Get The App

ટ્રમ્પ અને ખામેનેઇની મુલાકાત અશક્ય : ઇરાને અમેરિકા સામે મુકી 24 અબજ ડોલરની શરત

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ અને ખામેનેઇની મુલાકાત અશક્ય : ઇરાને અમેરિકા સામે મુકી 24 અબજ ડોલરની શરત 1 - image

Trump Khamenei Meeting : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાનના સર્વોચ્ચ નેતા વચ્ચે સંભવિત મુલાકાતની આશાઓ પર ઇરાને પાણી ફેરવી દીધું છે. ઇરાનના સર્વોચ્ચ નેતાના અત્યંત નજીકના અને વરિષ્ઠ સૈન્ય સલાહકાર મોહસેન રેઝાઈએ સ્પષ્ટ કર્યું છે કે, આવી કોઈ મુલાકાત શક્ય નથી. રેઝાઈએ ડોનાલ્ડ ટ્રમ્પ પર વાતચીતને અડચણો તરફ ધકેલવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રતિક્રિયા ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે 3 જૂનના રોજ વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ઇરાનના સર્વોચ્ચ નેતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, 'કે તેઓ સર્વોચ્ચ નેતાના મનપસંદ વ્યક્તિ ન હોઈ શકે, પરંતુ જો તેમને મળવાની તક મળશે તો, સન્માનિત અનુભવશે અને આદર સાથે મળશે.'

ટ્રમ્પના પ્રસ્તાવ પર ઇરાનનો રોકડો જવાબ

ઇરાની સલાહકાર મોહસેન રેઝાઈએ સીએનએન (CNN) ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'ટ્રમ્પ ઇરાનનો ભરોસો જીતવા માટે પૂરતા પગલાં નથી ઉઠાવી રહ્યા, જેના કારણે વાતચીત સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. તેમણે આ અડચણોને તોડવા માટે અમેરિકા સામે 2 મોટી શરતો મૂકી છે. ઇરાને માંગ કરી છે કે, 'અમેરિકા તેની ફ્રીઝ (જપ્ત) કરાયેલી 24 અબજ ડોલરની સંપત્તિ તાત્કાલિક મુક્ત કરે. આ પૈસા અમારા પોતાના છે, અમેરિકાના નથી. ઇરાન સાથે સમજૂતી કરવા માટે આ 24 અબજ ડોલર અમેરિકા માટે ભરોસાની પરીક્ષા છે. અમેરિકાએ આ પરીક્ષામાં પાસ થવું પડશે, તો જ આગળનો રસ્તો ખુલશે.' આ ઉપરાંત, ઇરાને માંગ કરી છે કે, 'અમેરિકા સદભાવના અને વિશ્વાસના સંકેત તરીકે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) માં પોતાની નૌસૈનિક નાકાબંધી તાત્કાલિક અટકાવે.'

યુદ્ધ હિંદ મહાસાગર સુધી ખેંચવાની ચેતવણી

ઇરાની સૈન્ય સલાહકારે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, 'જો અમેરિકનો સાથે કોઈ સમજૂતી નહીં થાય તો, ઇરાન સંઘર્ષ લાંબો ખેંચાવાથી બિલકુલ ચિંતિત નથી'. તેમણે તેહરાનની આગામી સૈન્ય વ્યૂહરચનાનો ખુલાસો કરતા કહ્યું કે, 'ઇરાન આ યુદ્ધનો વ્યાપ હિંદ મહાસાગર સુધી વધારી દેશે અને આ ક્ષેત્રમાં હાજર અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવશે. જો યુદ્ધ ચાલુ રહેશે અને નૌસૈનિક નાકાબંધી હટાવવામાં નહીં આવે તો, આ યુદ્ધને હિંદ મહાસાગર, બાબ અલ-મંડેબ, લાલ સમુદ્ર (Red Sea) અને ભૂમધ્ય સમુદ્ર (Mediterranean Sea) સુધી ખેંચી જઈશું. અમે આ વિસ્તારોમાં અન્ય અમેરિકી મથકો પર હુમલા કરીને યુદ્ધને એક નવો અને ખતરનાક વળાંક આપીશું.'


ટ્રમ્પ અને ખામેનેઇની મુલાકાત અશક્ય : ઇરાને અમેરિકા સામે મુકી 24 અબજ ડોલરની શરત 2 - image

ઇઝરાયેલથી અલગ થઈને નિર્ણયો લે ટ્રમ્પ: ઇરાન

મોહસેન રેઝાઈએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપતા કહ્યું કે, 'ટ્રમ્પે અમેરિકી જનતાના હિતોને સર્વોપરી રાખવા જોઈએ, અને પોતાના નિર્ણયો ઇઝરાયેલથી સ્વતંત્ર થઈને લેવા જોઈએ. ટ્રમ્પે ઇરાની લોકોના હક પાછા આપવા જોઈએ, નાકાબંધી રોકવી જોઈએ અને અમારી જપ્ત કરેલી સંપત્તિ છોડવી જોઈએ. આ પગલું ઇરાન અને અમેરિકાના ભવિષ્ય માટે એક નવી ક્ષિતિજ ખોલી શકે છે. ટ્રમ્પે પોતાના વ્યક્તિગત હિતો છોડીને અમેરિકી લોકોના હિતમાં વિચારવું જોઈએ. જો તેમનામાં આવું કરવાનું સાહસ છે, તો ભવિષ્યમાં ઘણા મુદ્દાઓ ઉકેલાઈ જશે.'