અમેરિકા સામે સીધું જોખમ હોવાનો આક્ષેપ કર્યો છે. ટ્રમ્પ સરકારે ઈરાનના 'શેડો ઓઈલ નેટવર્ક'ને તોડી પાડવાના આશયથી આ પ્રિતબંધો આકરા આર્થિક પ્રતિબંધોનો નવો તબક્કો શરૂ કર્યો છે. 

અમેરિકાએ પ્રતિબંધ મૂકેલી ભારતીય કંપનીમાં ટીઆર-૬ પેટ્રોનો સમાવેશ થાય છે, જે ભારત સ્થિત એક પેટ્રોલિયમ ઉત્પાદન ટ્રેડર કંપની છે. અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, ઓક્ટોબર ૨૦૨૪થી જૂન ૨૦૨૫ વચ્ચે આ કંપનીએ ઈરાની મૂળના બિટુમેનની લગભગ ૮ મિલિયન ડોલરની ખરીદી કરી હતી. બિટુમેન પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત એક ચિકાશવાળુ, કાળા-ભૂરા રંગનો પદાર્થ છે, જે તરલ સાથે અર્ધ નક્કર અવસ્થામાં મળી આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે માર્ગ નિર્માણમાં થાય છે.

અમેરિકન નાણાં વિભાગે જણાવ્યું કે, ભારત સ્થિત આરએન શિપ મેનેજમેન્ટ પ્રા. લિ.એ ઈરાનના સૈન્ય સાથે સંકળાયેલી 'સેપહર એનર્જી જહાં નામા પારશ કંપની' માટે ક્રૂડ ઓઈલનું પરિવહન કરનારા જહાજોનું સંચાલન કર્યું હતું. કંપની સાથે સંકળાયેલા બે ભારતીય નાગરિકો જૈર હુસૈન ઈકબાલ હુસૈન સઈદ અને ઝુલ્ફિકાર હુસૈન રિઝવી સઈદ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 

અમેરિકાના વિદેશ વિભાગે ગુરુવારે ભારત, પનામા અને સેશેલ્સ સહિત અનેક દેશોમાં ૧૭ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધ મૂકવા ડેઝિગ્નેટ કર્યા છે, જેમાં ભારત સ્થિત એક શિપિંગ કંપની અને એક પેટ્રોલિયમ ઉત્પાદન ટ્રેડરનો પણ સમવ શાય છે. આ અંગે અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે આ કંપનીઓ, ઉદ્યોગપતિઓ અને જહાજો ઈરાની ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણ અને શિપમેન્ટની સુવિધા પૂરી પાડે છે. 

અમેરિકન વિદેશ વિભાગે કહ્યું કે, આ કાર્યવાહીઓનો આશય એ મહેસૂલસ્રોતોને ખતમ કરવાનો છે, જેના માધ્યમથી ઈરાનનું શાસન તેના પરમાણ કાર્યક્રમને આગળ વધારે છે તથા ગુપ્ત રીત ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય સપ્લાય કરી વિદેશી ચલણ મેળવે છે. અમેરિકન વિદેશ વિભાગ મુજબ આજે જે સંસ્થાઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે, તે ઈરાનના ક્રૂડ ઓઈલને ગુપ્ત રીતે લોડ કરે છે અને ટ્રાન્સપોર્ટ કરે છે. આ રીતોમાં ખોટા દસ્તાવેજ, નકલી ઓળખ અને જહાજોની ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.