સુપર અલ નીનો : પ્રશાંત મહાસાગરનું તાપમાન પહેલી વખત 30 ડિગ્રીને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Super al Nino : સુપર અલ નીનોના કારણે ભારત સહિત દુનિયાભરનું વાતાવરણ ચિંતાજનક હદે બદલાઈ રહ્યું છે. અમેરિકન નેશનલ ઓસનિક અને એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના ડેટા મુજબ પ્રશાંત મહાસાગરમાં ગુરુવારે પહેલી વખત 30 ડિગ્રી સે.થી ઉપર જતું રહ્યું હતું. પ્રશાંત મહાસાગરના વાતાવરણમાં થયેલા આ ફેરફારની આગામી વર્ષે દુનિયાના તાપમાન પર વિપરિત અસરો જોવા મળી શકે છે તેવી આશંકા વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી હતી.
વિશ્વ હવામાન સંસ્થાએ જણાવ્યું કે, અલ નીનો ડિસેમ્બરમાં પીક પર પહોંચી જવાની સંભાવના છે ત્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં તાપમાન વિક્રમી સ્તરે પહોંચી જવાની અપેક્ષા છે. અલ નીનો પર નજર રાખતા હવામાન વૈજ્ઞાનિકો પ્રશાંત મહાસાગરના આ વિસ્તારને ખૂબ જ મહત્વનો માને છે. આ વિસ્તારનું તાપમાન પહેલી વખત ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, જેણે ભારત સહિત વૈશ્વિક હવામાન ચક્ર અંગે ચિંતા વધારી દીધી છે.
વિશ્વ હવામાન સંસ્થા (ડબલ્યુએમઓ) મુજબ અસામાન્યરૂપે શક્તિશાળી અલ નીનોના કારણે મહત્વના સમુદ્રી ક્ષેત્રમાં સરેરાશ તાપમાન જૂનમાં સામાન્યથી 1.6 ડિગ્રી સે. વધુ હતું, જે ઓગસ્ટ સુધીમાં વધીને 2.5 ડિગ્રી સે. વધુ થઈ ગયું હતું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન અહીં તામાનપ અંદાજે 3.7 ડિગ્રી સે. વધુ સુધી પહોંચી શકે છે.
ડબલ્યુએમઓના તાજા પૂર્વાનુમાન મુજબ આગામી મહિનાઓમાં દક્ષિણ એશિયાના મોટાભાગના હિસ્સામાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. અલ નીનો સતત મજબૂત થતા વરસાદની અછતનો સામનો કરી રહેલા ભારત માટે શિયાળામાં પણ ગરમી ચિંતા વધારી શકે છે. ભારતીય હવામાન વિભાગ મુજબ વર્ષ 2026માં દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્યથી લગભગ 13 ટકા ઓછા વરસાદ સાથે સમાપ્ત થયું છે.
ભારત પર અલ નીનો એ રીતે પણ જોઈ શકાય છે કે હવામાનમાં પરિવર્તન સાથે દેશમાં પ્રદૂષણ પર ઘણે અંશે અસર કરી છે. અલ નીનોના કારણે ઉત્તર ભારતની જગ્યાએ દક્ષિણ ભારતમાં વધુ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ 2022-23માં ભારત પર અલ નીનોની અસર રહી જ્યારે 2023-24ના શિયાળામાં અસર જોવા મળી હતી. આ અસર હેઠળ 2022-23માં ઉત્તર ભારતમાં શિયાળામાં હવામાન સાફ રહ્યું જ્યારે તેનાથી વિપરિત દક્ષિણ ભારતની હવા પ્રદૂષિત રહી હતી.




