World

ઈરાન યુદ્ધની સિક્રેટ માહિતી લીક થતાં ટ્રમ્પ લાલઘૂમ, પેન્ટાગોનના અધિકારીઓના ‘લાઈ ડિટેક્ટર’ ટેસ્ટ કર્યા

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાના પેન્ટાગોનમાંથી અત્યંત ગુપ્ત લશ્કરી માહિતી લીક થતાં ખળભળાટ મચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ માહિતી લીક થવાથી ક્રોધિત થયા છે. અમેરિકન સેનાના ઘણાં ટોચના અધિકારીઓનો 'પોલીગ્રાફ' ટેસ્ટ કરાયો છે. વિદેશી જાસૂસી એજન્સીનું ષડયંત્ર હોવાની શંકા છે, જેના કારણે સંરક્ષણ મંત્રીએ તપાસ માટે ટાસ્ક ફોર્સ બનાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધની સિક્રેટ માહિતી લીક થતાં ટ્રમ્પ લાલઘૂમ, પેન્ટાગોનના અધિકારીઓના ‘લાઈ ડિટેક્ટર’ ટેસ્ટ કર્યા

Iran and USA War Updates : ઈરાન સાથે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન)માંથી અત્યંત ગોપનીય લશ્કરી માહિતી મીડિયામાં લીક થતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ માહિતી લીક થવાના કારણે અત્યંત ક્રોધિત થયા છે. આ ઘટના બાદ અમેરિકન સેનાના કેટલાય ટોચના અધિકારીઓ અને સૈન્ય કમાન્ડના અધિકારીઓનો ‘પોલીગ્રાફ’ (લાઈ ડિટેક્ટર) ટેસ્ટ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

અમેરિકન મીડિયાનો ચોંકાવનારો દાવો

અમેરિકાના એક મીડિયાના અહેવાલ મુજબ, આ વર્ષે ઉનાળા દરમિયાન અમેરિકાના અત્યંત ગુપ્ત હથિયારોના ભંડાર સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી બહાર આવી હતી. આ મામલે સેન્ટકોમ (CENTCOM) અને અન્ય સૈન્ય કમાન્ડના ઉચ્ચ અધિકારીઓની કડક તપાસ કરવામાં આવી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પૂછપરછ અને તપાસમાં સામેલ કોઈ પણ અધિકારી મીડિયામાં વિગતો લીક કરવામાં દોષિત કે નિષ્ફળ સાબિત થયા નથી.

વિદેશી જાસૂસી એજન્સીનું ષડયંત્ર હોવાની શંકા

સંવેદનશીલ અને સિક્રેટ માહિતી સુધી ખૂબ જ મર્યાદિત લોકોની પહોંચ હોવાને કારણે, આ મામલે કોઈ વિદેશી જાસૂસી એજન્સી માટે કામ કરી રહેલા ઉચ્ચ સિક્યોરિટી ક્લિયરન્સ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની ભૂમિકા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાન સાથે ચાલતા સંઘર્ષ દરમિયાન અમેરિકાના અદ્યતન હથિયારોના ઝડપી ઉપયોગ અંગેની ખબરો બહાર આવ્યા બાદ આ કાર્યવાહી સઘન બનાવવામાં આવી છે.

સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે લીધા કડક પગલાં

સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે માહિતી લીક કરનારાઓને પકડવા માટે સંરક્ષણ વિભાગ અને ન્યાય વિભાગની એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરી છે. સંરક્ષણ વિભાગના સહાયક સચિવ શોન પાર્નેલે જણાવ્યું હતું કે વિભાગ આંતરિક તપાસ પર કોઈ ટિપ્પણી કરતું નથી, પરંતુ ગોપનીય ડેટાના લીક થવાને અત્યંત ગંભીરતાથી લે છે.

અસામાન્ય રીતે વ્યાપક તપાસ

અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, ટોપ-સિક્રેટ માહિતી સુધી પહોંચ ધરાવતા અધિકારીઓની સિક્યોરિટી પ્રોટોકોલ હેઠળ પોલીગ્રાફ તપાસ થવી સામાન્ય છે, પરંતુ આ વખતે તપાસનો દાયરો અસામાન્ય રીતે ખૂબ વ્યાપક હતો. જોકે, તમામ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની તપાસ કરાઈ નથી; ઉદાહરણ તરીકે સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેન આ લાઈ ડિટેક્ટર તપાસના દાયરામાં નહોતા.