- અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું સંરક્ષણ બજેટ
- વૈશ્વિક સ્તરે પડકારજનક સમયમાં સંરક્ષણ બજેટ વધારી અમેરિકાને તેની ડ્રીમ મિલિટ્રી બનાવવામાં મદદ મળશે : ટ્રમ્પ
વોશિંગ્ટન : અમેરિકન સૈન્યે વેનેઝુએલા પર હુમલો કરીને પ્રમુખ નિકોલસ માદુરોનું તેમની પત્ની ફ્લોરેસ સાથે અપહરણ કરતા અને પ્રમુખ ટ્રમ્પે ગ્રીનલેન્ડ, ક્યુબા, કોલંબિયા જેવા દેશો પર પણ આક્રમણની તૈયારી કરી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૨૭ માટે અમેરિકાનું સંરક્ષણ બજેટ ૧ ટ્રિલિયન ડોલરના બદલે ૧.૫ ટ્રિલિયન ડોલર કરવાની દરખાસ્ત કરી છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટપોર્મ ટ્રુથ સોશિયલ પર આ નિર્ણયની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે, યુદ્ધકાળમાં અમેરિકન ઈતિહાસનું આ સૌથી મોટું સંરક્ષણ બજેટ છે. આ બજેટ ભારતના અર્થતંત્રના ૩૬ ટકા જેટલું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વર્તમાન મુશ્કેલ અને ખતરનાક સમયમાં પરિસ્થિતિઓ ખૂબ જ નાજૂક અને જોખમ ભરેલી છે, તેથી અમેરિકાની સરક્ષાને સુપ્રીમ પ્રાયોરિટી આપવી આવશ્યક છે. આથી સંરક્ષણ બજેટ વધારીને ૧.૫ ટ્રિલિયન ડોલર (અંદાજે ૧.૫ લાખ કરોડ) કરવા દરખાસ્ત કરાઈ છે. સંરક્ષણ બજેટમાં વધારાથી અમેરિકાને તેનું 'ડ્રીમ મિલિટ્રી' બનાવવામાં મદદ મળશે, જેની લાંબા સમયથી જરૂરિયાત અનુભવાઈ રહી હતી. તેમણે દાવો કર્યો કે આ બજેટ અમેરિકન સૈન્યને કોઈપણ વિદેશી પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનાવશે અને દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરશે.
જોકે, ટ્રમ્પનો સંરક્ષણ બજેટ વધારવાનો પ્રસ્તાવ અમેરિકન કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બની શકે છે, જ્યાં ડેમોક્રેટ્સ તેને અનાવશ્યક અને અર્થતંત્ર પર બોજ ગણાવી વિરોધ કરી શકે છે. જોકે, ટ્રમ્પ સરકારનો દાવો છે કે વૈશ્વિક પડકારો, ચીન અને રશિયા જેવા જોખમોને ધ્યાનમાં રાખીને સંરક્ષણ બજેટ વધારવું જરૂરી છે. આ બજેટથી હથિયારો, સાઈબર સુરક્ષા અને અવકાશમાં સંરક્ષણમાં રોકાણ વધશે.
ટ્રમ્પે કહ્યું કે, બજેટમાં વધારા પાછળનું મુખ્ય કારણ ટેરિફ નીતિ છે. અમેરિકન સરકારે લગાવેલા ટેરિફથી દેશને જંગી આવક થઈ છે, જેથી હવે અમેરિકા માત્ર પોતાની લોન જ ઘટાડી નહીં શકે, પરંતુ એક મજબૂત સૈન્ય શક્તિ પણ ઊભી કરી શકશે. સાથે જ મધ્યમ વર્ગના દેશભક્ત નાગરિકોને આર્થિક લાભ પહોંચાડવાની ક્ષમતા પણ અમેરિકા પાસે છે.
આ પહેલા ડિસેમ્બર ૨૦૨૫માં જ અમેરિકન સેનેટે ૨૦૨૬ માટે ૯૦૧ અબજ ડોલરનું સંરક્ષણ બજેટ પસાર કર્યું હતું. અમેરિકન સંરક્ષણ વિભાગે પણ ભવિષ્યમાં સૈન્ય ક્ષમતા, ટેકનિકલ વિકાસ અને વૈશ્વિક સુરક્ષાને ધ્યાનમાં રાખતા ખર્ચ વધારવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, આ નવો નિર્ણય અમેરિકન સંરક્ષણ નીતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવે છે. આઈએમએફના એપ્રિલ ૨૦૨૫ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક રિપોર્ટ મુજબ ભારતનો જીડીપી ૪.૧૮ ટ્રિલિયન અમેરિકન ડોલર છે. આ આધારે અમેરિકાનું ૧.૫ ટ્રિલિયન યુએસ ડોલર છે, જે ભારતના જીડીપીના લગભગ ૩૬ ટકા જેટલું છે.


