Truck explosion in Chiles capital: દક્ષિણ અમેરિકાના દેશ ચીલીની રાજધાની સેન્ટિયાગોમાં ગુરુવારે (19 ફેબ્રુઆરી) એક ભયાનક વિસ્ફોટ થયો છે. સ્થાનિક મીડિયા અને રેડિયો અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વિસ્ફોટ સેન્ટિયાગોના એક રહેણાંક વિસ્તારમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસની ઇમારતોના કાચ ફૂટી ગયા હતા અને વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. વિસ્ફોટ બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ અથવા કોઈ ઔદ્યોગિક કારણ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, હજુ પણ કાટમાળ નીચે લોકો દબાયેલા હોવાની શક્યતા છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે.


