Get The App

Explainer: ઈરાનને ખતમ કરવાની ધમકી અને પછી યુદ્ધવિરામ, જાણો છેલ્લી ઘડીએ એવું તો શું થયું

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: ઈરાનને ખતમ કરવાની ધમકી અને પછી યુદ્ધવિરામ, જાણો છેલ્લી ઘડીએ એવું તો શું થયું 1 - image
AI IMAGE

Trump Iran Ceasefire Explainer : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાંજે એક ખતરનાક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલે તો આજે રાત્રે એક આખી સભ્યતા નષ્ટ થઈ જશે, અને ફરી ક્યારેય બેઠી નહીં થાય’. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ રાત વિશ્વના ઈતિહાસની સૌથી મહત્ત્વની રાતોમાંની એક બની શકે છે. ટ્રમ્પે ઈરાનને રાતના 8 વાગ્યા (વોશિંગ્ટન સમય) સુધીની સમયમર્યાદા આપી હતી. જો ઈરાન આ મુદતમાં ન માને, તો અમેરિકા ઈરાનના તમામ પાવર પ્લાન્ટ, પુલો, ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને તેલના કેન્દ્રોને નિશાન બનાવશે અને ઈરાનને ગણતરીના કલાકોમાં તબાહ કરી દેશે. આ ધમકી એટલી ગંભીર હતી કે આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો.

ટ્રમ્પે ધમકીનો અમલ શરૂ કરી દીધાની ભીતિ સર્જાઈ 

સમયમર્યાદા પૂરી થવાના છેલ્લા કલાકોમાં લડાઈની શરૂઆત થઈ ગઈ હોય તેવા સંકેતો મળી રહ્યા હતા, કેમ કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના અનેક મોટા લક્ષ્યો પર હુમલા કરી દીધા હતા. ઈરાનના મુખ્ય તેલ કેન્દ્ર ખાર્ગ ટાપુ પર પણ બોમ્બ હુમલો કરવામાં આવ્યો. દરમિયાન, ઈરાને પણ ઈઝરાયલ તરફ મિસાઈલો છોડી. તેલ અવીવ શહેરમાં વિસ્ફોટો સંભળાયા અને ઈમરજન્સી સેવાઓએ ઘાયલોની સારવાર શરૂ કરી. એવું લાગતું હતું કે હવે આ યુદ્ધ વધુ વકરશે.


ટ્રમ્પની ધમકીઓનો ઈરાને કેવી પ્રતિક્રિયા આપી?

ટ્રમ્પની ધમકીઓના જવાબમાં ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી હતી કે તેમની ઊર્જા સુવિધાઓને નિશાન બનાવવામાં આવશે તો ઈરાન એનો એવો બદલો લેશે કે દુશ્મનોને ‘અફસોસ’ થાય. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે પ્રાદેશિક લક્ષ્યો પસંદ કરવામાં કોઈ સંયમ રાખશે નહીં. આવી જાહેરાતથી તેના પડોશી દેશો સાથે મોટા સંઘર્ષની આશંકા વધી ગઈ છે. સાથે સાથે, ઈરાને સ્થાનિક સ્તરે પણ જનતાનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો છે. અધિકારીઓએ નાગરિકોને પાવર પ્લાન્ટ, પુલ જેવા મહત્ત્વના સ્થળોની આસપાસ ‘માનવ સાંકળ’ બનાવવા પ્રોત્સાહિત કર્યા છે. 

પાકિસ્તાને શાંતિ માટે પ્રયાસો કર્યા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા સામસામા હુમલાઓ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મધ્યસ્થી કરી. તેમણે ટ્રમ્પને વિનંતી કરી કે તેઓ હુમલા થોડા સમય માટે રોકી દે. તેમણે ઈરાનને પણ ‘સદ્ભાવના’ તરીકે બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા જણાવ્યું. આમ મહત્ત્વના સમયે મધ્યસ્થી બનીને પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે પુલનું કામ કર્યું.

સમયમર્યાદા પહેલા ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી

રાત્રે 8 વાગ્યાની સમયસીમાના દોઢ કલાક પહેલા ટ્રમ્પે એક નાટકીય વળાંક લેતા જાહેરાત કરી કે તેઓ ઈરાન પર બોમ્બમારો બંધ કરશે. તેમણે આને ‘બે-તરફી યુદ્ધવિરામ’ (Double Sided Ceasefire) ગણાવ્યો. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાને તેમને ‘10-પોઈન્ટનો પ્રસ્તાવ’ મોકલ્યો છે, જેને વાટાઘાટો માટે ‘યોગ્ય આધાર’ (Workable basis) માનવામાં આવ્યો છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે અમેરિકાએ તેના લશ્કરી હેતુઓ પાર પાડવામાં સફળતા મેળવી લીધી છે.

ઈરાને શરતો મૂકી, કહ્યું કામચલાઉ યુદ્ધવિરામ છે

ઈરાને પણ આ યુદ્ધવિરામ સ્વીકારી લીધો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ પુષ્ટિ આપી કે જો અમેરિકા અને ઈઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન પણ તેની લશ્કરી કામગીરી બંધ કરી દેશે. ઈરાનની સર્વોચ્ચ સુરક્ષા પરિષદે આ સોદાને પોતાની જીત ગણાવી છે. જોકે, ઈરાને સ્પષ્ટ કરી દીધું કે આ માત્ર કામચલાઉ વિરામ છે. તેમની મુખ્ય શરતોમાં સંપૂર્ણ પ્રતિબંધો હટાવવા, વિદેશમાં અટકાવેલી સંપત્તિ પરત મેળવવી અને ખાર્ગ ટાપુનું પુનઃનિર્માણ શામેલ છે.

યુદ્ધવિરામ ફક્ત બે અઠવાડિયાનો છે

આ યુદ્ધવિરામ ફક્ત 14 દિવસ માટે છે. આગામી વાટાઘાટો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં થશે. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી જહાજો માટે ખુલ્લો મૂકવામાં આવશે, પણ તેનું સંચાલન ઈરાની સેના દ્વારા કરવામાં આવશે.

ઈઝરાયેલ યુદ્ધવિરામના પક્ષમાં નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે સમજૂતી સધાયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે કહ્યું કે લેબનોનમાં ઈઝરાયલના હુમલા પણ બંધ થવા જોઈએ. પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરમાં આનો સાફ વિરોધ કર્યો છે, જેનો અર્થ છે કે ઈઝરાયલ કોઈ પણ યુદ્ધવિરામ સ્વીકારવા તૈયાર નથી અને તે પોતાની લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવા માંગે છે.

14 દિવસની મુદત પછી શું?

વાટાઘાટોનું શું પરિણામ આવશે, શાંતિ જળવાઈ રહેશે કે ફરી યુદ્ધ શરૂ થઈ જશે, એના પર આખી દુનિયાની નજર રહેશે. યુદ્ધવિરામના પક્ષમાં નથી એવું ઈઝરાયેલ લેબેનોન કે ઈરાન પર હુમલા કરીને નવું ઊંબાડિયું ચાંપશે તો ઈરાન શાંત નહીં બેસે, અને એમ થયું તો બધી સમજૂતી વરાળ થઈ જતાં વાર નહીં લાગે.