World

બ્રહ્માંડની સૌથી દૂરની , સૌથી જૂની 13.5 અબજ વર્ષની 'એમઓએમ - ઝેડ 14' ગેલેક્સી મળી

By GS Team
16 Sep 20264 mins read
TukuTouch Logo
નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે બ્રહ્માંડની સૌથી જૂની અને દૂરની ગેલેક્સી "MOM-ઝેડ14" શોધી છે. વોશિંગ્ટન નજીકથી મળેલી આ 13.5 અબજ વર્ષ જૂની ગેલેક્સી બ્રહ્માંડના જન્મના ફક્ત 28 કરોડ વર્ષ પછી બની હતી. ભારતીય ખગોળશાસ્ત્રી રોહન નાયડુની ટીમે આ રહસ્યમય ગેલેક્સી શોધી, જે દર્શાવે છે કે બ્રહ્માંડ બાળપણમાં ઝડપથી વિકસ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રહ્માંડની  સૌથી દૂરની , સૌથી જૂની 13.5 અબજ વર્ષની 'એમઓએમ - ઝેડ 14' ગેલેક્સી મળી
  • નાસાના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો અજીબોગરીબ ચમત્કાર
  • ગેલેક્સીનું સર્જન બ્રહ્માંડના જન્મ(૧૩.૭ અબજ વર્ષ)ના ૨૮ કરોડ વર્ષ બાદ થયું : આજનું અંતરિક્ષ બહુ જ પાતળું હોવાથી ભવિષ્યમાં વિરાટ ગેલેક્સીઝનું સર્જન અશક્ય

વોશિંગ્ટન : અનંત, અફાટ, અજીબોગરીબ બ્રહ્માંડનું અત્યાર સુધીનું સૌથી જૂનું અને સૌથી દૂરનું રહસ્ય મળ્યું છે. અંતરિક્ષનું આ સૌથી જૂનું અને સૌથી દૂરનું રહસ્ય છે એમઓએમ -- ઝેડ ૧૪ સંજ્ઞાધરાવતી ગેલેક્સી.
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) ના વિશ્વના સૌથી આધુનિક ટેકનોલોજી ધરાવતા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે(જે.ડબલ્યુ.એસ.ટી.) બ્રહ્માંડની સૌથી દૂરની ગેલેક્સી શોધી છે. એમઓએમ -- ઝેડ ૧૪ સંજ્ઞાધરાવતી ગેલેક્સી ૧૩.૫ અબજ વર્ષ જૂની છે. આ ગેલેક્સીનો જન્મ બ્રહ્માંડના સર્જન (૧૩.૭ અબજ વર્ષ)ના ફક્ત ૨૮ કરોડ વર્ષ બાદ થયો છે. બીજા અર્થમાં સમજીએ તો આ ગેલેક્સીનું સર્જન થયું ત્યારે બ્રહ્માંડ તેના બાળપણના તબક્કામાં હતું.
બ્રહ્માંડના આ અજીબોગરીબ રહસ્યની શોધ અમેરિકાની મેસેચ્યુસેટ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી(કેમ્બ્રીજ)ની સંશોધન સંસ્થા એમ.આઇ.ટી. કાવલી ઇન્સ્ટિટયુટ ઓફ એસ્ટ્રોફિક્સિ એન્ડ સ્પેસ રિસર્ચ(એમકે) ના ભારતીય ખગોળશાસ્ત્રી રોહન નાયડુ અને જેકોબ શેહ્ન તથા યુનિવર્સિટી ઓફ જીનેવા(સ્વિત્ઝર્લેન્ડ) ના ખગોળશાસ્ત્રી પાસ્કલ ઓશ અને તેમની ટીમે કરી છે. આ સંશોધનપત્ર૨૦૨૬ની ૨૮, જાન્યુઆરીએ ઓપન જર્નલ ઓફ એસ્ટ્રોફિઝિક્સ નામના પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રસિદ્ધ થયું છે.

