World

ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં ચીનના પ્રમુખ જિનપિંગે અમેરિકાને ઝુકાવ્યું છે. બંને દેશો 30 અબજ ડોલરના ટેરિફ પાછા ખેંચશે. ટ્રમ્પને ચીનની રેર અર્થ મટીરિયલની તાકાત સામે ઝુકવું પડ્યું. રશિયા-ઈરાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં અમેરિકા દખલ નહીં કરે તેવી જિનપિંગની સ્પષ્ટતાથી ટ્રમ્પ બેકફૂટ પર આવી ગયા. આ ડીલ ટ્રમ્પ માટે પરાજય સમાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
  • બંને દેશ એકબીજા સામેના ૩૦ અબજ ડોલરના ટેરિફ પરત ખેંચશે
  • ચીન રેર અર્થ મટીરિયલનું ટ્રમ્પ કાર્ડ ઉતરતા અમેરિકન પ્રમુખના ગાત્રો ઢીલા થયા, ચીનના પ્રમુખની વાત માનવી પડી
  • રશિયા અને ઇરાન સાથેના અમારા દ્વિપક્ષી વ્યાપારી સંબંધોમાં અમેરિકા માથુ ન મારે : જિનપિંગનું મક્કમ વલણ

વોશિંગ્ટન : કહેવાય છે ઝુકતી હે દુનિયા ઝુકાનેવાલા ચાહિયે, આ વાત ચીનના પ્રમુખ જિનપિંગે સાચી કરી બતાવી છે. અમેરિકાને રેસિપ્રોકલ ટેરિફના મોરચે પીછેહઠ કરાવવાની અકલ્પનીય કહી શકાય તેવી સિદ્ધિ મેળવી છે. ટેરિફ ટ્રમ્પના પ્રિય વિષય છે અને આ મોરચે કોઈનાથી પણ ગાંજ્યા ન જતાં ટ્રમ્પે ચીન આગળ ધરાર નાકલીટી તાણી ૩૦ અબજ ડોલરના ટેરિફ પરત ખેંચવા માટે સંમતિ સાધવી પડી છે.
આ રીતે જોઈએ તો ટ્રમ્પની સ્થિતિ પૂર્વ અમેરિકન પ્રમુખ બાઇડેન કરતાં પણ વધારે ખરાબ થઈ કહેવાય. કમસેકમ બાઇડેને તો ચીન સમક્ષ આ રીતે શરણાગતિ સ્વીકારવી પડી ન હતી. આના પગલે બંને દેશ એકબીજાની ૩૦ અબજ ડોલરની આયાત પરના રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચશે.
આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રમ્પ ચીન સમક્ષ રશિયા પર પ્રતિબંધ લાદતા બિલ જેના હેઠળ તેની સાથે કારોબાર કરનારાને ૧૦૦ ટકા ટેરિફ લાગે છે અને ઇરાન સેન્કશન એક્ટ ૨૦૨૬ જે ઇરાન સાથે કારોબાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવે છે તે મુદ્દે કશું જ કરી શક્યા ન હતા. જિનપિંગે આ અંગે ટ્રમ્પની વાત તેમ કહીને ફગાવી દીધી હતી કે બીજા દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં અમેરિકા વચ્ચે ન પડે. બીજા શબ્દોમાં કહીએ તો અમારા બીજા દેશ સાથેના સંબંધોમાં અમેરિકાએ માથુ મારવાની જરુર નથી તેમ સ્પષ્ટ છે. આમ ચીન અમેરિકન પ્રતિબંધો છતાં પણ ધરાર રશિયા અને ઇરાન સાથે તેનો કારોબાર જારી રાખશે.
ચીન આમ કરી શક્યું તેનું કારણ પણ છે. તેની પાસે રેર અર્થ મટીરિયલના સ્વરૂપમાં ટ્રમ્પ કાર્ડ છે, વિશ્વના ૭૦ ટકા રેર અર્થ મટીરિયલનું ચીન ઉત્પાદન કરે છે અને ૯૦ ટકાનું પ્રોસેસિંગ કરે છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ, વિન્ડ એનર્જી, ડિફેન્સ ઇક્વિપમેન્ટ અને એરોસ્પેસ સેક્ટરમાં થાય છે.
આ ઉપરાત અન્ય આશ્ચર્યની વાત એ કે ચીને રેર અર્થની નિકાસ પર અંકુશો લાદેલા છે તેના અંગે ટ્રમ્પ કોઈ કરાર ન કરી શક્યા કે જિનપિંગ પાસેથી કોઈ નિવેદન કે ખાતરી પણ મેળવી ન શક્યા.
રેસિપ્રોકલ ટેરિફ દૂર કરવાના કરાર મુજબ અમેરિકા ચીનના રમકડા, ઘરગથ્થુ ઉપકરણો, બેબી પ્રોડક્ટ્સ, કિચન અને બાથરુમ પ્રોડક્ટ્સના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. જ્યારે ચીન અમેરિકાના કૃષિ ઉત્પાદનો, પર્સનલ કેર પ્રોડક્ટ્સ, મેેડિકલ ડિવાઇસીસ અને કોલસા પરનો રેસિપ્રોકલ ટેરિફ ઘટાડશે.
ફક્ત એટલું જ નહીં ચીનના દબાણના કારણે અમેરિકાએ બંને દેશ વચ્ચે ચાઇના-યુએસ ટ્રેડ બોર્ડ સ્થાપવાની તૈયારી દર્શાવવી પડી છે. આ બોર્ડ બંને દેશ વચ્ચેના કારોબાર પર નજર રાખશે. તેમા નડતા અવરોધો દૂર કરવા પ્રયત્ન કરશે. આમ ટ્મ્પે કાંડા કાપી આપ્યા તેમ જ અહીં કહી શકાય. આટલું કર્યા પછી પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના મોરચે તો ચીને ફક્ત સંવાદ ચાલુ રાખવાની જ હૈયાધારણ આપી છે.
આમ જિનપિંગે ટ્રમ્પ પાસેથી જોઈતી બધી જ ખાતરી મેળવી છે. ટેરિફ દૂર કરાવ્યા, બંને દેશના કારોબાર અવરોધો દૂર કરવા બોર્ડ ઓફ ટ્રેડ સ્થાપ્યુ, તેની સામે ટ્રમ્પને કશું જ મળ્યું નથી. રશિયા, ઇરાન અને તાઇવાન જેવા કોઈપણ મુદ્દે ટ્રમ્પ ચીન પાસેથી ગળુ ખોંખારીને કોઈ ખાતરી મેળવી શક્યા નથી. પોતાને આર્ટ ઓફ ડીલના પ્રણેતા માનતા ટ્રમ્પ ડીલની ચાઇનીઝ ફૂંગફૂ સ્ટાઇલ સામે રીંગમાં માત ખાઈ ગયા. કેટલાય દાયકાઓમાં પહેલી જ વખત કોઈ અમેરિકન પ્રમુખ આટલા બેકફૂટ પર દેખાયા, જેના હજી ગણતરીના બે દાયકા અગાઉ કલ્પના પણ થઈ શકતી ન હતી. જ્યારે ચીને રાજકીય કૂટનીતિથી લઈને સંવાદ સાધવાની કળામાં ટ્રમ્પ સામે ફ્રન્ટફૂટ પર આવીને રમ્યું, જેની ટ્રમ્પને કલ્પના પણ ન હતી.