Get The App

પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી ઇરાનને ઘેરવાની અમેરિકાના પ્રમુખની ઘેરી ચાલ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી ઇરાનને ઘેરવાની અમેરિકાના પ્રમુખની ઘેરી ચાલ 1 - image

- ઇરાન કે અમેરિકા બેમાંથી એક પણ નમતું જોખવા તૈયાર નથી

- પૂર્વમાંથી પ્રચંડ વિમાનવાહક જહાજ અબ્રાહમ લિંકન ઇરાનના જળવિસ્તારથી દૂર ઊભું છે, પશ્ચિમમાંથી બીજું વિમાનવાહક જહાજ ગેરાલ્ડ ફોર્ડ કેરેબિયન સીમાંથી ઇરાન તરફ રવાના થયું

નવી દિલ્હી : મધ્ય તેમજ પશ્ચમ એશિયામાં પરિસ્થિતિ અત્યંત તંગ બની રહી છે. યુરેનિયમ સંવર્ધનના પ્રશ્ને ઇરાન સાથે યુદ્ધ કરવા સુધીની કગાર ઉપર અમેરિકા આવી ગયું છે. તેણે ઇરાનને ડરાવવા સૈન્ય કાર્યવાહીની ધમકી આપી દીધી છે. જ્યારે ઇરાને પણ જરાયે નમતું જોખવાની ના કહી, જીનીવામાં ચાલી રહેલી મંત્રણામાંથી ઊભું થઈ ગયું હતું. તેમજ કતારનાં દોહામાં પણ ચાલેલી શાંતિ-મંત્રણા નિષ્કર્ષ વિનાની રહી છે. તેવામાં અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે છેક પૂર્વ પેસિફિકમાં રહેલાં તેનાં પ્રચંડ વિમાન વાહક જહાજ અબ્રાહમ લિંકન સાથે નૌકા કાફલો ઇરાનના જળ વિસ્તારની બહાર પૂર્વમાં તૈનાત કરાવી દીધું છે.

આટલું ઓછું હોય તેમ, હવે વેનેઝુએલા ઉપર દબાણ રાખવાની જરૂર ન રહેતાં કેરેબિયન જળમાં રહેલા નૌકા કાફલાના એક ભાગને બીજાં પ્રબળ વિમાનવાહક જહાજ યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડનાં નેતૃત્વ નીચે મધ્ય એશિયા તરફ રવાના કરી દીધો છે. આમ ઇરાનને પૂર્વ અને પશ્ચિમ બન્ને તરફથી ઘેરવાની, ઘેરી ચાલ અમેરિકી પ્રમુખ ચાલી રહ્યા છે.

બીજી તરફ મુલ્લાં સરકાર સામે ઇરાનમાં વ્યાપક રમખાણો થયાં હોવા છતાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેની પણ જરાયે નમતું આપવા તૈયાર નથી.

બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સાથેની મંત્રણા પછી અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ઇરાનને હુમલો કરવાની ધમકી આપી દીધી છે અને કહી દીધું છે કે જો ઇરાન તેની વાત અંગે સહમત ન થાય તો જૂનમાં કરાયા હતા તેવા હુમલા ફરી કરવામાં આવશે. સાથે સાથે ટ્રમ્પે પરમાણુ સમજૂતી સંબંધે ઇરાન સાથે મંત્રણા કરવાની પણ તૈયારી દર્શાવી છે. પરંતુ ઇરાનને વાંધો તે છે કે મંત્રણા પહેલાં તો માત્ર યુરેનિયમ સંવર્ધન પૂરતી જ કરવાની હતી તેમાં હવે અમેરિકાએ મિસાઈલ સંખ્યા, તેમજ તેની પ્રહારમર્યાદા અને પ્રહાર શક્તિ પણ મર્યાદિત રાખવાના મુદ્દા ઉઠાવ્યા છે. તેથી મંત્રણા નિરર્થક બની રહેશે. આમ છતાં ટ્રમ્પ તેની શરતોમાંથી પાછા હટયા નથી માગતા, તો ઇરાન પણ નમતું જોખવા નથી માગતું. ટૂંકમાં તેલ પર તરતાં પશ્ચિમ, તથા મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ તણાવની છે.