  • એમઓએમ - ઝેડ ૧૪ ગલેક્સીની શોધ કઇ રીતે થઇ ? :
    જેકોબલ શેહ્ને એવી માહિતી આપી છે કે અમને આ વિશિષ્ટ અને સૌથી દૂરની ગેલેક્સી વિશેની રસપ્રદ માહિતી અમારા મિરાજ ઓફ મિરેકલ(એમઓએમ) સર્વે તે દરમિયાન મળી હતી. આમ તો અમે આ શોધ માટે નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના નિઅર - ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોગ્રાફ નામના અત્યાધુનિક વૈજ્ઞાાનિક ઉપકરણનો ખાસ ઉપયોગ કર્યો છે. આ વૈજ્ઞાાનિક ઉપકરણની મદદથી અમે બ્રહ્માંડના અતિ અતિ દૂરના ,અત્યંત ઝાંખા, ધૂળ-વાયુના ઘટ્ટ વાદળોની પાછળ પણ ડોકિયું કરી શક્યા.
    અમારા સંશોધન દરમિયાન અમને અતિ અતિ દૂર નાની નાની ઘણી ગેલેક્સીઝ પણ જોવા મળી હતી. જોકે આ બધી ગેલેક્સીઝમાં એક ગેલેક્સીનો રંગ આછો પીળો અને ઉપરના હિસ્સામાં લાલ જોવા મળ્યો હતો. એટલે આ ગેલેક્સી બીજી ગેલેક્સીઝના રૂપરંગ કરતાં વિશિષ્ટ હોવાથી અમે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
  • એમઓએમ - ઝેડ ૧૪ ગેલેક્સી સૌથી દૂરની કઇ રીતે સાબિત થઇ ? : રોહન નાયડુ તેમના સંશોધનપત્રમાં કહે છે, એમઓએમ - ઝેડ ૧૪ સંજ્ઞાા ધરાવતી ગેલેક્સીનું સૌથી મહત્વનું પાસું એ છેકે તેની કોસ્મોલોજીકલ રેડશિફક્ટ ૧૪.૪૪ છે. રેડ શિફ્ટ એટલે જે કોઇ ગેલેક્સી જેટલી દૂરના અંતરે હોય તેટલી તેના પ્રકાશની તરંગ લંબાઇ પણ ખેંચાય.પરિણામે તે પ્રકાશ ઝાંખો અને લાલ પણ થાય. અત્યારસુધીની જે ગેલેક્સીઝ અતિ દૂરના અંતરેે મળી છે તેની રેડશિફ્ટ આટલી નથી.
    આ સચોટ ગણતરીએ એમઓએમ - ઝેડ ૧૪ સંજ્ઞાધરાવતી ગેલેક્સીનો જન્મ બ્રહ્માંડના સર્જન(૧૩.૭ અબજ વર્ષ) ના ફક્ત ૨૮ કરોડ વર્ષ બાદ થયો છે તે પુરવાર થયું છે.આ ગેલેક્સીની ઉંમર ૧૩.૫ અબજ વર્ષ છે. બીજા સરળ શબ્દોમાં સમજીએ તોઆ ગેલેક્સીનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ૧૩.૫ અબજ વર્ષ સુધી ફરતો ફરતો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને મળ્યો છે.
    ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઇએફઆર- મુંબઇ: નિવૃત્ત) )ના સિનિયર ખગોળશાસ્ત્રી અને નાસા -ઇસરોના અનુરાધા પ્રોજેકટ(૧૯૮૫) ના વિજ્ઞાાની ડો. મયંક વાહિયાએ તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે ગુજરાત સમાચારને કહ્યું છે કે ૧૩.૭ અબજ વર્ષ પહેલાં બ્રહ્માંડનું સર્જન થયું(જે પ્રક્રિયાને બીગ બેન્ગ કહેવાય છે) તે તબક્કે ચારે તરફ ફક્ત હાઇડ્રોજનનાં અતિ અતિ ઘટ્ટ અને વિશાળ વાદળો જ હતાં.હિલિયમનું પ્રમાણ બહુ બહુ ઓછું હતુંં. વળી, એ તબક્કે વિરાટ તારાનું પણ સર્જન થયું હતું. હવે આ સૌથી દૂરની ગેલેક્સીની વિશિષ્ટતા એ છે કે તેના તારામાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.
