નાટો સમિટમાં ટ્રમ્પ ભડક્યા: સ્પેનને ગણાવ્યું 'ખરાબ પાર્ટનર', તાત્કાલિક વેપાર રોકવા આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Spain Trade Ban : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને સ્પેન સાથેનો તમામ વેપાર તાત્કાલિક અસરે રોકવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે મેડ્રિડ (સ્પેનની રાજધાની)ને NATO માં 'ખૂબ જ ખરાબ પાર્ટનર' ગણાવતા કહ્યું કે, તેઓ સ્પેન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરવા માંગતા નથી. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ડિફેન્સ ખર્ચ (સંરક્ષણ ખર્ચ) અને ઈરાન યુદ્ધને લઈને અમેરિકા અને સ્પેન વચ્ચે તણાવ પહેલેથી જ વધેલો છે. બુધવારે અંકારામાં આયોજિત NATO સમિટ દરમિયાન ટ્રમ્પે જાહેરમાં સ્પેનને નિશાન બનાવ્યું હતું. યુરોપીયન નેતાઓને આશા હતી કે, આ બેઠકથી સૈન્ય ગઠબંધનની અંદર રહેલા મતભેદો ઓછા થશે, પરંતુ ટ્રમ્પે સ્પેન સાથેના વિવાદને ફરી હવા આપી દીધી છે. એટલું જ નહીં, તેમણે ડેનમાર્કને પણ નારાજ કરી દીધું છે. ટ્રમ્પે ફરી દોહરાવ્યું કે, ગ્રીનલેન્ડ પર અમેરિકાનું જ નિયંત્રણ હોવું જોઈએ.
ટ્રમ્પે બીજી વખત કહ્યું છે કે, સ્પેન દ્વારા NATOના નવા ડિફેન્સ ખર્ચના લક્ષ્યાંકને સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ તેની સાથેનો વેપાર રોકી દેવો જોઈએ. NATO એ સભ્ય દેશો માટે જીડીપી (GDP)ના 5 ટકા રકમ સંરક્ષણ પાછળ ખર્ચવાનું નવું લક્ષ્ય નક્કી કર્યું છે, પરંતુ સ્પેને તેનો સ્વીકાર કર્યો નથી. આ પહેલા માર્ચ મહિનામાં પણ ટ્રમ્પે આવું કહ્યું હતું, પરંતુ તે સમયે બંને દેશો વચ્ચે વેપાર સામાન્ય રીતે ચાલતો રહ્યો હતો.
NATO મહાસચિવ સાથેની વાતચીતમાં વિવાદ વધ્યો
NATOના મહાસચિવ માર્ક રૂટ સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, 'સ્પેન કોઈ પણ વાત પર સહમત થતું નથી. તેમને તમારી સાથે રાખવા જોઈએ નહીં.' આના પર માર્ક રૂટે માહોલ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્પેને ગયા વર્ષે પોતાનો સંરક્ષણ ખર્ચ વધારીને GDPના 2 ટકા કર્યો હતો. જોકે તેમણે સ્વીકાર્યું કે, હજુ પણ કેટલાક મુદ્દાઓ ઉકેલવાના બાકી છે. આ વાતચીત દરમિયાન જ ટ્રમ્પે પોતાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ તરફ ફરીને કહ્યું, 'હું તેમની સાથે કોઈ વેપાર કરવા માંગતો નથી, બરાબર?' જેના પર બેસેન્ટે જવાબ આપ્યો, 'હા સર'. ત્યારબાદ ટ્રમ્પે કહ્યું, 'આ આદેશનો તાત્કાલિક અમલ કરો. તેમની સાથે વાત પણ ન કરો. તેઓ નકામા અને ખરાબ લોકો છે. તે આપણી સાથે ઘણો પૈસો કમાય છે, અને હવે આપણે જોઈશું કે, તેઓ ખૂબ ઓછું કમાય.'
સ્પેનની પ્રતિક્રિયા
ટ્રમ્પના આ નિવેદન પર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની ઓફિસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ આ નિવેદનોને હંમેશની જેમ સામાન્ય ગણી રહ્યા છે, અને વોશિંગ્ટન સાથે પોતાના સારા સંબંધો જાળવી રાખવાનો ઈરાદો ધરાવે છે. સ્પેને એ પણ યાદ અપાવ્યું કે, તે યુરોપીયન યુનિયન (EU)ની કસ્ટમ્સ અને ટ્રેડ યુનિયનનો હિસ્સો છે. આ નિયમો મુજબ, વેપાર અંગેની વાટાઘાટો સમગ્ર યુરોપીયન યુનિયનના જૂથ સાથે થાય છે, કોઈ એક સભ્ય દેશ સાથે અલગથી નહીં. તેથી કોઈ એક દેશને અલગ કરીને વેપાર રોકવાનો નિર્ણય લાગુ કરવો એટલો સરળ નહીં હોય.
અમેરિકા અને સ્પેન વચ્ચેના આ તણાવનું એક મુખ્ય કારણ ઈરાન યુદ્ધ પણ છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝ એક સોશિયાલિસ્ટ નેતા છે, અને લઘુમતી ડાબેરી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ઈરાન યુદ્ધ દરમિયાન અમેરિકાને પોતાના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) અથવા સ્પેનમાં આવેલા સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. આર્થિક મોરચે પણ સ્પેન અમેરિકા સાથે મહત્વપૂર્ણ ભાગીદારી ધરાવે છે. સ્પેન દુનિયાનો સૌથી મોટો ઓલિવ ઓઈલ (જૈતુનનું તેલ) એક્સપોર્ટર છે, અને તે અમેરિકાને ઓટો પાર્ટ્સ, સ્ટીલ અને કેમિકલ્સની પણ નિકાસ કરે છે.









