વિરામથી થાકેલા અમેરિકા-ઇરાન ફરી યુદ્ધે ચડયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન સાથે યુદ્ધવિરામ ખતમ પણ વાતચીત ચાલતી રહેશે : ટ્રમ્પ
ઇરાન હોર્મુઝની ખાડી પરથી અંકુશ છોડવા કોઈ પણ ભોગે રાજી ન થતાં અમેરિકા બરોબરનું વીફર્યુ : ઇરાન પર ભીષણ હુમલાની ટ્રમ્પની ધમકી
તાલિબાન અને સીરિયામાં આતંકી જૂથ સાથે સફળ વાટાઘાટો કરનારા ટ્રમ્પ ઇરાનને મનાવવામાં નિષ્ફળ
તહેરાન : અમેરિકાએ કોઈપણ ભોગે ઇરાનને ખોખરું કરવાનું નક્કી કરી લીધું લાગે છે. તેથી જ અમેરિકાએ ઇરાન પર ૮૦થી પણ વધુ હુમલા કર્યા હતા. અમેરિકાનો ઇરાદો ઇરાનની લશ્કરી ક્ષમતાને તે હદ સુધી ઘટાડવાનો છે કે હોર્મુઝ પર તેનું પ્રભુત્વ જ ન રહે. ઇરાન તેને યુદ્ધ રોકવા માટે હાથ જોડીને કરગરે તેવુ અમેરિકા ઇચ્છે છે. હાલના સંજોગોમાં તે જરા પણ શક્ય લાગતું નથી.
ઇરાનના હોર્મુઝની ખાડી પરના પ્રભુત્વને અમેરિકા કોઈપણ રીતે માનવા તૈયાર નથી. હોર્મુઝની ખાડી યુદ્ધ થયુ તે પહેલા પણ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હતો અને યુદ્ધ પછી પણ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ જ રહેશે. તેના પર ઇરાન તો શું કોઈપણ દેશનું પ્રભુત્વ અમેરિકા નહીં રહેવા દે. જો ઇરાનના દાવાને હાલમાં ચલાવી લેવાય તો આગામી દિવસોમાં વિશ્વના આવા અનેક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર આ સવાલ સર્જાઈ શકે અને જળમાર્ગની જોડેનો દરેક દેશ આ પ્રકારનો દાવો કરી શકે. અમેરિકા આ સ્થિતિ સર્જાય તેમ ઇચ્છતું નથી. આના પગલે ફરીથી શરુ કરેલા યુદ્ધમાં અમેરિકા ઇરાનના હાલ ઇરાક જેવા જ કરવા માંગે છે, જે અમેરિકાના હુમલાના દાયકા બાદ હજી પણ બેઠું થઈ શક્યું નથી અને રાજકીય રીતે સ્થિર થઈ શક્યું નથી.
આશ્ચર્યની વાત તો એ છે કે તાલિબાન જેવા કટ્ટરવાદી અને સીરિયામાં સત્તા કબ્જે કરનારા અને એક સમયે અમેરિકાએ પોતે જ જેને આતંકી જાહેર કર્યા હતા તેની સાથે ડીલ કરનારા ટ્રમ્પ ઇરાન સાથે ડીલ કરી શક્યા નથી તે હકીકત છે. તેમા પણ ઇરાન સાથેનો યુદ્ધવિરામ કરાર જોઈને તો એમ જ લાગતું હતું કે ઇરાને નહીં અમેરિકાએ નાકલીટી તાણી છે.
આટલું ઓછું હોય તેમ યુદ્ધવિરામ વચ્ચે પણ અમેરિકાએ હોર્મુઝમાંથી પસાર થતાં ઓઇલ ટેન્કરો પર હુમલા કરીને અમેરિકાને પડકાર જ ફેંક્યો હતો કે તમતમારે યુદ્ધવિરામ જે રીતે પાળવો હોય તે રીતે પાળો, અમે તો હુમલા કરીશું.
અમેરિકા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે હોર્મુઝની ખાડી પર ઇરાનનો અંકુશ કોઈપણ રીતે રહેવો ન જોઈએ. અમેરિકાના આગામી હુમલા તે સંદર્ભમાં જ કરવામાં આવશે. આ જોતાં લેબનોનમાં પણ શાંતિ સ્થપાય તેવી કોઈપણ સંભાવના પૂરી રહેતી નથી. આમ ઇઝરાયેલને પણ હવે લેબનોનમાં મુક્તમને કાર્યવાહી કરવાની છૂટ મળી જશે. હવે અમેરિકાએ યુદ્ધ ફરીથી શરુ કર્યુ છે ત્યારે તેની વ્યૂહરચના ઇરાનને ઘૂંટણિયે લાવવાની રહેશે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી દીધું છે કે ઇરાન સાથેનો યુદ્ધ વિરામ પૂરો થયો છે. નાટો સમિટ ૨૦૨૬ની અહીં મળી રહેલી પરિષદમાં આ ઘટસ્ફોટ કરતાં, તેઓે કહ્યું કે હવે ઇરાન સાથે મંત્રણા કરવી તે સમયનો બગાડ છે. આમ કતાર, ઇજિપ્ત, તુર્કી, પાકિસ્તાન સહિતના બધા જ મધ્યસ્થીઓની મહેનત પર ફક્ત ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની ટ્રમ્પ સાથેની એક જ મુલાકાતે પાણી ફેરવી દીધુ હતુ. નેતન્યાહુ ટ્રમ્પને તાજેતરના વિખવાદ વચ્ચે પણ ઇરાન સાથે યુદ્ધ લડી લેવા માટે રાજી કરાવવામાં સફળ રહ્યા લાગે છે. બીજી બાજુએ ઇરાને ખામેનેઈની અંતિમવિધિ દ્વારા આખઆ વિશ્વમાં કરેલું રાજકીય શક્તિ પ્રદર્શન પણ અમેરિકાને બરોબર ખૂંચ્યું છે.
મંગળવારે મોડી સાંજે અમેરિકાએ ઇરાન ઉપર હુમલા કર્યા પછી તંગદિલી વધી ગઈ છે અને તેના જવાબમાં ઇરાને, બહેરિન, કુવૈત અને અન્ય ગલ્ફ કન્ટ્રીઝમાં રહેલા અમેરિકી સૈનિક થાણાંઓ ઉપર ફરી હુમલા શરૂ કરી દીધા છે.
પ્રમુખ ટ્રમ્પે નાટોના વડા માર્ક રૂટ્ટે સાથે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે સીઝ ફાયર વિષે પ્રશ્ન કર્યો ત્યારે તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું ઇરાન સાથેનો યુદ્ધ વિરામ પૂરો થયો છે અને ૧૪ પોઇન્ટની સમજૂતી ખતમ થઈ ગઈ છે. તેઓએ આગળ કહ્યું મારી વાત કરૃં તો હું ઇરાનીઓ સાથે કોઈ સમજૂતી હવે કરવા માગતો જ નથી. તેઓ નકામા કચરા સમાન છે. તેઓ બીમાર માનસિકતાથી પીડાઈ રહ્યા છે અને તેમના નેતાઓમાં પણ આ જ માનસકિતા છે. તેની સાથે તેઓ ભારે ડંખીલા પણ છે, હિંસક છે. ટ્રમ્પનું આ કથન લાઈવ બ્રોડકાસ્ટ પણ કરાયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું અમે તેમની ઉપર ગઇ રાત્રીએ પ્રચંડ હુમલો કર્યો હતો. ઇરાનના લોકો જ ઘણા ડેન્જરસ છે. તેમને કૈંક ખૂંચે છે અમે કહ્યું જાઓ, અને તમારા જનાજાની તૈયારીઓ કરો. તેને બદલે તેમણે ગઇકાલે જહાજો ઉપર રોકેટ્સ છોડયાં. તેથી ગઇ રાત્રીએ અમે પ્રચંડ હુમલો કર્યો.
આમ અમેરિકા અને ઇરાન હવે સામસામા હુમલાઓ ઉપર આવી ગયા છે. અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ઇરાન સામે આક્રમક હુમલાઓ કર્યા હતા. જેમાં તેણે ઇરાનની એર ડીફેન્સ સીસ્ટીમસ, કમાન્ડ એન્ડ કંટ્રોલ નેટવર્કસ, કોસ્ટલ રડાર સાઇટ્સ એન્ટી શિપ મિસાઇલ્સ હેવેબિલીટીઝ અને ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની ૬૦થી વધુ બોટોને હોર્મુઝ સ્ટ્રેઇટ્સ પાસે ડૂબાડી દીધી હતી. આ રીતે આંતરરાષ્ટ્રીય ટ્રેડ કોરિડોરમાંથી પસાર થતાં જહાજો ઉપર હુમલા કરવાથી ઇરાનની શક્તિ તૂટી ગઈ છે. ઇરાને પણ અમેરિકાના હુમલાનો વળતો જવાબ આપતા બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયામાં હુમલા કર્યા છે.
સેન્ટકોલે હુમલા એટલા માટે કર્યા હતા કે ઇરાને સ્ટ્રેઇટ્સમાંથી પસાર થતાં ત્રણ વ્યાપારી જહાજો (૧) માર્શલ માઇલેન્ડઝનો ધ્વજ ફરકાવતાં એમ/ટીએલરેવાયત (૨) સઉદી અરેબિયાનો ધ્વજ ફરકાવતાં એમ/ટી વેડવાન અને (૩) લાઇબેરિયાનો ફ્લેગ ફરકાવતાં એમ/ટી સાઇપ્રસ પ્રોસ્પેરીટી ઉપર હુમલા કર્યા હતા.
ઇરાનના હુમલા અંગે જાતજાતના તર્કો
ક્રૂડના ભાવ નીચે જતાં અટકાવવા ઇરાન-અમેરિકા યુદ્ધ કરે છે !
સાઉદીએ 26 વર્ષ પછી ક્રૂડના ભાવમાં ઘટાડો કરતાં વધુ ભાવઘટાડો અટકાવવા ઇરાન મેદાનમાં
નવી દિલ્હી : ઇરાને યુદ્ધવિરામ છતાં તાજેતરમાં ત્રણ ઓઇલ-ગેસ ટેન્કરોને નિશાન બનાવી હુમલા કરતા તેના ઇરાદા અંગે જાતજાતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા વિશ્લેષકોનું માનવું છે કે આ પગલાનો હેતુ ફક્ત લશ્કરી જ નથી, તેનો હેતુ ક્રૂડ ઓઇલના ભાવને ઊંચે લાવવાનો પણ હોઈ શકે.
ઇરાન જે ત્રણ ટેન્કરો પર હુમલા કર્યા તેમાં કતારનું એલએનજી ટેન્કર અલ રેકાયત, સાઉદીનું ક્રૂડ ઓઇલ ટેન્કર વેદયાન અને એક લાઇબીરિયન ફ્લેગ્ડ ટેન્કર સામેલ હતું. ઇરાનનો દાવો છે કે હોર્મુઝ પર તેનું જ પ્રભુત્વ અને અંકુશ છે. તેનું કહેવું છે કે ફક્ત ઇરાન દ્વારા જ નક્કી કરાયેલો સમુદ્રી જળમાર્ગ સુરક્ષિત છે અને વર્તમાન યુદ્ધ પછી આ જ નવી વાસ્તવિકતા હશે. ઘણા નિષ્ણાતો અને વિશ્લેષકો ઇરાનના આ હુમલાને કોન્સ્પિરસી થિયરી તરીકે જુએ છે. આ થિયરી મુજબ ઇરાનનો પ્રયત્ન વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોને ઊંચા સ્તરે જાળવી રાખવાનો છે. જો ક્રૂડ ઓઇલની કિંમતો ઊંચા સ્તરે રહે તો જ ઇરાનને નાણાકીય ફાયદો થઈ શકે છે. ઘણા લોકોનો દાવો છે કે ઇરાને જાણીબૂઝીને ટેન્કરો પર હુમલો કર્યો છે, જેથી ક્રૂડ ઓઇલની કિંમતો વધુ નીચે ન જાય. ઇરાને હુમલા કરતાં જ ક્રૂડ ઓઇલના ૭૦ ડોલરના નીચે ઉતરતા ભાવને બ્રેક વાગી ગઈ હતી અને તે અટકી ગયા હતા. આ દાવાને તેટલા માટે પણ આધાર મળે છે કેમકે સાઉદી અરેબિયાએ ૨૬ વર્ષ પછી ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો કર્યો હતો. સાઉદીના ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું તે તેનો જ જવાબ હોઈ શકે છે. જ્યારે કેટલાક માને છે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છતું હોવાથી આ હુમલા કરવામાં આવ્યા છે. જો કે તેને સ્વતંત્ર સમર્થન મળ્યું નથી.