    એમઓએમ-ઝેડ ૧૪ સંજ્ઞાધરાવતી ગેલેક્સીની ઉંમર ૧૩.૫ અબજ વર્ષ છે તેનો અર્થ એવો પણ થયો કે આ ગેલેક્સીનું સર્જન બ્રહ્માંડના બાળપણના તબક્કામાં જ એટલે કે ફક્ત ૨૮ કરોડ વર્ષ બાદ જ થયું છે. આશ્ચર્યની પ્રક્રિયા તો એ પણ થઇ હશે કે આ ગેલેક્સીના સર્જન માટે જરૂરી હાઇડ્રોજનનો અને હિલિયમનો પૂરતો જથ્થો પણ મળ્યો હોવો જોઇએ. આટલું જ નહીં, આ તબક્કે અંતરિક્ષના વિકાસની પ્રક્રિયા પણ બહુ ઝડપભેર થઇ હોવી જોઇએ. મારા સંશોધનાત્મક અભ્યાસ મુજબ એમઓએમ - ઝેડ ૧૪ ગેલેક્સી કરતાં પણ વધુ દૂરની ગેલેક્સી પણ હોવી જોઇએ. શક્ય છે.
    વળી, આજે અતિ દૂરની ગેલેક્સીઝ મળી રહી હોવાથી સમગ્ર વિશ્વમાં બ્રહ્માંડની ઉંમર ૧૩.૭ અબજ વર્ષ કરતાં પણ વધુ હોવી જોઇએ એવી ચર્ચા થઇ રહી છે. જોકે બીગ બેન્ગ બાદના ફક્ત ૨૮ કરોડ વર્ષ બાદ જ આ ગેલેક્સીનું સર્જન થયું છે ત્યારે તેનો અર્થ એવો થયો કે એ તબક્કે બ્રહ્માંડનો વિકાસ બહુ જ ઝડપથી થયો હોય તે શક્ય છે. આમ બ્રહ્માંડની ઉંમર ૧૩.૭ અબજ વર્ષ છે એ ચોક્કસ.
    ડો. મયંક વાહિયાએ બહુ મહત્વનો મુદે રજૂ કરતાં ગુજરાત સમાચારને કહ્યું છે કે ૧૩.૭ અબજ અને તેનાં કરોડો વર્ષ દરમિયાન બ્રહ્માંડબહુ જ ઘટ્ટ હતું. તેમાંની ગતિવિધિ બહુ જ ઝડપભેર થતી હતી. નવા અને મોટા વિરાટ તારાનું અને ગેલેક્સીઝનું સર્જન થતું હતું , જે તારા આપણા સૂર્ય કરતાં ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ ગણા વધુ મોટા હતા.
    આજે જોકે ચિંતાજનક પ્રક્રિયા એ થઇ રહી છે કે હાલનું અંતરિક્ષ બહુ બહુ પાતળું થઇ ગયું છે. સાથોસાથ ગેલેક્સીઝ એકબીજીથી વધુ ને વધુ દૂર દૂર જઇ રહી છે. બધું વેરવિખેર થઇ રહ્યું હોવાથી હાઇડ્રોજનનું પ્રમાણ ઘટી રહ્યું છે.
    આવી પરિસ્થિતિમાં હવે ભવિષ્યમાં વિરાટ કદના નવા તારા કે વિરાટ કદની ગેલેક્સીઝનું સર્જન થાય તે લગભગ અશક્ય છે.