World

ટેરિફની કમાણીમાંથી અમેરિકનોને 2000 ડોલર આપવાનું ટ્રમ્પનું વચન

By GS TEAM
11 Nov 20252 mins read
ટેરિફની કમાણીમાંથી અમેરિકનોને 2000 ડોલર આપવાનું ટ્રમ્પનું વચન

અમેરિકન પ્રમુખે ટેરિફનો વિરોધ કરનારાને મૂર્ખ ગણાવ્યા

ડિવિડન્ડનું પેમેન્ટ ક્યારે અને કેવી રીતે થશે તેની  સ્પષ્ટતા નહીં  અમેરિકનોને અનેક સ્વરૂપે રાહત અપાઇ શકે : નાણાં પ્રધાન

વોશિગ્ટન: યુએસની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફ મામલે અઢી કલાક સુનાવણી કરી તેના વાજબીપણાં સામે સવાલો કરતાં પ્રમુખ ટ્રમ્પે તેમના સોશ્યલ મિડિયા ટ્રુથ સોશ્યલમાં એક મોટી પોસ્ટ મુકી અમેરિકાના આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં ટેરિફની ભૂમિકા સમજાવી હતી અને તેની ટીકા કરનારાઓને મૂર્ખ ગણાવ્યા હતા. ટેરિફને કારણે ઇન્વેસ્ટમેન્ટ અને રોજગારી વધ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. પોતાની પોસ્ટમાં તેમણે વચન આપ્યું હતું કે તેઓ ટેરિફની રેવન્યુમાંથી ઉચ્ચ આવક ધરાવતાં અમેરિકનોને બાદ કરી લગભગ તમામ અમેરિકન્સને ૨૦૦૦ ડોલર્સનું ટેરિફ ડિવિડન્ડ આપશે. જો કે આ ડિવિડન્ડ કેવી રીતે અને ક્યારે ચૂકવવામાં આવશે તેનો કોઇ ફોડ તેમણે પાડયો નહોતો. 

  ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેરિફને કારણે અમેરિકાને અબજો ડોલર્સની રેવન્યુ મળી રહી છે, જેનો ઉપયોગ દેશના દેવાને ચૂકવવામાં કરી શકાય તેમ છે. હાલ અમેરિકાનું દેવું ૩૭ ટ્રિલિયન ડોલર્સ થઇ ગયું છે. 

ટ્રમ્પે ટેરિફની વિરૂદ્ધ હોય તેમને મૂર્ખ ગણાવી ઉમેર્યું હતું કે આપણે હવે સૌથી વધુ ધનિક છીએ. દુનિયામાં આપણે સૌથી વધારે આદર ધરાવીએ છીએ. દેશમાં કોઇ ફુગાવો નથી અને શેર માર્કેટના ભાવો વિક્રમસર્જક સ્તરે છે. 

ટ્રમ્પની જાહેરાતને પગલે ઘણાંને સવાલો થયા હતા કે આ ડિવિડન્ડ કોને મળશે અને તે કેવી રીતે ચૂકવવામાં આવશે. હવે યુએસના નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે આ મામલે ફોડ પાડતાં જણાવ્યું છે કે  આ ડિવિડન્ડ આ વર્ષની શરૂઆતમાં પસાર કરવામાં આવેલાં ઇકોનોમિક પોલિસી બિલ હેઠળ કરરાહત પેટે આપવામાં આવી શકે છે. કરરાહત ઘણી રીતે અપાઇ શકે છે. પ્રમુખ કરવેરા ઘટાડવા માંગે છે, શક્ય છે કે ટિપ્સ કે ઓવરટાઇમ પર લેવામાં આવતો કર રદ થઇ જાય. સોશ્યલ સિક્યુરિટી પરથી પણ કર નાબૂદ થઇ શકે છે. ઓટો લોન કપાય તેની પરથી પર કર બાદ થઇ શકે છે. આમ, ૨૦૦૦ ડોલર્સનું ડિવિડન્ડ અનેક પ્રકારની કરરાહત પેટે મળે તે શક્ય છે તેમ તેમણે એબીસીના ટીવી કાર્યક્રમમાં રવિવારે જણાવ્યું હતું.