ઇરાને ભારતનું એક જહાજ પરત મોકલ્યું
હોર્મુઝમાં ભારતના નવ ટેન્કર અને ૧૯૮ નાવિક ફસાયેલા
ભારતીય વિદેશ મંત્રાલયે ઇરાન સાથે ફરીથી વાટાઘાટો શરૂ કરવી પડે તેવી શક્યતા
તહેરાન : અમેરિકા-ઇરાન વચ્ચે ફરી પાછુ ખાડી યુદ્ધ શરુ થઈ ગયું છે. બંને દેશ એકબીજા પર હુમલા કરવા માંડયા છે. આ હુમલાના કારણે હજી પણ હોર્મુઝમાં ભારતના નવ ટેન્કર ફસાઈ ગયા છે. તેમા પણ એક ટેન્કરને તો ઇરાને બીજા રસ્તેથી જતું હોવાના કારણે પરત મોકલ્યું હતું.
ભારતના નવ ટેન્કરો તૈયાર જ છે અને હોર્મુઝની ખાડી પસાર કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યા છે, પણ હવે ટ્રમ્પે યુદ્ધવિરામ ખતમ કરવાની જાહેરાત કરી દેતા આ ટેન્કરો ફસાઈ ગયા છે. કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઇલ અને એલપીજી તથા એલએનજી લઈને આવતા ટેન્કરો પર ચાંપતી નજર રાખી રહી છે.
બીજા પગલાંની સાથે દેશનું વિદેશ મંત્રાલય ઇરાનીયન સત્તાવાળાઓનો સંપર્ક સાધી શકે છે અને ભારતીય ટેન્કરોને પસાર થવા માટે માર્ગ આપવા કહી શકે છે. આ ટેન્કર મહિનાઓથી અટવાયેલા છે.
આ નવ ટેન્કરો પરના કુલ ૧૯૮ ખલાસીઓ પણ ફસાયેલા છે. જો કે બુધવારે પણ હોર્મુઝમાંથી જહાજોનું પસાર થવાનું જારી રહ્યું હતું. મંગળવારના હુમલા પછી ભારત સહિત કમસેકમ છ સ્થળોએ જતાં જહાજોએ હોર્મુઝની ખાડી બુધવારે પસાર કરી હતી. જો કે ભારતીય ધ્વજવાળા એક સુપર ટેન્કર લીલા વાડીનાર ઓમાનના કિનારાના રસ્તે જતું હોવાથી ઇરાને તેને પરત ફરવાની ફરજ પાડી હતી.
દબાણ, ધાકધમકી અને વસૂલીના દિવસો પૂરાઃ ઇરાન
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાન પર હુમલો કરીને તેમના નેતાઓને બીમાર માનસિકતાવાળા અને વિશ્વ માટે જોખમી કહેતા ઇરાને પણ વળતો જવાબ આપ્યો છે. ઇરાનની સંસદના સ્પીકર ગાલીબાફે જણાવ્યું હતું કે અમેરિકાના ધાકધમકી, દબાણ અને વસૂલાતના દિવસો પૂરા થઈ ચૂક્યા છે. તેનાથી તેને કશું હાંસલ નહીં થાય, અમે ઝૂકવાના નથી. ટ્રમ્પ અમને સતત ધમકીઓ આપી રહ્યા છે. તે લશ્કરી હુમલાની ધમકી આપી રહ્યા છે. તેમણે ઇરાન પર ઓઇલ પ્રતિબંધો લગાવી દીધા છે. લેબનોન પર ઇઝરાયેલની કાર્યવાહી અત્યંત આક્રમક થઈ રહી છે. અમે અમેરિકાના દરેક હુમલાનો સાનુકૂળ જવાબ આપીશું. અમે તેના માટે પૂર્ણપણે તૈયાર છીએ.




