World

ભારત-બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગનો બીજીબીએ વિરોધ કરતાં તંગદિલી

By GS Team
24 May 20261 min read
ભારત-બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગનો બીજીબીએ વિરોધ કરતાં તંગદિલી

બીએસએફએ સંયમ જાળવી સ્થિતિ સંભાળી

તીનબિઘા કોરિડોરની પાસે દહગ્રામ-અંગારપોચા વિસ્તારમાં ફેન્સિંગ મુદ્દે સ્થિતિ તંગ

ચેંગડાબાંધા: ભારત-બાંગ્લાદેશ સરહદે ફરી એક વખત તંગદિલી વધી ગઇ હતી. તીનબિઘા કોરિડોરની પાસે આવેલા દહગ્રામ-અંગારપોટા સરહદી વિસ્તારમાં કાંટાળા તારની વાડ લગાવવા મુદ્દે સ્થિતિ તંગ બની ગઇ હતી.

આરોપ મૂકવામાં આવ્યો છે કે સરહદે જમીન માપવાનું કાર્ય શરૂ થતાં જ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)એ વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. 

સૂત્રોનાં જણાવ્યા અનુસાર મેખલીગંજ બ્લોકનાં સરહદી ખુલ્લા વિસ્તારમાં તારબંદી પૂર્ણ કરવા માટે લગભગ ૧૦૫ એકર જમીનની જરૂરિયાત છે. 

જેમાંથી લગભગ ૮૦ એકર જમીન ભારતની અંદર આવેલ બાંગ્લાદેશી છિટમહલ દહગ્રામ અંગારપોટા વિસ્તારમાં આવે છે. આજ પ્રક્રિયા હેઠળ જમીન અને જમીન સુધાર વિભાગનાં અધિકારી જમીન માલિકોની હાજરીમાં જમીન માપી રહ્યાં હતાં. ત્યારે જ કેટલાક બાંગ્લાદેશ નાગરિકો બીજીબી જવાનોએ આ કાર્ય સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે સરહદે તંગદિલી વ્યાપી ગઇ હતી. જો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ સંયમ દાખવી સ્થિતિને સંભાળી લીધી હતી અને મોટા સંઘર્ષને ટાળ્યો હતો. આ ઘટના પછી ધારાસભ્ય દધિરામ રાય પોતે સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી.