World

દુનિયાની સૌથી ખતરનાક જોબ, જાણો બુર્જ ખલીફાની બારીઓની સફાઈ કેવી રીતે થાય છે?

By GS Team
12 Sep 20263 mins read
TukuTouch Logo
દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના 828 મીટર ઊંચા કાચ સાફ કરવાનું કામ જીવના જોખમે થાય છે. 24,348 બારીઓ અને 17 ફૂટબોલ મેદાન જેટલા ગ્લાસ એરિયાને 36 સભ્યોની ટીમ 3થી 4 મહિનામાં સાફ કરે છે. દક્ષિણ એશિયાના પ્રશિક્ષિત કર્મચારીઓ ખાસ મશીન, ક્રેડલ અને દોરડાંનો ઉપયોગ કરી, પવન-ગરમી જેવા પડકારો વચ્ચે આ અઘરું કામ પાર પાડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાની સૌથી ખતરનાક જોબ, જાણો બુર્જ ખલીફાની બારીઓની સફાઈ કેવી રીતે થાય છે?

Inside The World Dangerous Job Cleaning Burj Khalifa Windows: દુબઈની શાન ગણાતી અને વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની ઊંચાઈ જમીનથી 828 મીટર છે. આ ભવ્ય ઇમારતની ચમક જાળવી રાખવા પાછળ એવા સાહસી કર્મચારીઓની મહેનત જોડાયેલી છે, જેઓ દરરોજ મોતને હાથતાળી આપીને હવામાં લટકીને કામ કરે છે. નીચે દુબઈના રસ્તાઓ રમકડાં જેવા દેખાતા હોય અને પગ નીચે જમીન નહીં પરંતુ સેંકડો મીટર માત્ર ખુલ્લી હવા હોય, તેવી સ્થિતિમાં કાચ સાફ કરવાનું કામ કોઈ પ્રોફેશનલ માઉન્ટેનિયરિંગ મિશનથી ઓછું નથી.

17 ફૂટબોલ મેદાન જેટલો કાચ અને 24 હજારથી વધુ બારીઓ

બુર્જ ખલીફાના ગ્લાસ ક્લિનિંગ સાથે જોડાયેલા આંકડા ચોંકાવી દે તેવા છે:

  • કુલ બારીઓ: સમગ્ર બિલ્ડિંગમાં 24,348 બારીઓ આવેલી છે.
  • ગ્લાસ એરિયા: તમામ બારીઓમાં લાગેલા કાચનું કુલ ક્ષેત્રફળ અંદાજે 1.2 લાખ ચોરસ મીટર છે, જે આશરે 17 મોટા ફૂટબોલ મેદાનો બરાબર થાય છે.
  • 36 સભ્યોની ટીમ: આખી ઇમારતની બાહ્ય સપાટીની સફાઈ માટે આશરે 36 પ્રશિક્ષિત કર્મચારીઓની ટીમ સતત કામ કરતી હોય છે.
  • સફાઈનો સમયગાળો: એક વખત સફાઈ શરૂ થયા બાદ આખી બિલ્ડિંગના કાચ સાફ કરતાં 3થી 4 મહિના જેટલો લાંબો સમય લાગે છે. એટલે કે વર્ષ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે.

કેવી રીતે થાય છે 828 મીટરની ઊંચાઈએ સફાઈ?

સામાન્ય મશીનો આટલી ઊંચાઈએ પહોંચી શકતા ન હોવાથી ત્રણ સ્તરે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે:

  • હોરિઝોન્ટલ ટ્રેક્સ અને મશીનો: ઇમારતના જુદા જુદા લેવલે ત્રણ હોરિઝોન્ટલ ટ્રેક બનાવવામાં આવ્યા છે, જેના પર 1,500 કિલો વજનવાળી બકેટ મશીનો ચાલે છે. તેનાથી જોડાયેલી ગોંડોલામાં બેસીને કામદારો કાચ સાફ કરે છે.
  • 109મા માળ પછી ક્રેડલ્સ: 109મા માળથી ઉપર ડેવિટ્સ સાથે લટકાવેલી ખાસ ક્રેડલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સૌથી ટોચનો ભાગ: સૌથી ઉપરના 27 ટીયર્સ અને ઇમારતના સ્પાયર (ટોચ) પર કોઈ મશીન પહોંચી શકતું નથી. ત્યાં સ્પેશિયાલિસ્ટ રોપ-એક્સેસ કર્મચારીઓ દોરડાંના સહારે સીધા ટોચ પરથી નીચે ઉતરીને અદભુત સંતુલન સાથે કાચ ચમકાવે છે.

ઝડપી પવન અને અસહ્ય ગરમી સૌથી મોટા પડકારો

આ ઊંચાઈ પર સહેજ સરખી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે:

  • પવનનો ખતરો: સફાઈ શરૂ કરતાં પહેલાં હવામાન અને પવનની ગતિ પર નજર રખાય છે. પવન વધુ તેજ બને તો કર્મચારીઓ કે ઉપકરણોનું સંતુલન બગડવાનો ડર હોવાથી કામ તાત્કાલિક અટકાવી દેવું પડે છે.
  • 'મૂન સૂટ' અને હાઇડ્રેશન: ઊંચાઈ પર આકરી ગરમી અને સૂર્યના તાપથી બચવા કામદારો 'મૂન સૂટ' જેવા ખાસ ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે. ડિહાઇડ્રેશનથી બચવા તેમની પાસે ઇલેક્ટ્રોલાઇટ સ્પોર્ટ્સ ડ્રિંકવાળા હાઇડ્રેશન પેક હોય છે. આ ઉપરાંત કામનું આયોજન પણ સુરજના સ્થાન મુજબ કરાય છે, જેથી કર્મચારીઓને બિલ્ડિંગના પડછાયાનો કુદરતી લાભ મળી રહે.

દક્ષિણ એશિયાના કર્મચારીઓ અને કડક ટ્રેનિંગ

આ કામમાં જોડાયેલા મોટાભાગના કર્મચારીઓ ભારત, નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાંથી આવે છે. તેમને ઊંચાઈ પર કામ કરવા, રોપથી ઉતરવા અને ઇમરજન્સી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ સખત ટ્રેનિંગ આપવામાં આવે છે.

જાન્યુઆરી 2026માં ક્લૂહ ગ્રુપ દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ, તેમની પેટાકંપની 'બર્કલે સર્વિસીસ'ને બુર્જ ખલીફાની જાળવણી અને સફાઈનો કોન્ટ્રાક્ટ ફરી લંબાવી આપવામાં આવ્યો છે. આ કંપની વર્ષ 2010થી સતત આ વિશ્વવિખ્યાત ટાવરને ચમકાવવાનું કામ સંભાળી રહી છે.