'આતંકીઓની ઢાલ બનવાનું બંધ કરો': UNSCમાં ભારતે ચીન-પાકિસ્તાનની બેવડી નીતિ પર કર્યા આકરા પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UNSC Reforms India Demand : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતે એક વાર ફરી પાકિસ્તાન અને ચીનને કડક શબ્દોમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બંને દેશો આતંકવાદીઓની ઢાલ બનવાનું બંધ કરે. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રને પોતાના સંકીર્ણ રાજકીય સ્વાર્થ સાધવાનું મંચ ન બનાવવું જોઈએ અને આતંકવાદીઓની ગ્લોબલ લિસ્ટિંગ પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપ બિલકુલ સહન કરવામાં આવશે નહીં.
લિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ભારતની માગણી
સુરક્ષા પરિષદની કાર્યપ્રણાલી પર આયોજિત એક મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ યોજના પટેલે કોઈ દેશનું નામ લીધા વિના પાકિસ્તાન અને ચીન પર પરોક્ષ પ્રહારો કર્યા હતા. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે કોઈપણ આતંકવાદીને પ્રતિબંધિત યાદીમાં ઉમેરવાની કે તેમાંથી હટાવવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને નિષ્પક્ષતા હોવી અત્યંત જરૂરી છે. તેમણે આતંકવાદ અને પ્રતિબંધો સાથે જોડાયેલા મામલાઓ જોતી સહાયક સમિતિઓની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પરિષદના આંતરિક મતભેદોના કારણે આ કમિટીઓના અધ્યક્ષોની નિમણૂક અટકેલી છે, જેનાથી આતંકવાદ વિરોધી કામગીરી પર માળખાકીય અસર પડી રહી છે.
ચીન-પાકિસ્તાનની બેવડી નીતિ પર પ્રહાર
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને તાજેતરમાં કેટલાક આતંકી સંગઠનોને યુએન પ્રતિબંધિત યાદીમાં ઉમેરવા અને પોતાના દેશમાં શરણ લેતા આતંકીઓને લિસ્ટમાંથી હટાવવાના પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ચીને ભૂતકાળમાં જેશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને લશ્કર-એ-તૈયબાના નેતા સાજિદ મીર જેવા આતંકીઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં નડતરરૂપ હતા. ભારતે સ્પષ્ટ કર્યું કે સુરક્ષા પરિષદની સદસ્યતા પોતાની સાથે મોટી જવાબદારીઓ લાવે છે અને તેને અંગત રાજકીય હિતો માટે વાપરવી અયોગ્ય છે.
80 વર્ષ જૂની સંરચના બદલવા અને UNSCમાં સુધારાની જોરદાર માંગ
આ ચર્ચા દરમિયાન ભારતે સિક્યોરિટી કાઉન્સિલના કાયમી અને અસ્થાયી બંને માળખામાં સુધારાની માંગણીને પુનરાવર્તિત કરી હતી. ભારતે જણાવ્યું કે દ્વિતીય વિશ્વયુદ્ધ (1945) ના આધારે બનેલી 80 વર્ષ જૂની સંરચનાને આજના સમયની સુરક્ષા પરિષદ પર લાદવી ખોટી છે. 1945 પછી યુએનના સભ્ય દેશોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે, તેથી વર્તમાન વાસ્તવિકતાઓને નકારી શકાય નહીં.
પરિષદની નિષ્ક્રિયતાને કારણે વિશ્વસનીયતા પર સવાલ
ભારતે સુરક્ષા પરિષદમાં કાયમી અને અસ્થાયી બંને શ્રેણીઓમાં અન્ય દેશોનો સમાવેશ કરવા પર ભાર મૂક્યો જેથી વિકાસશીલ દેશોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે. વધુમાં, વિશ્વના વિવિધ સંઘર્ષો ઉકેલવામાં UNSCની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતા ભારતે જણાવ્યું કે પરિષદની નિષ્ક્રિયતાના કારણે વૈશ્વિક સ્તરે તેની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે અને તેની ભારે માનવીય કિંમત ચૂકવવી પડી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રની સૌથી લોકશાહી સંસ્થા એવી મહાસભા (UNGA) સાથે શ્રેષ્ઠ તાલમેલ જાળવવા અનુરોધ કર્યો હતો.









