World

ટ્રમ્પ સરકારની એચ-1બી વિઝા ખતમ કરવાની તૈયારી : ભારતીયોને ફટકો

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં અમેરિકાની ટ્રમ્પ સરકારે H-1B વિઝા નિયમો વધુ આકરા બનાવવાની તૈયારી કરી છે, જેનાથી ભારતીય IT પ્રોફેશનલ્સ ચિંતિત છે. શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એસ્પોસિટોએ 365 દિવસમાં વિઝા વ્યવસ્થામાં મોટા ફેરફારોના સંકેત આપ્યા છે. વિઝાનો દુરુપયોગ કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી થશે અને 2027 સુધી પ્રવેશબંધી પણ લંબાવાઈ છે. આ નિર્ણય હજારો ભારતીયોને અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ સરકારની એચ-1બી વિઝા ખતમ કરવાની તૈયારી : ભારતીયોને ફટકો
  • એચ-૧બીની ફી વધારાના નિર્ણય સામે કોર્ટમાં કેસ વચ્ચે નવું ગતકડું
  • કોઈ કંપની એચ-૧બી વિઝા માટે અરજી કરે તો તેણે છટણી કરી છે કે નહીં તે ચકાસવા માટે તંત્રની સૂચના
  • એચ-૧બી વિઝાની વિશેષ શ્રેણીના વિઝાધારકો પરની પ્રવેશબંધી ૨૧ સપ્ટે. ૨૦૨૭ સુધી લંબાવાઈ

વોશિંગ્ટન : અમેરિકામાં નોકરીનું સપનું જોતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝાને હંમેશા માટે ખતમ કરી દેવાની તૈયારી કરી છે. સરકાર તેમ ના કરી શકે તો તેના નિયમો વધુ આકરા બનાવે તેવી સંભાવના છે. ફક્ત એટલું જ નહીં પ્રમુખ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને હાથકડી બાંધી સ્વદેશ પરત મોકલ્યા હતા, તેમ હવે તેઓ એચ-૧બી વિઝામાં પણ કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ સરકારના આ પગલાંથી ભારતીયોને મોટો ફટકો પડી શકે છે.
અમેરિકાના શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી એસ્પોસિટોએ તાજેતરમાં જ સંકેત આપ્યા હતા કે આગામી ૩૬૫ દિવસમાં એચ-૧બી વિઝા વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આ વિઝા સગવડનો દૂરુપયોગ કરનારી કંપનીઓ સામે કાયદાકીય સકંજો કસવામાં આવી રહ્યો છે. એચ-૧બી વિઝા કાર્યક્રમ પર કોઈપણ પ્રકારની આંચની સીધી અસર ભારતીય નાગરિકો પર પડી શકે છે.
અમેરિકન આઇટી કંપનીઓ, ટેક સેક્ટર અને કોર્પોરેટ જગતમાં કામ કરતાં કુલ એચ-૧બી વિઝાધારકોમાં ૭૦ ટકાથી વધુ હિસ્સેદારી એકલા ભારતીયોની હોય છે. હવે જો અમેરિકા આ વિઝા કાર્યક્રમ બંધ કરી દે છે તો હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ, અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં જવાની તૈયારી કરી રહેલા યુવાનોની કારકિર્દીને આકરો ઝાટકો લાગશે.
બીજી બાજુએ અમેરિકામાં હાજર ભારતીયો માટે વિઝા રીન્યુઅલ અને ગ્રીન કાર્ડના રસ્તામાં ઘણા નવા અવરોધો આવી શકે છે. અમેરિકન યુટયુબર બેની જોન્સનને આપેલા ઇન્ટરવ્યુમાં ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી એસ્પોસિટોએ અમેરકાની રણનીતિ સ્પષ્ટ કરી. તેમણે જણાવ્યું હતું કે તપાસ અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વિઝાના નામ પર ધાંધલી અને શેલ કંપનીઓ દ્વારા છેતરપિંડીમાં સામેલ લોકો સામે ફોજદારી કેસ નોંધીને ધરપકડ કરવાની તૈયારી આદરી દેવામાં આવી છે.
ડી એસ્પોસિટોએ જણાવ્યું હતું કે મને લાગે છે કે વિદેશી શ્રમ વિઝા કાર્યક્રમ આગામી ૩૬૫ દિવસની અંદર સંપૂર્ણપણે અલગ રીતે નજર આવશે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકન સરકાર એચ-૧બી વિઝા કાર્યક્રમ સાથે જોડાયેલી છેતરપિંડી, કર્મચારીઓનું શોષણ અને માનવ તસ્કરી જેવા આરોપોની ગંભીર ચકાસણી કરી રહી છે.
તપાસ સંસ્થાઓએ વિદેશી કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા વર્તતી ટોચની કંપનીઓ પર કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે. આ પહેલા ફોજદારી તપાસના પગલે ટેકનોલોજી સેક્ટરની ટોચની કંપનીઓ કોગ્નિઝન્ટ અને ક્લાઉડેરા સાથે સંલગ્ન એચ-૧બી અરજીઓ જ હાલમાં સસ્પેન્ડ કરી દેવાઈ છે. અમેરિકન શ્રમવિભાગ મુજબ તપાસ અધિકારીઓએ ડઝનેક સમન્સ જારી કર્યા છે અને કેટલાય ઠેકાણા પર દરોડા પાડયા છે અને સર્ચ વોરંટ જારી કર્યા છે. તેની સાથે ટ્રમ્પ તંત્રએ અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી અને વિદેશ વિભાગને પણ સૂચના આપી છે કે કોઈપણ કંપનીએ એચ-૧બી માટે અરજી કરી છે તો તે ખાસ ચકાસવામાં આવે કે તેણે તાજેતરમાં જ આ હોદ્દાઓ પર કામ કરી રહેલા અમેરિકન અધિકારીઓની છટણી કરી છે કે નહી. તેની સાથે અમેરિકાએ એચ-૧બી વિઝાની કેટલીક વિશેષ શ્રેણીના વિઝાધારકો માટે અમેરિકામાં લાગેલી પ્રવેશબંધીને ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી લંબાવી છે.