Get The App

અમેરિકામાં 6 દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, પરિવાર પર આભ તૂટી પડ્યો

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકામાં 6 દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, પરિવાર પર આભ તૂટી પડ્યો 1 - image


Linked In Image




USA Indian Students : અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર આફત ઉતરી હોય તેમ વધુ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત બર્કલે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે. સાકેત છેલ્લા 6 દિવસથી ગુમ હતો અને અમેરિકન પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો 

કર્ણાટકનો વતની 22 વર્ષીય સાકેત શ્રીનિવાસૈયા કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે ખાતે 'કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગ'નો અભ્યાસ કરી રહ્યો હતો. તે 9 ફેબ્રુઆરીથી રહસ્યમય રીતે લાપતા થયો હતો. તેને છેલ્લે બર્કલે હિલ્સ વિસ્તારમાં આવેલી 'લેક અંજા' પાસે જોવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના પાડોશીના ઘરના દરવાજા પાસેથી તેનો લેપટોપ અને બેગ મળી આવ્યા હતા, જેના કારણે તેની સુરક્ષાને લઈને આશંકાઓ ઘેરી બની હતી.

ભારતીય દૂતાવાસની પ્રતિક્રિયા

ભારતીય કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું કે, "અમે અત્યંત ખેદ સાથે જણાવીએ છીએ કે સ્થાનિક પોલીસે લાપતા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યાની પુષ્ટિ કરી છે. આ કપરા સમયે અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ." દૂતાવાસે ખાતરી આપી છે કે સાકેતના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટે તમામ કાયદાકીય કાર્યવાહીમાં પરિવારને મદદ કરવામાં આવશે.

તેજસ્વી વિદ્યાર્થી હતો સાકેત 

સાકેત એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતો. તેણે ભારતની પ્રતિષ્ઠિત IIT મદ્રાસમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. સાકેત તે છ લોકોમાં સામેલ હતો જેમણે 'હાયપરલૂપ' માટે માઈક્રોચેનલ કુલિંગ સિસ્ટમની પદ્ધતિ વિકસાવી હતી અને તેની પેટન્ટ મેળવી હતી. 6 ફૂટ 1 ઇંચની લંબાઈ ધરાવતા સાકેતે અગાઉ બેંગલુરુના શ્રી વાણી એજ્યુકેશન સેન્ટરમાંથી પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું.

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓના ગુમ થવાના અથવા શંકાસ્પદ મોત થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાકેતના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે.