આંખો સામે સ્કૂલ તણાઈ ગઈ પણ 1643 બાળકો બચી ગયા: નેપાળ પૂરના હીરો પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીની કહાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flash Flood : નેપાળની ત્રિશૂલી ઘાટીમાં ગ્લેશિયર તૂટવાથી આવેલી ભીષણ પૂરની હોનારતમાં નેપાળ અને તિબ્બત મળીને અત્યાર સુધીમાં 750 થી વધુ લોકોના મોત થયા છે અને 3000 થી વધુ લોકો ગુમ છે. આ ભીષણ તારાજી વચ્ચે નુવાકોટ સ્થિત ત્રિભુવન ત્રિશૂલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીએ સાહસિક નિર્ણય લઈને 1643 બાળકોનો જીવ બચાવી લીધો છે. સવારે 9:20 વાગ્યે એક મિત્રના ચેતવણી આપતા ફોન કોલ બાદ પ્રિન્સિપાલ દવાડીએ એક પણ પળ ગુમાવ્યા વગર ઇમરજન્સી બેલ વગાડી આખી સ્કૂલ ખાલી કરાવી દીધી હતી.
પહાડી તરફ ભાગીને બોધિ વૃક્ષ નીચે મેળવ્યું શરણ
સ્કૂલ નદીથી 60 મીટરની ઊંચાઈ પર હોવા છતાં, પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હોવાના સમાચાર મળતાં જ પ્રિન્સિપાલ અને શિક્ષકોએ તમામ બાળકોને સુરક્ષિત રીતે પહાડી તરફ મોકલી દીધા હતા. પૅનિક એટેકનો ભોગ બનેલી એક વિદ્યાર્થિનીને બાઇક દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી હતી. બાળકોએ પહાડી પર બોધિ વૃક્ષ નીચે આશ્રય લીધો હતો અને જોતજોતામાં પૂરના ભયાનક વહેણે કંક્રીટની ત્રણ માળની સ્કૂલ ઈમારતને જમીનદોસ્ત કરી દીધી હતી.
1643 બાળકો બચ્યા પરંતુ 2 સાથીઓને ગુમાવ્યાનો શોક
પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીના આ ત્વરિત અને સાહસિક નિર્ણયથી 1643 નિર્દોષ બાળકો સુરક્ષિત બચી ગયા, પરંતુ તેઓ પોતાના 2 સાથીઓને બચાવી શક્યા નહીં. ઇતિહાસના શિક્ષક સંતોષ પરિયાર સવારનો નાસ્તો બનાવવા ગયા હતા ત્યારે પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. આ ઉપરાંત જનરેટર રૂમ બંધ કરવા ગયેલા ઓપરેટર સુલ્તાન લામાનું પણ આ હોનારતમાં અવસાન થયું હતું. સ્થાનિક લોકો રાજેન્દ્ર દવાડીની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.
લાંગટાંગ લિરુંગ ચોટી પરથી ગ્લેશિયર તૂટતા સર્જાઈ ભીષણ હોનારત
વિજ્ઞાનીઓ ના જણાવ્યા અનુસાર, આ વિનાશ લાંગટાંગ લિરુંગ ચોટી પરથી બરફ અને ખડકનો વિશાળ ટુકડો તૂટવાના કારણે સર્જાયો હતો. આ ટુકડો આશરે 1200 મીટર નીચે નદીમાં ખાબક્યો હતો અને તેનો કાટમાળ 50 એકર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. બરફ, માટી અને ખડકોના ભયાનક તોફાને રસ્તામાં આવતા મકાનો, પુલો અને વીજળીઘરોને તબાહ કરી દીધા હતા. આ પૂરમાં નેપાળમાં જ 734 લોકોના મોત થયા છે અને 2498 લોકો હજુ પણ ગુમ છે.




