- ઇરાનનો છ મહિના સુધી યુદ્ધ લડવા તૈયાર હોવાનો દાવો
- ટ્રમ્પે 2,500 મરીન મોકલ્યા
- ઇઝરાયેલે 24 કલાકમાં જ ઇરાનના બે ટોચના લશ્કરી અધિકારીઓનો ખાત્મો બોલાવતા જંગ વધુ તીવ્ર બની
- કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા અને યુએઈમાં રિફાઇનરીઓ અને ગેસ ફિલ્ડ પર ઇરાનના હુમલા
- નેતન્યાહુનો મિસાઇલ એકમો ખતમ કર્યાનો દાવો, યુદ્ધના ત્રણ અઠવાડિયા પછી પણ ઉત્પાદન જારીઃ ઇરાનનો જવાબ
દુબઈ: એમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભલે મીડિયા સામે લશ્કરને મોકલવાની વાતનો ઇન્કાર કર્યો હોય, પરંતુ ૨,૫૦૦ સૈનિકો સાથ ત્રણ યુદ્ધજહાજ મધ્ય એશિયા તરફ મોકલ્યા છે, જે બતાવે છે કે ટ્રમ્પે ફરીથી યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પનો મુખ્ય હેતુ હોર્મુઝની ખાડીમાંથી ઇરાનના કબ્જાને છોડાવવાનો અને ત્યાં દબાયેલા યુરેનિયમના ભંડારને સુરક્ષિત કરવાનો છે. આમ થશે તો બે દાયકાનું સૌથી મોટું લશ્કરી પગલું હશે.
ટ્રમ્પ ભલે કશું કહે કે ન કહે પણ સેટેલાઇટ તસ્વીરોએ તે સ્પષ્ટ બતાવી દીધું છે કે ૨,૨૦૦ ઘાતક મરીન સૈનિકોથી સજ્જ અમેરિકાનું નવું યુદ્ધજહાજ યુએસએસ ત્રિપોલી મધ્યપૂર્વ તરફ નીકળી ચૂક્યું છે. હાલમાં તે હિંદમહાસાગરમાં છે. તેના પગલે આગામી સપ્તાહે ઇરાન યુદ્ધ નવા જ ભયંકર વળાંક તરફ આગળ વધી શકે છે. આમ ખાડીયુદ્ધ વિસ્ફોટક બની શકે છે. આ ઉપરાંત બીજા બે યુદ્ધજહાજ પણ મધ્યપૂર્વ તરફ આગળ વધી રહ્યા છે.
અમેરિકન સુરક્ષા અધિકારીઓનું ત્યાં સુધી કહેવું છે કે ટ્રમ્પ ઇરાનમાં પોતાના અભિયાનને મજબૂત કરવા હજારો સૈનિકોને ગોઠવવા ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છે. ટ્રમ્પ હોર્મુઝની ખાડી ખોલવાયા રઘવાયા બન્યા છે. ઇરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજો પાસેથી જાણે રીતસરનો ટેક્સ વસૂલી રહ્યું છે. એક ટેન્કર ઓપરેટરો ત્યાં સુધી દાવો કર્યો કે તેણે સલામત નીકળવા ૨૦ લાખ ડોલર ચૂકવવા પડયા.
ઇરાને તેના ઓઇલફિલ્ડ પર થયેલા હુમલાના બદલામાં ખાડીના અનેક દેશોના ઓઇલફિલ્ડ પર હુમલા કરવા માંડયા છે. કુવૈતે જણાવ્યું હતું કે ઇરાને તેની મિના અલ-અહમદી ઓઇલ રીફાઇનરી પર વારંવાર હુમલા કર્યા હતા. તેના કારણે આગ લાગી હતી. તેના લીધે રિફાઇનરી બંધ કરી દેવી પડી હતી. આ રિફાઇનરી પ્રતિ દિન ૭.૩૦ લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન કરે છે. ઇરાનના ડ્રોન અને મિસાઇલ હુમલાના લીધે દુબઈ પણ વિસ્ફોટોથી ધણધણ્યું હતું. લોકો અહીં ઇદની ઉજવણી કરી રહ્યા હતા. બહેરીનના ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે એક આંતરવાનો આવેલું ડ્રોન વેરહાઉસ પર પડતા આગ લાગી હતી. જ્યારે સાઉદી અરેબિયાએ અનેક ડ્રોનનો નાશ કરીને તેના ઓઇલથી સમૃદ્ધ પૂર્વી પ્રાંત પરના હુમલાને નીવાર્યો હતો.
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે અમેરિકાની વિનંતીના પગલે તે હવે ઇરાનના ઓઇલ-ગેસ ફિલ્ડ પર હુમલા નહીં કરે. તેમણે દાવો કર્યો હતો કે ઇરાનની મિસાઇલ ઉત્પાદન કરવાની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે અમે યુદ્ધ દરમિયાન પણ અમારી મિસાઇલ ઉત્પાદન ક્ષમતાને જાળવી રાખી છે. તેનો જથ્થો ખડકવામાં અમને કોઈ મુશ્કેલી આવી રહી નથી.ઇરાને દાવો કર્યો હતો કે તે કમસેકમ છ મહિના માટે યુદ્ધ લડવા તૈયાર છે. તેણે નવી પેઢીના કેટલાય મિસાઇલો અને ડ્રોન્સનો તો હજી ઉપયોગ જ કર્યો નથી.
જો કે આવું નિવાદન આપ્યાના ગણતરીના કલાકોમાં ઇઝરાયેલે લશ્કરી પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીને ઉડાવી દીધા હતા.
ઇઝરાયેલે ઇરાનને એક જ દિવસમાં બે મોટા ઝાટકા આપ્યા છે. ઇરાને જણાવ્યું હતું કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન થયું છે. તેઓ જુલાઈ ૨૦૨૪માં આઇઆઇરસીજીના કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. તેઓ ઇરાન-ઇરાક યુદ્ધના અનુભવી અધિકારી હતા. ઇઝરાયેલે આ ઉપરાંત બાસિજના જાસૂસી વિભાગના પ્રમુખ જનરલ ઇસ્માઇલ અહમદીને ઉડાવી દીધા હતા. તે આઇઆરસીજી સાથે જોડાયેલા અધિકારી હતા. તે સંગઠનમાં સુરક્ષા અને જાસૂસી વિભાગ સંભાળતા હતા.
ઇઝરાયેલમાં જેરુસલેમમાં સવાર સાઇરન વાગવા માંડી હતી. તેના લીધે લોકો ઇરાનના મિસાઇલ હુમલાથી બચવા શેલ્ટરોમાં દોડયા હતા. ઇઝરાયેલે આ હુમલાના જવાબમાં તરત જ તેહરાન પર વળતો હુમલો કર્યો હતો. આ સિવાય તેણે લેબનોનમાં પણ હુમલા જારી રાખ્યા છે અને તેનું લશ્કર લેબનોનમાં ઘૂસી ચૂક્યું છે. ઇઝરાયેલે લેબનોન પર હુમલાની સાથે-સાથે સીરિયામાં પણ હુમલા કર્યા હતા.
- દુશ્મનોના પ્રવાસન સ્થળો પર હુમલાની ઇરાનની ધમકી
ઇરાને જણાવ્યું હતું કે અમે આગામી દિવસોમાં દુશ્મોનાના અને તેમા પણ ખાસ કરીને અમેરિકા અને ઇઝરાયેલના પ્રવાસન્ સ્થળો પર હુમલા કરીશું. તેના પગેલ આગામી દિવસોમાં આ યુદ્ધનો વ્યાપ આતંકી હુમલાઓના સ્વરૂપમાં પણ જોવા મળી શકે છે. ઇરાન સમર્થિત આતંકીઓ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો તેવો હુમલો કરે તો આશ્ચર્ય નહી થાય.
- ખાડી યુદ્ધમાં ભારતીયોનો મૃત્યુઆંક છ પર પહોંચ્યો
આ સપ્તાહે ઇરાનના હુમલામાં રિયાધમાં વધુ એક ભારતીયનું મૃત્યુ થતાં ખાડી યુદ્ધમાં ભારતીયોનો મૃત્યુઆંક છ પર પહોંચ્યો છે. રિયાધ પર બુધવારે થયેલા મિસાઇલ હુમલામાં ભારતીયનું મોત થયું હતું. તે હજી સુધી સ્પષ્ટ થયું નથી કે ભારતીય મિસાઇલ હુમલામાં માર્યો ગયો હતો કે તેને આંતરનાર મિસાઇલનો કાટમાળ તેના પર પડતાં તેનું મોત થયું હતું.
- પેન્ટાગોને ઇરાન યુદ્ધ માટે કોંગ્રેસ પાસે વધુ 200 અબજ ડોલર માંગ્યા
પેન્ટાગોને ઇરાન યુદ્ધ માટે બીજા ૨૦૦ અબજ ડોલરના ફંડિંગની માંગ કરી છે. જો કે આ માટે તેણે યુએસ કોંગ્રેસ તરફથી સંખ્યાબંધ પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. પેન્ટાગોને ફંડિંગની આ વિનંતી વ્હાઇટ હાઉસને મોકલી છે, એમ ટ્રમ્પ તંત્રના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. આમ પેન્ટાગોને યુએસ કોંગ્રેસ પાસે તેના મંજૂર થયેલા બજેટ ઉપરાંત ફક્ત ઇરાન યુદ્ધ માટે બીજા ૨૦૦ અબજ ડોલર માંગ્યા છે. જ્યારે અમેરિકા ઇરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં રોજના એક અબજ ડોલર લેખે ૨૧ અબજ ડોલર ખર્ચી ચૂક્યું માનવામાં આવે છ. હવે યુદ્ધ લંબાતા આ ખર્ચો પણ વધતો જ જવાનો છે. બીજી બાજુએ પેન્ટાગોનને ચાલુ વર્ષ માટે ૮૦૦ અબજ ડોલરથી વધુ રકમના ડિફેન્સ બજેટની તો મંજૂરી મળી જ ચૂકી છે.
- ઇરાન યુદ્ધના લીધે કતારની એલએનજી નિકાસને મોટો ફટકો
દોહા: ઇરાનના ખાડી દેશો પર હુમલાના લીધે કતારની લિક્વીફાઇડ નેચરલ ગેસ (એલએનજી) નિકાસ ક્ષમતાને ૧૭ ટકાનો ફટકો પડયો છે. તેના લીધે વાર્ષિક ધોરણે આવકમાં ૨૦ અબજ ડોલરનો ફટકો પડશે, એમ કતાર એનર્જીના સીઇઓ અને ઉર્જાપ્રધાન સાદ અલ કાબીએ જણાવ્યું હતું. આ હુમલાના લીધે યુરોપ, ચીન અને ભારત જેવા દેશોને મળતો પુરવઠો પ્રભાવિત થશે. યુદ્ધ પૂરુ થયા પચી આ હુમલાના કારણે થયેલા રીપેરિંગમાં જ ત્રણથી પાંચ વર્ષ લાગતા ૧.૨૮ કરોડ ટન પુરવઠો પ્રભાવિત થશે.છેલ્લા કેટલાક દિવસોમાં કતાર પર ઇરાનના હુમલાના લીધે કતારની ૧૪માંથી બે એલએનજી ટ્રેન અને ગેસ-ટુ-લિક્વિડીમાં એક એસેટ્સને નુકસાન પહોંચ્યું છે. કાબીએ જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં કલ્પના પણ કરી ન હતી કે રમઝાનના દિવસોમાં મુસ્લિમ દેશ જ તેમના પર હુમલો કરશે.
- ભારતના ઇન્ટરનેટને પણ ઇરાન બ્રેક મારી શકે છે
નવી દિલ્હી: મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધમાં હવે હોર્મુઝની ખાડીને રોકીને પુરવઠો અટકાવનારા ઇરાન હવે સમુદ્રની અંદર બીછાવાયેલા કેબલોને પણ ફટકો મારી શકે છે. જો તેને નુકસાન થયું તો આખા વિશ્વમાં ઇન્ટરનેટ ઠપ થઈ શકે છે. ભારત સહિત વિશ્વના કેટલાય દેશોમાં બેન્કિંગ-ડિજિટલ સેવા પર અસર પાડી શકે છે. હોર્મુઝ અને રેડ સી બંનેમાં સમુદ્રના તળિયા કેબલોની જાળ બિછાવવામાં આવેલી છે. ઇરાને માઇન્સ તો ગોઠવ્યા જ છે. આ સંજોગોમાં જો ત્યાં હુમલા થયાં તો વિશ્વભરમાં ઇન્ટરનેટને બ્રેક વાગી શકે છે.
- અલ અક્સા મસ્જિદ બંધ ઇદની નમાઝ ન પઢવા દેવાઈ
જેરુસલેમ: જેરુસલેમમાં આવેલી અલ અક્સા મસ્જિદમાં દાયકાઓમાં પહેલી વખત ઇદની નમાજ નહીં પઢી શકાય. લગભગ છ દાયકા બાદ પહેલી વખત અલ અક્સા મસ્જિદમાં ઇદની નમાજ પઢી નહી શકાય. શુક્રવારે ઇદ ઉલ ફિતર હતી તે સમયે જેરુસલેમની આ અલ અક્સા મસ્જિદને બંધ રાખવામાં આવી હતી. ૧૯૬૭માં થયેલી મિડઇસ્ટ વોર પછી પહેલી જ વખત આ મસ્જિદ બંધ રાખવામાં આવી હતી. ઇઝરાયેલે આ યુદ્ધમાં પહેલી જ વખત પૂર્વી જેરુસલેમ અને જૂના શહેરને કબ્જે કર્યુ હતુ. આ મસ્જિદ ટેકરી પર આવેલી છે અને મુસ્લિમો અને યહૂદીઓ બંને માટે પવિત્ર છે. તેનો ઉલ્લેખ બાઇબલમાં પણ હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલીઓ અને પેલેસ્ટાઇનીઓ બંને વચ્ચે તેને લઈને હંમેશા સંઘર્ષ થતો રહ્યો છે. ઇઝરાયેલે ઇરાન સાથેના યુદ્ધને લઈને જૂના શહેરમાં દરેક ધર્મના ધાર્મિક સ્થળ શ્રદ્ધાળુઓ માટે બંધ રહ્યા ે.


