- અફઘાન તાલિબાનોએ આત્મઘાતી ટુકડીઓ રચી છે
- તાલિબાનની ગેરિલા રણનીતિ, ભૂગોળ તથા પશ્તુનોનાં સમર્થને તાલિબાનોને દુર્ઘર્ષ બનાવ્યા છે : યુદ્ધ સમીકરણો જ બદલાઈ ગયાં છે
નવીદિલ્હી : અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે હવે ખુલ્લું યુદ્ધ શરૂ થઈ ગયું છે. પરિણામે સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી રહી છે. પાકિસ્તાને કાબુલ સહિત અફઘાનિસ્તાનમાં અનેક શહેરો ઉપર જોરદાર હવાઈ હુમલા શરૂ કરી દીધાં છે, અને સત્તાવાર રીતે જ તે યુદ્ધને ''ઓપન-વૉર'' જાહેર કરી દીધું છે. તે સામે અફઘાનોએ સરહદી ચોકીઓ ઉપર કબજો જમાવતા જાય છે. તે અથડામણોમાં તાલિબાનો કરતાં પાક. સૈનિકોનાં વધુ મૃત્યુ નોંધાયાં છે.
પ્રશ્ન તે છે કે, પરમાણુ શસ્ત્રોથી સજ્જ તેમજ અતિઆધુનિક શસ્ત્રો પોતાની સેના પાસે હોવા છતાં તાલિબાનો વારંવાર પાકિસ્તાનને કઈ રીતે ક્ષતિ પહોંચાડી શકે છે. તેનાં કારણો નીચે પ્રમાણે છે.
(૧) પાકિસ્તાન પાસે વિશાળ સૈન્ય છે, યુદ્ધ વિમાનો છે, ટેંકો છે, મિસાઈલ્સ સીસ્ટીમ્સ છે અને પરમાણુ શસ્ત્રો છે. પાકિસ્તાને કાબુલ, કંદહાર, પર્કતિયા ઉપર પ્રચંડ બોમ્બ વર્ષા પણ કરી રહ્યું છે. ૧૩૦થી વધુ તાલિબાન યોદ્ધાઓ માર્યા ગયા છે તેમ પાકિસ્તાનનો દાવો છે.
(૨) તેથી તદ્દન વિરુદ્ધ તાલિબાનો પાસે કોઈ સુસજ્જિત અને વ્યવસ્થિત સૈન્ય પણ નથી. તેની તાકાત છે. યુવાન અને સ્ફૂર્તિલા યુવાનો. જોકે, તેઓ પાસે મોબાઈલ શસ્ત્રો, હીટ-એન્ડરન ગેરિલા ટેકટિક્સ રાત્રે જ હુમલા કરવા અને નાની-નાની ટુકડીઓમાં વહેંચાઈ યુદ્ધ કરવું. આથી પાકિસ્તાનની શક્તિશાળી તેવી વિશાળ સેનાને પણ અધ્ધર-શ્વાસે રાખી શકે છે.
(૩) યુદ્ધનું કેન્દ્ર ડુરાંડ લાઈન આસપાસની પર્વતમાળા છે. બંને દેશોનાં સૈન્યો એકબીજાની ચોકીઓ ઉપર હુમલા કરી રહ્યું છે. પરંતુ આ પર્વતીય પ્રદેશમાં સેનાની મુવમેન્ટ સહજ રીતે જ ધીમી થઈ જાય છે. એરસ્ટ્રાઈક પણ બહુ અસરકારક નીવડતી નથી. તાલિબાનો, ગુફાઓ, જંગલો અને પર્વતોમાં સરળતાથી છુપાઈ જઈ શકે છે. આમ તે પ્રદેશની ભૂગોળ જ તેમને માટે ખૂબ મહત્ત્વનું રક્ષણાત્મક કવચ છે. આ પાકિસ્તાન માટે ભારે મોટો માથાનો દુ:ખાવો છે.
પશ્તુન પ્રજાનો પણ તાલિબાનોને ટેકો છે. તેવો ડુરાંડ લાઈનની બંને બાજુએ ફેલાયેલો છે. કંદહાર અને કાબુલથી શરૂ કરી ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાનના ઉત્તરના પર્વતો સુધી તેઓ ફેલાયેલા છે. ઉલ્લેખનીય તે છે કે તે પશ્તુનો, માત્ર મૌખિક સમર્થન જ તાલિબાનને નથી આપતા, પરંતુ ખાધા-ખોરાકી, આશ્રય તથા સુરક્ષિત સ્થાનો પણ દર્શાવે છે. આ ટેકાએ જ તાલિબાનોને વર્ષો સુધી અમેરિકા અને નાટો સૈન્યો સામે લડવાની ક્ષમતા આપી હતી. હવે તેઓ પાકિસ્તાનને પડકાર આપી રહ્યાં છે.
(૪) પાકિસ્તાન ભલે એર-સ્ટ્રાઈકનો દાવો કરે પરંતુ સરહદી વિસ્તારોમાં તેની પોસ્ટોની લાંબી લાઈનો તાલિબાનોનાં નાનાં નાનાં મોડયુલ્સ સીમાંત ક્ષેત્રની ઘેરી સામાજિક સમસ્યાઓ તેને તાલિબાનો વિરુદ્ધ નિર્ણાયક લાભ આપી શકતાં નથી.
આમ, પરમાણુ શસ્ત્રો અને અતિ આધુનિક શસ્ત્રોથી સજ્જ તેવી પાકિસ્તાની સેના ભારે ચઢાવ-ઉતારવાળી તે વિસ્તારની ભૂગોળ, બીજી તરફ તાલિબાન યોદ્ધાઓની સરફરોશીની તમન્ના, તથા સ્થાનિક લોકોને તેમને મળતો ટેકો પાકિસ્તાનને ફાવવા દેતું નથી. બીજી તરફ તાલિબાનોએ આત્મઘાતી ટુકડીઓ રચવી શરૂ કરી દીધી છે, અને તેમના નેતા અખુંદજાદાને માટે જાનની કુરબાની આપવા પણ તે તાલિબાનો તૈયાર છે તેથી જ તેઓ પાકિસ્તાનને હંફાવી રહ્યાં છે.


