- ત્રણ મુખ્ય ઉમેદવારોમાં કાઠમંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહ, નેપાળી કોંગ્રેસનાં યુવા નેતા ગગન થાપા અને પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી સ્પર્ધામાં ઉતર્યા છે
કાઠમંડુ : નેપાળમાં પાંચમી માર્ચે યોજાનારી રાષ્ટ્રીય પંચાયત (સંસદ)ની ચૂંટણીમાં મહત્ત્વના પાંચ પક્ષો સ્પર્ધામાં છે. પરંતુ તે પૈકી ત્રણ પક્ષો અને તેના નેતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે. આ તબક્કે તો તેવું લાગે છે કે એન.આઈ.પી.ના ચૂંટણી લડી રહેલા ઇજનેરમાંથી રાજકારણી બનેલા કાઠમંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહ (ફિલા બાલન) સૌથી આગળ છે. તે ઉપરાંત નેપાળી કોંગ્રેસના યુવા નેતા ગગન થાપા તેમજ પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી વચ્ચે જ ખરી ટક્કર જામી રહી છે.
ઉલ્લેખનીય છે કે જેન.ઝેડનાં ગત વર્ષે થયેલાં પ્રચંડ વિરોધ પ્રદર્શનોને લીધે તે સમયના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીને વડાપ્રધાન પદ છોડવું પડયું હતું.
ચૂંટણીમાં વિજયી થનારા પક્ષના નેતા દેશના ૧૬મા વડાપ્રધાન બનશે. ૨૦૦૮માં ત્યાંથી રાજાશાહી જતાં દેશમાં રાજકીય સ્થિરતા રહી નથી. ગત વર્ષે યુવાનોએ દેશમાં વ્યાપી રહેલા ભ્રષ્ટાચાર, મોંઘવારી અને સૌથી વધુ તો બેરોજગારી સામે યુવાનો રણે ચઢ્યા હતા. ૨૦ ટકાથી વધુ યુવાનો બેકાર હતા. પરિણામે તે સમયના ચીન તરફી વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીને લગભગ નાસી જ જવું પડયું હતું.
આ ચૂંટણીમાં પંચાયતની નીચલી સભા પ્રતિનિધિ સભાના સભ્યો ચૂંટાવાના છે. બાલેન્દ્ર શાહ જેઓને બાલેન નામનાં હુલામણાં નામથી જનતા ઓળખે છે. તેઓ વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર મનાય છે. મૂળ સિવિલ એન્જિનિયર તેવા બાલેન્દ્ર શાહ ૨૦૨૨માં કાઠમંડુના મહાવીર (મેયર) બન્યા હતા. તેઓએ પછીથી નેશનલ ઇન્ડીપેન્ડન્ટ પાર્ટી સ્થાપી. ૩૫ વર્ષના આ યુવાન નેતા ખૂબ સારા ગાયક પણ છે. સંગીતકાર પણ છે. તેઓ તેમનાં સંગીતને સહારે રાજનીતિમાં આગળ વધ્યા છે. તેઓએ શહેરના મેયર તરીકે કાઠમંડુને એકદમ સ્વચ્છ શહેર બનાવી દીધું. રસ્તાઓ ઉપરનાં દબાણો દૂર કરાવી રસ્તાઓ પહોળા કર્યા. તેમજ માર્ગ ઉપર એન્ક્રોવમેન્ટ કરી બાંધવામાં આવેલાં મકાનો કાનૂની રાહે કોર્ટનો હુક્મ મેળવી ધ્વંસ કરાવ્યાં તેમ છતાં તેમની ટીકા પણ થઇ હતી. તે સામે પશ્ચિમ નેપાળમાં એક જનસભાને સંબોધતાં તેઓએ કહ્યું હતું કે અમારો એજન્ડા તે છે કે જે ગરીબો પાસે પૈસા નથી, તેમને પૂરતું શિક્ષણ મળે તેમને પૂરી સ્વાસ્થ્ય સુવિધાઓ પણ મળે.
નેપાળી કોંગ્રેસ નેપાળની સૌથી જૂની રાજકીય પાર્ટી છે. તેને ભારત સાથે ઘનિષ્ટ સંબંધ પણ છે. તેના ૪૯ વર્ષના નેતા ગગન થાપા પાર્ટીમાં બળવો કરીને પાર્ટીના પ્રમુખ પદે ચૂંટાયા હવે તેવો વડાપ્રધાન પદ ઉપર નજર માંડી બેઠા છે.
નેપાળી કોંગ્રેસ પહેલાં તો લોકપ્રિય પાર્ટી હતી તે કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે ગઠબંધન સરકારમાં જોડાઈ હતી. તે પાર્ટીના નેતા કે.પી.શર્મા ઓલી છે. તેઓ ચીન તરફી પણ છે. તે સમયની સરકારનું તેઓ નેતૃત્વ કરતા હતા (વડાપ્રધાન હતા). ત્યારે નેપાળી કોંગ્રેસ તેમની સાથે હતી. પરંતુ ભ્રષ્ટાચાર મોંઘવારી અને બેકારી સામે ગતવર્ષે જેને ઝેડે (યુવાનોએ) જણાવેલાં રમખાણોમાં પછીથી નાગરિકો પણ જોડાયા અને ઓલીને ત્યાગ-પત્ર આપી દેવું પડયું હતું. છતાં ઓલી આ ત્રિપક્ષીય જંગમાં પડયા છે. કેટલાક નિરીક્ષકો કહે છે કે તેઓ તો (ઓલી) ડૂબશે પરંતુ સાથે નેપાળી કોંગ્રેસ અને ગગન થાપાને પણ કદાચ ડૂબાડશે.


